Surat

સુરતના ઓલપાડના બોલાવ ગામે પૂરના પાણી ઘૂસ્યા, તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના ઓલપાડ તાલુકાના બોલાવ ગામે કીમ નદીના પૂરે હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે 1 ઓગસ્ટે 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. નવા હળપતિ વાસમાં 30થી વધુ ઘરોમાં હજુ પણ 4થી 5 ફૂટ પાણી ભરાયેલા છે. ઘરવખરી અને અનાજ પલળી જતાં લોકોને મોટું આર્થિક નુકસાન થયું છે. તંત્રની મદદ ન મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના ઓલપાડના બોલાવ ગામે પૂરના પાણી ઘૂસ્યા, તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ

Surat News: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા બોલાવ ગામે કીમ નદીના પૂરના પાણી ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગઈકાલે (પહેલી ઓગસ્ટ) કીમ નદીના રૌદ્ર સ્વરૂપને કારણે ગામના 100થી વધુ ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. જોકે, હવે મોટા ભાગના વિસ્તારોમાંથી ધીમે-ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે, પરંતુ સ્થિતિ હજુ સંપૂર્ણપણે થાળે પડી નથી.

નવા હળપતિ વાસમાં 4થી 5 ફૂટ સુધીના પાણી

મળતી માહિતી અનુસાર, બોલાવ ગામના નવા હળપતિ વાસ વિસ્તારમાં સ્થિતિ હજુ પણ વિકટ છે. આ વિસ્તારના 30થી વધુ ઘરોમાં હજુ પણ 4થી 5 ફૂટ જેટલા પૂરના પાણી ભરાયેલા છે. નોંધનીય છે કે, ગઈકાલે કીમ નદીના પાણી બેકાબૂ બનતાં નવા હળપતિ વાસ, જૂના હળપતિ વાસ તથા આહીર ફળિયા સહિતના વિસ્તારોના ઘરોમાં રાતોરાત પાણી ઘૂસી ગયા હતા.

ઘરવખરી અને અનાજ પલળી જતાં ભારે નુકસાન

ઘરોમાં અચાનક પૂરના પાણી ઘૂસી જવાથી સ્થાનિક રહીશોની આખી ઘરવખરી, કપડાં અને અનાજનો જથ્થો પલળીને વેડફાઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

મદદ વિના લોકો સ્વખર્ચે સલામત સ્થળે ખસ્યા

દુર્ઘટનાના આટલા કલાકો વીતી ગયા હોવા છતાં સ્થાનિક તંત્ર કે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય રાહત કામગીરી ન કરવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રશાસન દ્વારા જમવાની કે પીવાના ચોખ્ખા પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. મુશ્કેલીના આ સમયમાં તમામ લોકો પોતાની રીતે જ સલામત સ્થળે ખસી જવા મજબૂર બન્યા હતા.