સુરતમાં નવી મુસીબત! મેટ્રોની કામગીરી અને વરસાદી ખાડાઓથી વાહનચાલકો ત્રસ્ત, માર્ગો બન્યા જોખમી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Road Damage: આ ચોમાસામાં સુરતીઓના માથેથી આફત ઓસરવાનું નામ જ લેતી નથી. પાણી ભરાવાની સમસ્યામાંથી માંડ રાહત મળી ત્યાં શહેરના અનેક રસ્તાઓ પર પડેલા ખાડાઓએ લોકોની મુશ્કેલી બમણી કરી દીધી છે. મેટ્રોની કામગીરી વચ્ચે મજુરાગેટથી ઉધના દરવાજા માર્ગ અને પોદ્દાર આર્કેડથી રેલવે સ્ટેશન જતો માર્ગ ભારે વરસાદ બાદ ધોવાઈ જતાં રોજિંદા હજારો વાહનચાલકો જોખમ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે.
સૌથી વ્યસ્ત માર્ગમાં ખાડારાજ
સુરતના સૌથી વ્યસ્ત માર્ગોમાં ગણાતા રીંગરોડ અને વરાછાથી સ્ટેશન તરફ જતા માર્ગ પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. ભારે વરસાદ બાદ રસ્તાની સપાટી અનેક સ્થળે ધોવાઈ જતાં મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે. પરિણામે વાહનચાલકોને વારંવાર ગતિ ધીમી કરવી પડે છે અથવા ખાડા બચાવવા જોખમી રીતે વાહન ચલાવવું પડે છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ માર્ગ અકસ્માતનું સાધન બની ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

મેટ્રોના પિલર નીચે વાહન ચલાવવા મજબૂર
મેટ્રોની કામગીરીને કારણે અગાઉથી જ માર્ગ સાંકડો બન્યો છે, અને ઉપરથી રસ્તાની દયનીય હાલતના કારણે દિવસભર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. તેમાં પણ મજુરાગેટથી ઉધના દરવાજા તરફ જતા માર્ગ પર મેટ્રોના પિલર નીચે વાહન ચલાવવું એટલે કે જાણે મોતના કૂવામાં વાહન ચલાવતા હોવ તેવો ઘાટ વાહનચાલકોનો થઈ રહ્યો છે. એટલી મોટી માત્રામાં ખાડા છે કે મોટા વાહનચાલકોને પણ મુશ્કેલી પડે છે, આવામાં નાના ટૂ-વ્હીલર માટે તો આ રસ્તો અકસ્માતનું નિમંત્રણ બની રહ્યો છે.
પાલિકા અને મેટ્રો વચ્ચે સંકલનનો અભાવ
પીક અવર્સ દરમિયાન વાહનોની ગતિ ધીમી હોવાથી ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને લાંબી કતારો લાગી રહી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા અને મેટ્રો વચ્ચે સંકલન થયું હતું અને મેટ્રો દ્વારા આવા રસ્તાઓ બનાવવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિ જોતા મેટ્રોએ કોઈ રસ્તો બનાવ્યો હોય કે ખાડા પૂર્યા હોય તેવું લાગતું નથી. મેટ્રોની નબળી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને પાલિકા તંત્ર પણ મેટ્રો સાથે સંકલન સાધીને રસ્તા બનાવવાની કામગીરીમાં નિષ્ફળ સાબિત થયું છે, જેનો ભોગ સુરતીઓ બની રહ્યા છે. આવી જ રીતે સૌથી વધુ વ્યસ્ત માર્ગ વરાછા રોડથી સુરત રેલવે સ્ટેશન તરફ જતો માર્ગ છે. આ પોદ્દાર આર્કેડથી રેલવે સ્ટેશન જતો માર્ગ ભારે વરસાદ બાદ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હોવાથી વાહનચાલકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે.
પાણી ભરાવવાની સમસ્યા હજુ સંપૂર્ણપણે પૂરી થઈ નથી ત્યાં લોકોએ બિસ્માર રસ્તાઓની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ખાડાઓનું સમારકામ કરવા, માર્ગને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવા અને મેટ્રોની કામગીરી સાથે સંકલન સાધી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની અને અકસ્માતોની સંખ્યામાં વધારો થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.









