Surat

સુરતમાં ખાડી પૂરનો કાયમી ઉકેલ શોધવા ડ્રોન સર્વે શરૂ, થ્રી-ડી મેપિંગ અને વૈજ્ઞાનિક ડેટાથી કરાશે ખાડીનો અભ્યાસ

By GS Team
29 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ખાડીના પાણીથી થતી જળબંબાકારની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર સક્રિય થયું છે. ખાડી પૂર નિવારણ સમિતિ દ્વારા આજે (29 જુલાઈ) થી શહેરી વિસ્તારમાંથી પસાર થતી ખાડીનો હાઈટેક ડ્રોન સર્વે શરૂ કરાયો છે. LiDAR ટેકનોલોજીથી ખાડીની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ સહિતનો ડેટા એકત્ર કરાશે. આ ડેટાના આધારે 3D મોડેલ બનાવી પાણીના પ્રવાહનો અભ્યાસ કરાશે. સારોલી ગામથી સર્વેની શરૂઆત થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ખાડી પૂરનો કાયમી ઉકેલ શોધવા ડ્રોન સર્વે શરૂ, થ્રી-ડી મેપિંગ અને વૈજ્ઞાનિક ડેટાથી કરાશે ખાડીનો અભ્યાસ

Surat Khadi Flood Area Drone Survey: સુરતમાં ખાડીનું પાણી દર ચોમાસે નાગરિકોના ઘરમાં ઘૂસે, રસ્તાઓ જળબંબાકાર બને અને લોકોની ઘરવખરીથી લઈને વાહનો સુધીને નુકસાન થાય તે હવે નવી વાત રહી નથી. છેલ્લા 15 દિવસમાં જ બે વખત ખાડીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળતાં હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે હવે તંત્રએ ખાડીની વાસ્તવિક સ્થિતિને ટેકનોલોજીની નજરે તપાસવાનું શરૂ કર્યું છે. ખાડી પૂર નિવારણ સમિતિની રચના બાદ આજે(29 જુલાઈ) પ્રથમ તબક્કે શહેરી વિસ્તારમાંથી પસાર થતી ખાડીનો હાઈટેક ડ્રોન સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં ખાડી પૂરનો કાયમી ઉકેલ શોધવા ડ્રોન સર્વે શરૂ

ખાડીના માત્ર ફોટો કે વીડિયો નહીં પરંતુ તેની સંપૂર્ણ ભૌગોલિક અને હાઇડ્રોલોજિકલ સ્થિતિનો ડેટા એકત્ર કરવા માટે ડ્રોન મારફતે LiDAR સર્વે કરવામાં આવી રહ્યો છે. ખાડીની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, પટની સ્થિતિ સહિતની વિગતો મેળવ્યા બાદ આ ડેટાને સોફ્ટવેરમાં પ્રોસેસ કરવામાં આવશે. ત્યારબાદ ખાડીમાં વરસાદી પાણીના પ્રવાહ, પાણીની વહન ક્ષમતા અને વિવિધ સ્થળે સર્જાતા અવરોધોનો અભ્યાસ કરવા માટે થ્રી-ડી હાઇડ્રોલોજી મેથેમેટિકલ મોડેલ તૈયાર કરાશે.

પ્રથમ તબક્કામાં ખાડી પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી છે અને સારોલી ગામથી સર્વેની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરના ભારે વરસાદ દરમિયાન સારોલી વિસ્તારમાં 10થી 15 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સ્થિતિ ગંભીર બની હતી. આથી ડ્રેનેજ વિભાગના અધિકારીઓ તેમજ કન્સલ્ટિંગ એજન્સીના ટેકનિકલ નિષ્ણાતોની હાજરીમાં અત્યાધુનિક ડ્રોનથી સમગ્ર વિસ્તારનું સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ડ્રોનથી થ્રી-ડી ડેટા મેળવવાશે

આ સર્વે દરમિયાન ખાડીનો હાલનો વાસ્તવિક પટ કેટલો છે અને તેની કુદરતી પહોળાઈ કેટલી હોવી જોઈએ તેની પણ તપાસ કરવામાં આવશે. ખાડી કાંઠે થયેલા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ ઉપરાંત સંભવિત દબાણોનું પણ ટેકનિકલ મેપિંગ કરવામાં આવશે. વર્ષોથી ખાડીના પટ અને કાંઠા પર થયેલા દબાણના કારણે ખાડી કેટલી સાંકડી બની છે અને તેના કારણે પાણીના પ્રવાહને કેટલી અસર થાય છે તે પણ થ્રી-ડી ડેટાના આધારે જાણી શકાશે.

ડિજિટલ અને વૈજ્ઞાનિક ડેટાના આધારે ખાડીનો અભ્યાસ

ખાડી પૂરનું પાણી કયા સ્થળે અટકે છે, ક્યાં પાણીના પ્રવાહમાં અવરોધ છે, કયા સ્થળે ખાડીની પહોળાઈ ઓછી છે અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કયા સ્થળે કેટલી પહોળાઈ જરૂરી છે તેની પણ તપાસ કરવામાં આવશે. એટલે કે, અત્યાર સુધી સ્થળ પરિસ્થિતિના આધારે થતો ખાડીનો અભ્યાસ હવે ડિજિટલ અને વૈજ્ઞાનિક ડેટાના આધારે કરવામાં આવશે.

સર્વેમાંથી મળનારા ડેટાના આધારે ખાડી પૂર નિવારણ માટે કયા સ્થળે કઈ કામગીરી કરવી તે નક્કી થશે. ક્યાં ખાડી પહોળી કરવી, ક્યાં ડી-સિલ્ટિંગ કરવું, ક્યાં પ્રોટેક્શન વોલ બનાવવી અને ક્યાં અન્ય માળખાકીય સુધારા કરવાની જરૂર છે તેની ભલામણ કરવામાં આવશે. આ ઉપરાંત, ખાડીના પાણીના પ્રવાહમાં દબાણો અને અન્ય અવરોધોની અસર કેટલી છે તેનું પણ ચોક્કસ આકલન કરવામાં આવશે.

આ પણ વાંચો: 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, સ્થાનિક તંત્રને સાવચેત રહેવા કડક સૂચના

10 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાની તૈયારી

સર્વે બાદ મળેલા ડેટાનું પ્રોસેસિંગ કરી કન્સલ્ટિંગ એજન્સી દ્વારા આગામી 60 દિવસમાં વિગતવાર DPR તૈયાર કરવામાં આવશે. જો કે, તાત્કાલિક કામગીરી શરૂ કરી શકાય તે માટે આગામી 10 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાની તૈયારી છે. આ રિપોર્ટમાં ખાડી પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક કયા સુધારા જરૂરી છે તેની દિશા પણ સ્પષ્ટ થઈ શકે છે.

35 મિનિટમાં 3થી 4 કિ.મી. ખાડીનું સ્કેનિંગ

ખાડીના હાઈટેક સર્વે માટે DJI Matrice 300/400 શ્રેણીના હાઈ-એન્ડ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આશરે 8 કિ.મી.ની ઓપરેશનલ રેન્જ ધરાવતું ડ્રોન માત્ર 35 મિનિટમાં 3થી 4 કિ.મી. વિસ્તારમાં સચોટ સ્કેનિંગ કરી શકે છે. તબક્કાવાર સમગ્ર ખાડી પટનો ડેટા એકત્ર કરી થ્રી-ડી મોડેલ તૈયાર કરવામાં આવશે.