Surat

મોડે મોડે થયું બ્રહ્મજ્ઞાન! દર વર્ષે સર્જાતા ખાડી પૂરને રોકવા દોડધામ, સુરતમાં પ્રથમ વખત LiDARથી થશે વૈજ્ઞાનિક મેપિંગ

By GS Team
20 Jul 20265 mins read
TukuTouch Logo
સુરતમાં ખાડી પૂરનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકાર અને પાલિકા તંત્ર સક્રિય થયું છે. પ્રથમવાર LiDAR અને ડ્રોન ટેક્નોલોજીથી ખાડીઓના મૂળ વહેણ, ઊંડાણ અને અવરોધોનું વૈજ્ઞાનિક મેપિંગ કરાશે. તેના આધારે માસ્ટર પ્લાન અને DPR તૈયાર થશે. તાપી ભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિવિધ વિભાગોને કામગીરી સોંપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોડે મોડે થયું બ્રહ્મજ્ઞાન! દર વર્ષે સર્જાતા ખાડી પૂરને રોકવા દોડધામ, સુરતમાં પ્રથમ વખત LiDARથી થશે વૈજ્ઞાનિક મેપિંગ

Surat News: સુરતમાં ખાડી પૂર આવે ત્યારે જ ખાડીઓ યાદ આવતી હોવાના આક્ષેપો વચ્ચે હવે સુરતમાં પૂર નિયંત્રણ માટે પ્રથમ વખત વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. LiDAR અને ડ્રોન ટેક્નોલોજીની મદદથી ખાડીના મૂળ વહેણ, ઊંડાણ અને અવરોધોનું ચોક્કસ ડિજિટલ મેપિંગ કરી તેના આધારે માસ્ટર પ્લાન અને ડીપીઆર તૈયાર કરવામાં આવશે. આ માટે તાપી ભવન ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિવિધ વિભાગોને નિશ્ચિત સમય મર્યાદા સાથે કામગીરી સોંપવામાં આવી છે.

મોડે મોડે થયું બ્રહ્મજ્ઞાન! દર વર્ષે સર્જાતા ખાડી પૂરને રોકવા દોડધામ

સુરતમાં દર વર્ષે ખાડી પૂરના કારણે સુરતને કરોડો રૂપિયાનું નુકસાન, હજારો લોકોની હાલાકી અને વહીવટી તંત્રની દોડધામ બાદ હવે આખરે રાજ્ય સરકાર અને પાલિકા તંત્ર વૈજ્ઞાનિક અભિગમ તરફ વળ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ખાડી પૂર નિવારણ સમિતિની બેઠકમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, જિલ્લા કલેક્ટર તેજશ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીણા, સિંચાઈ વિભાગ, સુડા, જીપીસીબી, ડીઆઈએલઆર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં તાજેતરમાં જાહેર કરાયેલા ખાડી પૂર નિવારણના માસ્ટર પ્લાન અને તેની ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)ને ઝડપી ગતિએ તૈયાર કરવા માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

image.png

સુરતમાં પ્રથમ વખત LiDARથી થશે વૈજ્ઞાનિક મેપિંગ

આજે(20 જુલાઈ) થયેલી બેઠકમાં ખાડી પૂરનો કાયમી ઉકેલ માટે વિવિધ પાસાઓની ચકાસણી કરવા ટેક્નિકલ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ ખાડીઓના સર્વે, ડેટા એકત્રિત કરવા અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે કન્સલ્ટન્સીની નિમણૂક કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર પ્રોજેક્ટમાં સિંચાઈ વિભાગને નોડલ અને સંકલનકારી એજન્સી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી હેઠળના ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ (ડીઆઈએલઆર) વિભાગને ખાડીની સીમા નક્કી કરવા માટે ડિમાર્કેશન અને માપણીની કામગીરી તાત્કાલિક શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર આયોજન અમલ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

