સુરતમાં વેપારીઓને બેવડો માર: પૂરના કારણે ₹1000ની સાડી ₹50માં વેચવા મજબૂર, મદદને બદલે SMCએ સામાન જપ્ત કર્યો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Floods News: હાલમાં જ સુરત શહેરમાં પડેલા ભારે વરસાદે સમગ્ર પંથકને ઘમરોળ્યું છે, જેના કારણે ટેક્સટાઇલ સિટીના હજારો વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મણ નગરમાં સાડી અને ડ્રેસ મટીરીયલની 3000 થી વધુ દુકાનો આવેલી છે. વરસાદી પૂરના કારણે મોટાભાગની દુકાનોમાં 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. તહેવારોની સીઝન હોવાથી ભરેલો લાખો રૂપિયાનો નવો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુશ્કેલીના આ સમયમાં વેપારીઓને સહાય કે સાફ-સફાઈની જરૂર હતી, તેના બદલે સુરત મહાનગરપાલિકા (SMC)ની વરાછા ઝોનની ટીમ અચાનક દબાણ હટાવવાની કામગીરી કરવા પહોંચી જતાં વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

- રોજીરોટી છીનવાઈ: ₹1000 નો માલ ₹50 અને ₹100 માં વેચવા વેપારીઓ મજબૂરવરસાદે સર્જેલી તારાજીથી લોકોની જિંદગીભરની કમાણી પાણીમાં વહી ગઈ છે. દુકાનોમાં કાદવ-કીચડ જમા છે ત્યારે વેપારીઓ પોતાના ભીના માલને બચાવવા માટે રોડ પર પાણીના ભાવે વેચવા કાઢી રહ્યા છે.
લક્ષ્મણ નગરમાં હેન્ડલૂમ અને ડ્રેસ મટીરીયલની 2 દુકાનો ધરાવતા વિલાસબેન જાનીએ રડતી આંખે જણાવ્યું કે, "આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મેં વ્યાજે કે ગમે તેમ કરીને ₹30 લાખનો માલ દુકાનમાં ભરાવ્યો હતો. પરંતુ મારી જિંદગીની આખી કમાણી વરસાદના પાણીમાં ધોવાઈ ગઈ છે. હવે આ ભીનો માલ અમે ₹10, 20 અને ₹50 માં વેચી રહ્યા છીએ. ₹1000 ની વસ્તુ અમારે ભારે ખોટ ખાઈને ₹50 કે ₹100 માં વેચવી પડે છે. હજી તો અમારી દુકાનો સુકાઈ પણ નથી."

'કોઈ કોર્પોરેટર ડોકાયા નથી, 3 દિવસથી ફોન કરીએ છતાં SMC કચરો ઉપાડવા પણ ન આવી' ચાર-ચાર દુકાનો ધરાવતા અને રોડ પર ભીના કપડાં વેચી રહેલા અન્ય એક વેપારી સંજયભાઈ જીયાણીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું-
મારી 4 દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ₹20 લાખનો માલ ભીનો થઈ ગયો છે. છેલ્લા 3 દિવસથી અમે SMC ને સતત કોલ કરી રહ્યા છીએ, પણ કચરો કે ગંદકી ઉપાડવા કોઈ ફરક્યું નથી. હજી સુધી અમારી મુલાકાતે કોઈ સ્થાનિક કોર્પોરેટર પણ નથી આવ્યા. અમારો સામાન અમારે રોડ પર કવડીના ભાવે વેચવો પડે છે.
માનવતા ભૂલી પાલિકા: વેપારીઓ કરગરતા રહ્યા પણ પાલિકાના કર્મચારીઓએ દયા ન દાખવી
વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે હજુ તેઓ પૂરના ફટકામાંથી બહાર પણ નથી આવ્યા ત્યાં પાલિકાના કર્મચારીઓ મદદ કરવાના બદલે રોડ પર સુકવવા મૂકેલો માલ, દુકાનોના બોર્ડ અને બેનરો જપ્ત કરવા લાગ્યા હતા. એક વેપારીએ ગુસ્સા સાથે કહ્યું, "મારી દુકાનમાં કમર સુધી પાણી હતા. હું હજી અંદર સાફ-સફાઈ કરું છું અને મેં મારું બોર્ડ બહાર થાંભલા પર લગાવ્યું હતું તે પણ SMC વાળા ઉઠાવી ગયા! લોકો કરગરતા રહ્યા પણ તંત્રએ કોઈ દયા ન રાખી."
કુદરતી આપત્તિના સમયે સુરત મહાનગરપાલિકાનું આવું અમાનવીય વલણ જોઈને સ્થાનિકો અને વેપારી આલમમાં પાલિકા વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.









