Surat

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર!, સુરતના ઓલપાડમાંથી 17 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતના ઓલપાડ તાલુકાના છીણી ગામમાં SMCએ દરોડો પાડી 17.80 લાખનો દારૂ ઝડપ્યો. અમિત પટેલના મકાન-દુકાન પરથી 1776 વિદેશી બોટલ, 175 લીટર દેશી દારૂ, વોશ અને 2 વાહનો જપ્ત થયા. પોલીસે અમિત પટેલ અને નટવર પટેલની ધરપકડ કરી. દમણના બુટલેગર વિશાલ સૈલર અને સાગર પાટીલ વોન્ટેડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર!, સુરતના ઓલપાડમાંથી 17 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો

Illegal liquor Surat: કહેવાતા 'ડ્રાય સ્ટેટ' ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ માત્ર એક મજાક બનીને રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહે છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ ઝડપે છે. 19 જુલાઈ 2026ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં SMCની ટીમે છીણી ગામમાં દરોડા પાડીને રાજ્ય સરકારની કહેવાતી કડક દારૂબંધીની પોલ છતી કરી દીધી છે. આ દરોડામાં 17.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બુટલેગરોને કાયદાનો કે સરકારનો કોઈ ડર જ રહ્યો નથી.

ધાનસેર ફળિયામાં મકાન અને દુકાન પર સપાટો બોલાવ્યો

સરકાર એક તરફ દારૂબંધીના મોટા-મોટા બણગાં ફૂંકે છે, તો બીજી તરફ બુટલેગરો ખુલ્લેઆમ લાખો રૂપિયાનો વિદેશી અને દેશી દારૂનો વેપલો ચલાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, SMCના પી.આઈ. અને તેમની ટીમે ઓલપાડના છીણી ગામના ધાનસેર ફળિયામાં અમિત પટેલના મકાન અને તેના રોડ સ્થિત દુકાન પર સપાટો બોલાવ્યો હતો.

દારૂની 1776 બોટલ, 175 લીટર દેશી દારૂ અને વાહનો જપ્ત

આ રેડ દરમિયાન પોલીસે આંકડાઓ જોઈને ચોંકી જવાય તેવો જથ્થો પકડી પાડ્યો છે. સ્થળ પરથી 1776 વિદેશી દારૂની બોટલો (કિંમત 7,29,940 રૂપિયા), 175 લીટર દેશી દારૂ (કિંમત 35,000 રૂપિયા) અને 1800 લીટર વોશ (કિંમત 45,000 રૂપિયા) મળી આવ્યો છે. આ ઉપરાંત 3 મોબાઈલ ફોન (કિંમત 70,000 રૂપિયા) અને 2 વાહનો (કિંમત 9,00,000 રૂપિયા) સહિત કુલ 17,80,040 રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે અમિત ચંદુભાઈ પટેલ (ઉ.વ. 34) અને નટવરભાઈ ઠાકોરભાઈ પટેલ (ઉ.વ. 45)ની ધરપકડ કરી તેઓને ઓલપાડ પોલીસ સ્ટેશનના હવાલે કર્યા છે.

દમણથી દારૂ સપ્લાય કરનાર બુટલેગરો વોન્ટેડ જાહેર

આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 65(F), 81, 83, 98(2) અને 116(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન દમણથી દારૂ સપ્લાય કરતા વોન્ટેડ આરોપીઓ વિશાલ સૈલર અને સાગર પાટીલ (તેમજ વિશાલના અન્ય અજાણ્યા સાગરીતો)નું નામ ખુલ્યું છે. આ બાબત સાબિત કરે છે કે પાડોશી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં બેરોકટોક દારૂ ઘુસાડવાનું નેટવર્ક કેટલું મજબૂત છે અને સરકારની સરહદી સુરક્ષા તદ્દન નિષ્ફળ નીવડી છે.

જો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આટલો મોટો જથ્થો પકડ્યો હોય, તો સવાલ એ થાય છે કે શું સરકારની અને સ્થાનિક તંત્રની રહેમનજર વિના આટલા મોટા પાયે દારૂનું વેચાણ શક્ય છે? રાજ્યના યુવાનોને બરબાદ કરતા આ દારૂના દૂષણને રોકવામાં સરકાર કેમ ઉદાસીન છે? જનતા હવે સ્પષ્ટ જોઈ શકે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર ગરીબોને હેરાન કરવા પૂરતી સીમિત રહી ગઈ છે, જ્યારે માથાભારે બુટલેગરોને સિસ્ટમનું છૂપું સમર્થન પ્રાપ્ત છે.