આ બેઠક બાદ પાલિકા કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, અત્યાર સુધી સામાન્ય ડ્રોન સર્વે કરવામાં આવતો હતો પરંતુ હવે પ્રથમ વખત LiDAR (લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજી દ્વારા માત્ર જમીનની ઊંચાઈ-નીચાઈ જ નહીં, પરંતુ ખાડી કિનારે આવેલા ગીચ વૃક્ષોની નીચેની જમીનની વાસ્તવિક સ્થિતિ પણ જાણી શકાશે. પરિણામે ખાડીના મૂળ વહેણ, કુદરતી ઢોળાવ, ઊંડાણ, સંકોચાયેલા વિસ્તારો અને પાણીના પ્રવાહમાં સર્જાતા અવરોધો અંગે અત્યંત સચોટ માહિતી ઉપલબ્ધ બનશે. આ વૈજ્ઞાનિક માહિતીના આધારે તૈયાર થનારો માસ્ટર પ્લાન ભવિષ્યમાં ખાડીના વિસ્તરણ, ડીપનિંગ, ડિસીલ્ટીંગ, અવરોધો દૂર કરવા અને પૂર નિયંત્રણ માટેના લાંબા ગાળાના આયોજનમાં મહત્ત્વપૂર્ણ આધાર બનશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી કરતાં LiDAR સર્વે અનેકગણી વધુ ચોકસાઈ ધરાવતો હોવાથી આયોજનમાં ભૂલની શક્યતા પણ ઘટશે.

બેઠકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને ખાડીઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીની વિગતો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ સિંચાઈ વિભાગને અલથાણ બ્રિજથી આગળ ખાડીને પહોળી કરવાની કામગીરી વધુ ઝડપી બનાવવા તેમજ પાલિકાના ડ્રેનેજ વિભાગને ફ્લોટિંગ મશીન દ્વારા ખાડીની સફાઈ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

હવે દર સોમવારે થશે ખાડી પૂર નિવારણ કામગીરીની સમીક્ષા

ખાડી પૂર નિવારણ માટે શરૂ કરાયેલી કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે મોનિટરિંગની કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સમિતિની બેઠકમાં નક્કી કરાયા મુજબ તમામ વિભાગોની કામગીરી નોડલ ઓફિસર મારફતે સુરત મહાનગરપાલિકાના કમિશનરના સીધા નિયંત્રણ હેઠળ રહેશે.

આ ઉપરાંત દર સોમવારે(20 જુલાઈ) યોજાનારી ખાડી પૂર નિવારણ સમિતિની બેઠકમાં અઠવાડિયા દરમિયાન થયેલી કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ડિમાર્કેશન, સર્વે, ખાડીઓની સફાઈ, પહોળી કરવાની કામગીરી, ગંદા પાણીના નિકાલ અને માસ્ટર પ્લાનની તૈયારી સહિતના તમામ મુદ્દાઓની નિયમિત સમીક્ષા કરવામાં આવશે.

વર્ષોથી અવગણાયેલી ખાડીઓ માટે હવે કાયમી ઉકેલની કસોટી

જુલાઈમાં પડેલા ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, જનજીવન ખોરવાવા અને કરોડો રૂપિયાનું નુકસાન થયા બાદ રાજ્ય સરકારે ખાડી પૂર નિવારણ માટે માસ્ટર પ્લાનની દિશામાં કામગીરી શરૂ કરી છે. જો કે, શહેરમાં ખાડીઓ પર થયેલા દબાણ, ગેરકાયદે ભરાણ, વર્ષોથી સમયસર ડી-સિલ્ટિંગ અને સફાઈ નો અભાવ તેમજ અનિયોજિત વિકાસને કારણે સમસ્યા વધુ ગંભીર બની હોવાનું નિષ્ણાતો માને છે.

દર ચોમાસે ખાડી પૂર બાદ તાત્કાલિક સફાઈ અને રાહત કામગીરી હાથ ધરાતી રહી છે, પરંતુ લાંબા ગાળાનું વૈજ્ઞાનિક આયોજન અત્યાર સુધી થયું નહોતું. હવે પ્રથમ વખત LiDAR સર્વેના આધારે માસ્ટર પ્લાન અને ડીપીઆર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેથી આ આયોજન માત્ર કાગળ પૂરતું ન રહે અને સમયમર્યાદામાં અમલમાં આવી ખાડી પૂરની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે નહીં, તેના પર સુરતીઓની નજર મંડાઈ છે.

