Surat

સુરતના પલસાણા તાલુકામાં 17.56 ઈંચ વરસાદ, આવતીકાલે સુરત અને વલસાડની શાળા-કોલેજોમાં રજા જાહેર

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સુરત અને વલસાડમાં 8 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. સુરતના પલસાણામાં 17.56 ઈંચ અને કામરેજમાં 15.87 ઈંચ વરસાદ પડ્યો. 11 જળાશયો હાઈ એલર્ટ પર છે અને 1,528 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. સુરતમાં વીજ કરંટથી 2ના મોત થયા. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના પલસાણા તાલુકામાં 17.56 ઈંચ વરસાદ, આવતીકાલે સુરત અને વલસાડની શાળા-કોલેજોમાં રજા જાહેર
સુરતનો સરથાણા વિસ્તાર જળમગ્ન

Gujarat Rain News: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (ગાંધીનગર) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તોફાની બેટિંગ કરી છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 17.56 ઈંચ અને કામરેજ તાલુકામાં 15.87 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 14.17 ઈંચ અને જલાલપોરમાં 10.08 ઈંચ, સુરત શહેરમાં 12.87 ઈંચ, મહુવામાં 8.27 ઈંચ, બારડોલીમાં 8.07 ઈંચ અને અંબિકામાં 7.17 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 7.91 ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6.65 ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સુરત અને વલસાડમાં વરસાદને કારણે 8 જુલાઇએ શાળા-કોલેજોમાં રજા
વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર, આગામી બુધવાર, 8 જુલાઈ 2026ના રોજ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ. (ITIs) અને આંગણવાડી કેન્દ્રોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત સંસ્થાઓને આ આદેશની ચુસ્તપણે અમલવારી કરવા અને જરૂરી તકેદારી રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ સુરતમાં પણ વહીવટી તંત્રની સૂચનાથી 8 જુલાઇએ તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે.

11 જળાશયો માટે હાઇ એલર્ટ
રાજ્યમાં પાણીની આવક પર નજર કરીએ તો, મુખ્ય નર્મદા ડેમમાં અત્યારે 2.17 લાખ MCFT એટલે કે લગભગ 65 ટકા જેટલો પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે, જ્યારે ગુજરાતના બાકીના 206 ડેમોમાં 40.01 ટકા પાણી ઉપલબ્ધ છે. પાણીની સતત આવકને લીધે હાલમાં 11 જળાશયો માટે હાઇ એલર્ટ અને 4 જળાશયો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1,528 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
બીજી તરફ, ચોમાસાની સીઝન દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત અત્યાર સુધીમાં 1,528 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 134 લોકોને પૂર જેવી સ્થિતિમાંથી સફળતાપૂર્વક ઉગારી લેવાયા છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે અલગ-અલગ જિલ્લાઓમાં NDRF અને SDRFની કુલ 36 ટીમોને તૈનાત કરી એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

સુરતમાં મિત્રને બચાવવા ગયેલા પાડોશીનું પણ વીજ કરંટથી મોત
સુરતના રાંદેરમાં ગઇકાલે સાંજે બે પરિવારના દીવા બુઝાઈ ગયા, જ્યાં મિત્રને બચાવવા જતાં પાડોશી પણ મોતને ભેટ્યો, રાંદેરની સુઝાતખાન સ્ટ્રીટમાં રહેતો 28 વર્ષીય આઝમ વરસાદમાં નાહ્યા બાદ જ્યારે લોખંડની સીડી ચઢીને ઘરમાં જઈ રહ્યો હતો, ત્યારે સીડીમાં ઉતરેલા વીજ કરંટને કારણે તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. આઝમની મદદ માટે જ્યારે પાડોશી અને મિત્ર એવા 43 વર્ષીય સલમાન દોડી આવ્યા, ત્યારે માનવતા નિભાવવા જતાં તેઓ પણ આ હાઈવોલ્ટેજ કરંટની ઝપેટમાં આવી ગયા. મિત્રને બચાવવા ગયેલા સલમાન અને આઝમ બંનેના શરીર કરંટને કારણે જકડાઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક લાઈન બંધ કરાવી બંનેને હોસ્પિટલ લઇને દોડ્યા હતા પરંતુ બંનેનો જીવ જતો રહ્યો હતો.

ચાલુ દિવસથી બીજા દિવસની સવાર સુધીની આગાહી? (જિલ્લા પ્રમાણે)

7 જુલાઇથી અને 8 જુલાઇની સવાર (8:30 સુધી)
દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
અરવલ્લી, ખેડા, નર્મદા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે.
આ સાથે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની ચેતવણી છે.

8 જુલાઇથી અને 9 જુલાઇની સવાર (8:30 સુધી)
ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
દાહોદ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ દિવસે પણ સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

9 અને 10 જુલાઇ
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.