Surat

સુરતમાં તંત્રની બેદરકારી, પાંડેસરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભાઓને એક્સપાયર્ડ કઠોળનું વિતરણ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના પાંડેસરામાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ થનાર કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટવાળો નીકળ્યો છે. 25થી વધુ આંગણવાડીઓમાં ‘ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટ’ દ્વારા અપાયેલો તુવેર દાળ-ચણાનો જથ્થો એક્સપાયર્ડ જણાતા આંગણવાડી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ માલ આવતો હોવાનો વેપારીનો દાવો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં તંત્રની બેદરકારી, પાંડેસરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભાઓને એક્સપાયર્ડ કઠોળનું વિતરણ

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો હોવાનું સામે આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી બહાર આવતાં વહીવટી વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના આરોગ્ય સાથે સરકારી તંત્ર ખીલવાડ કરી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

25થી વધુ આંગણવાડીઓમાં એક્સપાયર્ડ જથ્થો પહોંચાડાયો

પાંડેસરા વિસ્તારની 25થી વધુ આંગણવાડીઓમાં ‘ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટ’માંથી સગર્ભા અને ધાત્રી માતાઓ માટે તુવેર દાળ અને ચણા સહિતનો રાશનનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. આંગણવાડીની કાર્યકર બહેનોએ માલની ચકાસણી કરતાં પેકેટો પર છપાયેલી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાનું માલૂમ પડ્યું હતું. માતા અને બાળકના પોષણ માટે મોકલાયેલો આહાર જ તંત્રની ઘોર લાપરવાહીને કારણે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યો છે.

સરકારી ગોડાઉનમાંથી જ ખરાબ માલ મોકલાયાનો વેપારીનો દાવો

આ મામલે દુકાન નંબર U-48ના માલિક સંજયકુમાર શાહે દાવો કર્યો છે કે, સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયરી ડેટવાળો માલ મોકલવામાં આવે છે. સુરત સરકારી ગોડાઉનમાંથી આવતો આ રાશનનો જથ્થો વેપારીઓએ ફરજિયાત સ્વીકારવો પડે છે. જો વેપારીઓ એક્સપાયર્ડ માલ પરત કરવાનો પ્રયાસ કરે તો ગોડાઉન અને સંબંધિત અધિકારીઓ માલ રિટર્ન લેવાની મનાઈ કરી દે છે.

એક્સપાયર્ડ માલ આવ્યા બાદ ગોડાઉન મેનેજર અને ઝોનલ ઑફિસર કેતુ કાવડને રૂબરૂ તથા ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓએ આંગણવાડી કાર્યકરો પાસે લેખિતમાં લેવડાવીને માલ પરત લેવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. બીજી તરફ, આંગણવાડી કાર્યકરો પણ હવે આ જથ્થો સ્વીકારવાની મનાઈ કરી રહ્યા છે.

સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે તુરંત કડક તપાસ કમિટીની રચના કરી દોષિત અધિકારીઓ અને સપ્લાયરો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કાર્યકરો માંગ કરી રહ્યા છે.