Surat

સુરત શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ : સુરત-નવસારી રોડ, કતારગામ-વેડ રોડ સહિત અનેક રસ્તા નદીમાં ફેરવાયા

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતમાં મેઘરાજાએ સતત બીજા દિવસે ધમરોળતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા. સુરત-નવસારી, કતારગામ-વેડ રોડ પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો. પર્વતગામમાં ઘૂંટણસમા પાણી ભરાતાં માર્ગ બંધ કરાયો. પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ જતાં બીજા દિવસે પણ સુરતીઓ મુશ્કેલીમાં મુકાયા. અનેક વાહનો બંધ પડ્યા, જનજીવન ઠપ્પ થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ : સુરત-નવસારી રોડ, કતારગામ-વેડ રોડ સહિત અનેક રસ્તા નદીમાં ફેરવાયા

Surat Rain Update : મેઘરાજાએ સતત બીજા દિવસે પણ સુરતને ધમરોળતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સુરત-નવસારી રોડ, કતારગામ-વેડ રોડ, પર્વતગામ સહિતના મુખ્ય માર્ગો પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. પર્વતગામમાં ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી અને અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. સતત બીજા દિવસે વરસાદનું જોર એટલું બધું હતું કે પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન વામણો સાબિત થયો હતો જેનો ભોગ બીજા દિવસે પણ સુરતીઓ બન્યા છે.
સુરતમાં સોમવારથી શરૂ થયેલી વરસાદી સિસ્ટમે મંગળવારે પણ જોરદાર બેટિંગ ચાલુ રાખી હતી. ગઈકાલે બાદ આજે સવારથી જ શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં થોડા જ સમયમાં પાણી ભરાઈ ગયા હતા. સુરત-નવસારી રોડ, કતારગામ-વેડ રોડ, ઉધના સહિતના મુખ્ય રસ્તા પર પાણીનો એટલો ભરાવો થયો હતો કે વાહનચાલકો માટે વાહન હંકારવા મુશ્કેલ બની ગયું હતું. અનેક સ્થળોએ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતના પર્વતગામ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. પુલ ઉતરતા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પાણીના સતત વધતા સ્તરને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. આ રસ્તાની બાજુમાં આવેલી શાળાના પરિસરમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. પાણીમાં પસાર થવાનો પ્રયાસ દરમિયાન અનેક વાહનો બંધ થઈ ગયા હતા.
શહેરના મુખ્ય રસ્તા એવાસુરત -નવસારી રોડ સહિત શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. આવી જ રીતે કતારગામ વેડ રોડ પર તો નદી વહેતી હોય તેવી રીતે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આજે સતત બીજા દિવસે લોકોના ધંધા રોજગાર બંધ રહ્યા હતા. કતારગામ ઝોનના અનેક રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતાં જનજીવન ખોરવાયું હતું. વેપારીઓને દુકાનો ખોલવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે અનેક સ્થળોએ ગ્રાહકોની અવરજવર પણ ઘટી ગઈ હતી. સતત બીજા દિવસે વરસાદના કારણે ધંધા-રોજગાર પર પણ સીધી અસર જોવા મળી હતી.

શહેરના કેટલાક રસ્તા પર ઘૂંટણસમા પાણીમાં ઉતરી પાલિકાના કર્મચારીઓએ સંભાળ્યો મોરચો

સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે જ્યાં એક તરફ અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યાં બીજી તરફ પાલિકાના કર્મચારીઓ ઘૂંટણસમા પાણીમાં ઉતરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી કરતા નજરે પડ્યા હતા. શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારમાં કર્મચારીઓએ ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનમાંથી પાણીનો પ્રવાહ સરળ બને તે માટે ગટરના ઢાંકણા ખોલવાની, કચરો દૂર કરવાની તેમજ પાણીના નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. ભારે વરસાદ સતત ચાલુ હોવા છતાં કર્મચારીઓ વરસાદી પાણી વચ્ચે ઊભા રહી પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા હતા.

વરસાદી સ્થિતિ ગંભીર બનતા પાલિકાની શાળાના શિક્ષકોને પણ રજા જાહેર

સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અવરજવર મુશ્કેલ બની છે. આવી સ્થિતિમાં શિક્ષકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં સુરત પાલિકાના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લઈ પાલિકાની શાળાના શિક્ષકોને પણ રજા જાહેર કરી છે. ભારે વરસાદને કારણે પાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ગઈકાલે જ રજા જાહેર કરવામાં આવી હતી. જોકે શિક્ષકોને શાળામાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ વરસાદનું જોર યથાવત રહેતાં અને શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો વધતાં શિક્ષકોને શાળાએ પહોંચવામાં તથા પરત ઘરે જવામાં મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા નવી સૂચના જાહેર કરવામાં આવી છે. સૂચના મુજબ સવાર પાળી માં જે શિક્ષકો શાળામાં હાજર થઈ ગયા છે તેઓ પોતાની અનુકૂળતા મુજબ ઘરે જઈ શકે છે. જ્યારે બપોર પાળીના શિક્ષકોને શાળામાં હાજર રહેવાની જરૂર નહીં હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.