| (IMAGE - IANS) |
Shooting Legend Jaspal Rana Passes Away: ભારતીય શૂટિંગ જગતના દિગ્ગજ ખેલાડી અને જાણીતા કોચ જસપાલ રાણાનું શુક્રવારે 49 વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે. જર્મનીના મ્યુનિખ ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપથી ભારત પરત ફરતી વખતે તેમને અચાનક શારીરિક અસ્વસ્થતા અને પીડા થઈ હતી. નવી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ તેમને તાત્કાલિક સાકેતની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા તેમના નિધનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ત્રણ દાયકાથી વધુ સમય સુધી એક શ્રેષ્ઠ ખેલાડી અને પ્રભાવશાળી કોચ તરીકે રમતને સમર્પિત રહેનાર જસપાલ રાણાનું જવું એ ભારતીય શૂટિંગ જગત માટે ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ છે.
90ના દાયકામાં ભારતીય શૂટિંગનો સુવર્ણ ચહેરો
જસપાલ રાણા ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને સફળ પિસ્તોલ શૂટર્સમાંના એક હતા. 1990ના દાયકામાં તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો દબદબો સ્થાપિત કર્યો હતો. એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ભારતના નામે અસંખ્ય મેડલ જીતનાર રાણાએ એવા સમયે દેશમાં શૂટિંગ રમતને લોકપ્રિય બનાવી હતી, જ્યારે ભારતમાં આ રમતનો વિકાસ થઈ રહ્યો હતો. તેમની શાનદાર સિદ્ધિઓએ દેશના લાખો યુવાનોને હાથમાં બંદૂક પકડીને દેશ માટે મેડલ જીતવાની પ્રેરણા આપી હતી.
કોચ તરીકે ભારતને આપ્યા વર્લ્ડ ક્લાસ શૂટર્સ
પોતાના શાનદાર શૂટિંગ કરિયરને અલવિદા કહ્યા બાદ જસપાલ રાણાએ કોચિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને ત્યાં પણ શિખરો સર કર્યા. વર્ષ 2012માં તેઓ નેશનલ કોચિંગ સેટઅપમાં જોડાયા અને જુનિયર પિસ્તોલ પ્રોગ્રામની કમાન સંભાળી. આગામી એક દાયકા સુધી તેમણે ભારતીય શૂટિંગનો એવો મજબૂત પાયો નાખ્યો કે, જેણે ભારતને અગણિત ચેમ્પિયન્સ આપ્યા. સૌરભ ચૌધરી, અનીશ ભાનવાલા અને ચિંકી યાદવ જેવા વિશ્વસ્તરીય શૂટર્સ જસપાલ રાણાની દેખરેખ હેઠળ જ તૈયાર થયા હતા. તેમની ઝીણવટભરી યોજનાઓ અને હાઈ-પ્રેશર પરિસ્થિતિમાં ખેલાડીઓને શાંત રાખવાની અદભુત ક્ષમતાને કારણે જ ભારતીય જુનિયર પ્રોગ્રામ વૈશ્વિક સ્તરે સુપરહિટ રહ્યો હતો.
આ પણ વાંચો: ટ્રમ્પના દાવા પોકળ, ઈરાને કહ્યું - અમેરિકા સાથે કોઇ ડીલ નથી થઈ, અમારી રેડ લાઈન્સ નક્કી
મનુ ભાકરને ઓલિમ્પિક મેડલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા
જસપાલ રાણાની કોચિંગ કરિયરનું સૌથી સુવર્ણ પ્રકરણ સ્ટાર શૂટર મનુ ભાકર સાથેનું રહ્યું છે. મનુ ભાકરની કારકિર્દીના સૌથી મહત્ત્વના અને મુશ્કેલ તબક્કામાં રાણાએ તેના મુખ્ય માર્ગદર્શક તરીકે કામ કર્યું હતું. તેમની જ સખત ટ્રેનિંગ અને માર્ગદર્શનના આધારે મનુ ભાકરે 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. રમત પ્રત્યેના આ અજોડ સમર્પણ બદલ ભારત સરકારે વર્ષ 2020માં જસપાલ રાણાને ખેલ જગતના સર્વોચ્ચ સન્માન 'દ્રોણાચાર્ય એવોર્ડ'થી પણ નવાજ્યા હતા.
છેલ્લી ઘડી સુધી દેશ માટે રહ્યા સક્રિય
જસપાલ રાણાની પ્રતિભા અને અનુભવને માન આપીને નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ ફેબ્રુઆરી 2025માં જ તેમની 25 મીટર પિસ્તોલ શિસ્તના 'હાઈ-પર્ફોર્મન્સ કોચ' તરીકે નિમણૂક કરી હતી. તેઓ પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી ભારતના અગ્રણી શૂટર્સને ટ્રેનિંગ આપવામાં અને દેશના શૂટિંગ પ્રોગ્રામને મજબૂત કરવામાં સક્રિય રહ્યા હતા. તેમના આકસ્મિક નિધનથી ભારતે માત્ર એક મહાન રમતવીર જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓને ઘડનાર એક સાચો દ્રોણાચાર્ય પણ ગુમાવ્યો છે.


