Surat

સુરતમાં પૂર-વાવાઝોડા બાદ પશુઓ પર જોખમ: રોગચાળો અટકાવવા ટીમો તૈનાત, રસીકરણ અને કૃમિનાશક દવાનું વિતરણ શરૂ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત જિલ્લામાં ભારે વાવાઝોડા અને અતિવૃષ્ટિ બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ઓલપાડ, માંડવી, અરેઠ અને માંગરોળ તાલુકામાં 12 ટીમો દ્વારા ગામડે-ગામડે પશુઓની તપાસ-સારવાર, ગળસુંઢા રસીકરણ અને કૃમિનાશક દવાઓ અપાઈ રહી છે. મૃત પશુઓના નિકાલ અને સરકારી સહાય માટે સર્વે પણ કરાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં પૂર-વાવાઝોડા બાદ પશુઓ પર જોખમ:  રોગચાળો અટકાવવા ટીમો તૈનાત, રસીકરણ અને કૃમિનાશક દવાનું વિતરણ શરૂ

Surat News: તાજેતરમાં સુરત જિલ્લામાં આવેલા ભારે વાવાઝોડા અને અતિવૃષ્ટિ બાદ પશુઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યા બાદ પશુઓમાં ગંભીર બીમારીઓ ફેલાવવાનું જોખમ રહેતું હોવાથી પશુપાલકો પોતાના પશુધનની સુરક્ષા કરી શકે તે માટે જિલ્લા પંચાયત દ્વારા ખાસ રાહત અને સારવાર કામગીરી હાથ ધરવામાં આવી છે.

અસરગ્રસ્ત વિસ્તારો પર વિશેષ ધ્યાન

આ કામગીરી મુખ્યત્વે ઓલપાડ, માંડવી, અરેઠ અને માંગરોળ તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત પશુપાલન ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 12 જેટલી ખાસ તબીબી ટીમો (મેડિકલ ટીમો) મોકલવામાં આવી છે, જે ગામડે-ગામડે જઈને પશુઓની તપાસ અને સારવાર કરી રહી છે.

પશુપાલકો માટે મહત્વની સુવિધાઓ અને સૂચનાઓ

  • ગળસુંઢા (H.S.) રોગ સામે રસીકરણ: ચોમાસા અને પૂર બાદ પશુઓમાં ગળસુંઢા (Hemorrhagic Septicemia) જેવા જાનલેવા રોગનું પ્રમાણ વધે છે. આ રોગથી પશુઓને બચાવવા માટે તબીબી ટીમો દ્વારા મફત રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
  • કૃમિનાશક (Deworming) દવાઓનું વિતરણ: પશુઓની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા અને ન્યુટ્રિશનલ સપોર્ટ આપવા માટે પશુપાલકોને કૃમિનાશક દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
  • મૃત પશુઓના નિકાલ માટે મદદ: રોગચાળો અને સંક્રમણ માનવો કે અન્ય પ્રાણીઓમાં ન ફેલાય તે માટે મૃત્યુ પામેલા પશુઓના વૈજ્ઞાનિક અને સલામત નિકાલ માટે મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
  • સરકારી સહાય માટે સર્વે: પૂરના કારણે જે પશુપાલકોના પશુઓ મૃત્યુ પામ્યા હોય, તેમને સરકારી નિયમોનુસાર પુનઃવસન સહાય મળી રહે તે માટે ગ્રાઉન્ડ સર્વે કરીને આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

પશુપાલકોને અપીલ

જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે તમામ સ્થાનિક પશુપાલકોને વિનંતી કરી છે કે તમારા વિસ્તારમાં આવતી પશુ તબીબી ટીમોનો સંપર્ક કરી પશુઓને સમયસર ગળસુંઢાની રસી મુકાવવી અને કૃમિનાશક દવાઓ મેળવી લેવી, જેથી પશુધનને સંભવિત રોગચાળાથી બચાવી શકાય.