એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ: સુરત પાલિકાના અનેક વિસ્તાર ફરી પાણીમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: તાજેતરના વિનાશક પૂર બાદ હજુ શહેર સંપૂર્ણ રીતે સંભાળી પણ શક્યું નથી ત્યાં વરસાદના બીજા રાઉન્ડે ફરી સુરત મહાનગર પાલિકાની વરસાદી તૈયારીઓની કસોટી કરી છે. રાત્રીથી શરૂ થયેલા ધીમા વરસાદે જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી દીધી છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવા, રેલવે ગરનાળુ બંધ કરવાની ફરજ પડવી અને ભેદવાડ ખાડીની સપાટી ફરી ભયજનક સ્તરે પહોંચતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ફરી સવાલ ઉભા થયા છે.
સુરતમાં ગત રાત્રિથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક થતા લોકોને ગરમીમાં રાહત મળી છે પરંતુ બીજી તરફ ખાડીની સપાચીએ લોકો સાથે પાલિકાનું ટેન્શન પણ વધાર્યું છે. સવારે આશરે 10 વાગ્યે સુરતમાંથી પસાર થતી ભેદવાડ ખાડી ની સપાટી 7.20 મીટર વટાવી 7.30 મીટરે પહોંચી હતી. ખાડી ઓવર ફ્લો ની સ્થિતિમાં પહોંચી જતાં નીચાણવાળા અને ખાડી કિનારા ના વિસ્તાર માટે વહીવટી તંત્ર એલર્ટ બન્યું હતું. ખાડીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી સ્થાનિક રહેવાસીઓ માં પણ ચિંતા ફેલાઈ છે.
બીજી તરફ ઉધના-નવસારી રોડ પર બાટલી બોય કંપની નજીક વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગની એક બાજુ વાહન વ્યવહાર માટે બંધ કરવી પડી હતી. ઓફિસ સમય દરમિયાન વાહનોની લાંબી લાઈન લાગી હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત ઉધનાના અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની ફરિયાદ સામે આવી છે. થોડા વરસાદમાં જ વારંવાર સર્જાતી આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાજેતરના પૂરના અનુભવ બાદ પાલિકાએ વરસાદી તૈયારીઓ પૂર્ણ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ વરસાદના બીજા જ રાઉન્ડમાં અનેક સ્થળોએ ફરી પાણી ભરાવા લાગતાં આ દાવાઓ સામે પ્રશ્નો ઉભા થયા છે. મુખ્ય માર્ગો અને ગરનાળાં પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ દર્શાવે છે કે શહેરની ડ્રેનેજ વ્યવસ્થા હજુ પણ વરસાદ સામે પૂરતી અસરકારક બની શકી નથી.
ઉધના રેલવે ગરનાળુ ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ જતાં સલામતીના કારણોસર તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. પરિણામે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.









