વરસાદે ફરી ખોલી પાલિકાના વિકાસના દાવાની પોલ: સુરતના ગોડાદરામાં રોડ ધસી જતાં ડમ્પર ભુવામાં ફસાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain: સુરતમાં વરસાદ પડતાં જ રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ ફરી સામે આવવા લાગી છે. શહેરમાં કરોડો રૂપિયાના રોડ બનાવવાના દાવા વચ્ચે વરસાદી મોસમમાં એક પછી એક રસ્તા ધસી પડવાની ઘટનાઓ વધી રહી છે. ગોડાદરા માનસરોવર વિસ્તારમાં રોડ અચાનક બેસી જતાં એક ડમ્પર ભુવા માં ફસાઈ ગયું હતું. આ ઘટનાએ ફરી એક વખત પાલિકાની કામગીરી અને રોડની ગુણવત્તા અંગે સવાલો ઊભા કર્યા છે.
સુરત શહેરમાં વરસાદ હવે માત્ર પાણી ભરાવાની સમસ્યા પૂરતો રહ્યો નથી. વરસાદ સાથે શહેરના રસ્તાઓ પણ એક પછી એક બેસી રહ્યા છે. ગોડાદરા માનસરોવર વિસ્તારમાં રોડ અચાનક ધસી જતાં ત્યાંથી પસાર થઈ રહેલા ડમ્પર ભુવા માં ફસાઈ ગયું હતું. ઘટનાને પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને આસપાસના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
આ ઘટનાએ ફરી એક વખત પાલિકાના પ્રી-મોન્સૂન કામો અને રસ્તા ની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. દર વર્ષે વરસાદ શરૂ થતાં જ શહેરમાં રોડ પર ભુવા પડવાની અને રસ્તા ધસી પડવાની ઘટનાઓ સામે આવે છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં પાલિકા નિષ્ફળ રહી છે. ગોડાદરાની ઘટના કોઈ પહેલી નથી. આ પહેલા પણ શહેરના અનેક વિસ્તારમાં રસ્તા ધસી પડયા હતા અને વાહનો ભુવામાં ફસાયા હતા. દરેક વખતે તપાસ અને સમારકામની ખાતરી આપવામાં આવે છે, પરંતુ થોડા જ વરસાદમાં ફરી એવી જ સ્થિતિ સર્જાતી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી સિઝન હજુ આગળ છે ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ સર્જાય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. લોકોનું કહેવું છે કે પાલિકાએ માત્ર ભુવો પૂરવા કે રોડ પર પેચવર્ક કરવાની જગ્યાએ સમગ્ર રોડની ગુણવત્તા અને તેની નીચેની સુવિધાઓની તપાસ કરાવી કાયમી ઉકેલ લાવવો જોઈએ.









