સુરત પાલિકામાં અધિકારીઓની અછત વચ્ચે આખરે નવા ડેપ્યુટી કમિશનરની નિમણૂક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક મહિનાથી ઉચ્ચ અધિકારીઓની અછતને કારણે ઉભી થયેલી વહીવટી મુશ્કેલીઓ વચ્ચે આખરે રાજ્ય સરકારે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા IAS અધિકારીઓના બદલીના આદેશમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સ્મિત સંતોષ લોઢા ની સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. આ નિમણૂકથી છેલ્લા કેટલાક સમયથી ડેપ્યુટી કમિશનર સ્તરે સર્જાયેલી ખાલી જગ્યા આંશિક રીતે ભરાશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
11 હજાર કરોડથી વધુના બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીઓની અછત લાંબા સમયથી વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય રહી છે. મંજૂર મહેકમ મુજબ ડેપ્યુટી કમિશનર તેમજ એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ) સહિતની અનેક મહત્વની જગ્યાઓ હજુ પણ ખાલી હોવાથી હાલના અધિકારીઓને વધારાની જવાબદારીઓ સાથે કામ કરવું પડી રહ્યું છે.
આ સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની હતી જ્યારે રાજ્ય સરકારે ડેપ્યુટેશન પર આવેલા બે ડેપ્યુટી કમિશનરોની ટૂંકા ગાળામાં બદલી કરી હતી. સૌપ્રથમ 13 મેના રોજ ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવની અમદાવાદ મહાનગરપાલિકામાં બદલી કરવામાં આવી હતી. તેમની પાસે એક ઝોન ઉપરાંત અનેક મહત્વના વિભાગોની જવાબદારી હતી. ત્યારબાદ 2 જૂનના રોજ વરાછા-એ ઝોનના ઝોનલ ચીફ તેમજ વિજિલન્સ, ઇન્ક્વાયરી અને લીગલ વિભાગનો કાર્યભાર સંભાળતા રાજેશ ભોગાયતાની પણ બદલી થતાં પાલિકાના વહીવટી તંત્ર પર વધારાનો ભાર આવ્યો હતો.
બંને અધિકારીઓની બદલી બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કોઈ નવી નિમણૂક કરવામાં આવી ન હોવાથી વિવિધ વિભાગો અને ઝોનનો કાર્યભાર અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચવામાં આવ્યો હતો. કેટલાક અધિકારીઓ પાસે એક સાથે અનેક વિભાગો ની જવાબદારી હોવાથી ફાઇલોના નિકાલ, વિકાસકાર્યોની મંજૂરી અને દૈનિક વહીવટી કામગીરી પર અસર થવાની ચર્ચા પણ ચાલી રહી હતી.
હવે IAS અધિકારી સ્મિત સંતોષ લોઢાની નિમણૂક થતા ડેપ્યુટી કમિશનર સ્તરે સર્જાયેલો ખાલીપો કેટલાક અંશે દૂર થશે. જોકે પાલિકાના મંજૂર મહેકમ માં હજુ પણ અનેક ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓ ખાલી હોવાથી માત્ર એક નિમણૂકથી સમગ્ર સમસ્યાનો ઉકેલ આવશે નહીં. ખાસ કરીને એડિશનલ સિટી એન્જિનિયર અને અન્ય અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરાય તે જરૂરી હોવાનું વહીવટી વર્તુળો માની રહ્યા છે.
નવા અધિકારીની નિમણૂક થી વહીવટી તંત્રને રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે, પરંતુ શહેરના ઝડપી વિકાસ અને વધતા વહીવટી કામકાજ ને ધ્યાનમાં લેતાં ખાલી પડેલી અન્ય ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓ પણ વહેલી તકે ભરાય તે જરૂરી બન્યું છે.









