VIDEO | દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ: સુરતના અંબિકામાં 20, તાપીના ડોલવણમાં 15.75, નવસારીના વાંસદામાં 14 ઇંચ વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ambika Heavy Rain: ચોમાસાની આ ઋતુમાં દક્ષિણ ગુજરાત પર મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ વરસાદી આંકડા અનુસાર, 31 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેમજ તાપીના ડોલવણમાં 15 ઇંચ, નવસારીના વાંસદામાં 14 ઇંચ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે.
રાજ્યના 220 તાલુકામાં વરસાદ
રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે 31 જુલાઈએ સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરાજાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે. તાપીના ડોલવણ અને નવસારીના વાંસદામાં 14-14 ઇંચથી વધુ અને ભરૂચના નેત્રંગમાં 12.52 ઇંચ, વલસાડના ધરમપુરમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
મધ્ય ગુજરાતમાં પણ જોરદાર વરસાદ
દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ સવારના સમયે આફતનો વરસાદ વરસ્યો હતો. ખેડાના વાસો તાલુકામાં 12.52 ઇંચ, નડિયાદ તાલુકામાં 10.94 ઇંચ, ડાંગના સુબીરમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
મૂશળધાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની સ્થાનિક નદીઓ તથા નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRF અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમોને સજ્જ રાખવામાં આવી છે અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જુઓ ક્યાં-કેટલો વરસાદ




