લેસર આધારિત સર્વેથી તૈયાર થશે ખાડીનો 3D ડિજિટલ નકશો

LiDAR (Light Detection and Ranging) એ લેસર આધારિત અત્યાધુનિક સર્વે ટેકનોલોજી છે, જે જમીન ની વાસ્તવિક સ્થિતિ અત્યંત ચોકસાઈથી માપવામાં સક્ષમ છે. આ પદ્ધતિમાં ડ્રોન અથવા વિમાનમાંથી લાખો લેસર કિરણો જમીન તરફ છોડવામાં આવે છે. જમીન, ઇમારતો, વૃક્ષો અને અન્ય અવરોધો પરથી પરાવર્તીત થતા કિરણો ના આધારે કમ્પ્યુટર ખાડીઓ અને આસપાસના વિસ્તાર 3D ડિજિટલ નકશો તૈયાર કરે છે.સામાન્ય ડ્રોન ફોટોગ્રાફી માત્ર ઉપરનો દેખાવ દર્શાવે છે, જ્યારે LiDAR ટેકનોલોજી ગીચ વૃક્ષોની હરિયાળી નીચેની જમીન, કુદરતી ઢોળાવ, પાણીના મૂળ વહેણ, ખાડી ની ઊંડાઈ અને અવરોધોની પણ સચોટ માહિતી આપે છે. આ કારણે પૂર નિયંત્રણ, નદી-ખાડી વિકાસ, માર્ગ અને અન્ય મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે LiDAR સૌથી વિશ્વસનીય સર્વે પદ્ધતિ માનવામાં આવે છે.

LiDAR સર્વેના 5 મોટા ફાયદા

ખાડી પૂર નિવારણ માટે વૈજ્ઞાનિક આયોજનને મજબૂત આધાર મળશે. ખાડી પૂર નિવારણ માટે હાથ ધરાનારો LiDAR સર્વે માત્ર ડિજિટલ નકશો તૈયાર કરવા પૂરતો સિમિત નથી. આ ટેક્નોલોજીથી મળતી માહિતીના આધારે લાંબા ગાળાના આયોજનને વધુ વૈજ્ઞાનિક અને અસરકારક બનાવી શકાય છે.

  • ખાડીની વાસ્તવિક સ્થિતિનો મળશે ચિતાર: જમીનની ઊંચાઈ-નીચાઈ, ખાડીની પહોળાઈ, ઊંડાઈ અને ઢોળાવની અત્યંત ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે.
  • વૃક્ષોની નીચેનો ભૂભાગ પણ આવશે સામે: ગીચ હરિયાળી હોવા છતાં લેસર કિરણો દ્વારા વૃક્ષોની નીચેની જમીનની વાસ્તવિક સ્થિતિ જાણી શકાશે.
  • પાણીના કુદરતી વહેણનું થશે વૈજ્ઞાનિક વિશ્લેષણ: પાણી કઈ દિશામાં વહે છે, ક્યાં અવરોધો છે અને ક્યાં પાણી અટવાઈ શકે છે તેની સચોટ માહિતી મળશે.
  • પૂર નિયંત્રણ માટે મળશે વિશ્વસનીય ડેટા: ખાડી વિકાસ, નદી સંરક્ષણ, ડ્રેનેજ સુધારણા અને પૂર નિવારણના પ્રોજેક્ટ માટે વધુ ચોક્કસ અને વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ બનશે.
  • લાંબા ગાળાના માસ્ટર પ્લાનને મળશે મજબૂત આધાર: LiDAR સર્વેના આધારે તૈયાર થનારો માસ્ટર પ્લાન ભવિષ્યમાં ખાડી ના વિકાસ, ડી-સિલ્ટિંગ, પહોળી કરવાની કામગીરી અને પૂર નિયંત્રણ માટે વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

માપણી બાદ ખાડી પરના દબાણ અને ગેરકાયદે ભરાણની પણ ખુલશે હકીકત

ખાડી પૂર નિવારણ માટેના માસ્ટર પ્લાનની સૌથી મહત્વની કડી તરીકે ખાડીઓનું ડિમાર્કેશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિમાર્કેશન બાદ ખાડીઓની મૂળ પહોળાઈ, સીમા અને સરકારી જમીનની ચોક્કસ સ્થિતિ સ્પષ્ટ થશે. સાથે જ ક્યાં ખાડીઓ પર દબાણ થયું છે અથવા ગેરકાયદે ભરાણ કરાયું છે તેની પણ ચોક્કસ માહિતી મળશે. આ માહિતીના આધારે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં તેમજ ભવિષ્યમાં ખાડીઓનું સંરક્ષણ અને જરૂરી કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.