ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ! 125 તાલુકામાં મેઘમહેર, 5 દિવસનું યલો ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Monsoon Round 2 Weather News : ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4.50 ઈંચ નોંધાયો હતો. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાત અને નવસારીમાં જળબંબાકાર
સોમવારે દિવસ દરમિયાન વલસાડ અને નવસારી જિલ્લામાં આકાશી આફત જેવો વરસાદ વરસ્યો હતો. વલસાડના પારડીમાં માત્ર 2 કલાકમાં 3.50 ઈંચ સહિત કુલ 4.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વલસાડ શહેરમાં 4.25 ઈંચ અને નવસારીના ખેરગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જલાલપોર, ગણદેવી, ચીખલી, ધરમપુર, ઉમરગામ અને વાપી જેવા વિસ્તારોમાં પણ 2 થી 3.5 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સીઝનનો કુલ 27% વરસાદ સંપન્ન
હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં હજુ સુધી સરેરાશ 10 ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ 27% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રદેશવાર સ્થિતિ જોઈએ તો:
- દક્ષિણ ગુજરાત: 24 ઈંચ વરસાદ સાથે સીઝનનો સૌથી વધુ 40% વરસાદ પૂરો થયો છે.
- સૌરાષ્ટ્ર: 8.85 ઈંચ વરસાદ સાથે સીઝનનો 29.56% વરસાદ થયો છે.
- પૂર્વ મધ્ય ગુજરાત: 6.15 ઈંચ વરસાદ સાથે 19% વરસાદ નોંધાયો છે.
- ઉત્તર ગુજરાત: 4.15 ઈંચ વરસાદ સાથે 14.52% ચોમાસું પૂર્ણ થયું છે.
- કચ્છ: માત્ર 0.66 ઈંચ વરસાદ સાથે સીઝનનો 3.42% વરસાદ જ વરસ્યો છે.
આગામી 3 થી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.









