8 બોલ માટે 18 કરોડ રૂપિયા કિંમત! KKR ને ભારે પડી ગયો આ ખેલાડી, શાહરુખને થયું નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Matheesha Pathirana injury IPL 2026: અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) પોતાની છેલ્લી મેચમાં ગુજરાત ટાઈટન્સને 29 રને હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે. આ મેચમાં કેકેઆરની બેટિંગ શાનદાર રહી હતી, પરંતુ બોલિંગ બાબતે ટીમ માટે એક ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમ જે મેચ વિનર બોલરની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી, તે પોતાની ડેબ્યૂ મેચમાં જ માત્ર 8 બોલ ફેંકીને મેદાન બહાર જતો રહ્યો હતો.
ડેબ્યૂ મેચમાં જ હેમસ્ટ્રિંગનો શિકાર બન્યો મથીસા પાથિરાના
ગુજરાત સામેની મેચમાં કેકેઆરે શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર મથીસા પાથિરાનાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો. પાથિરાનાની KKR માટે આ ડેબ્યૂ મેચ હતી. જોકે, તે માત્ર 1.2 ઓવર (8 બોલ) જ ફેંકી શક્યો અને તેને હેમસ્ટ્રિંગ ઈન્જરી (સ્નાયુ ખેંચાઈ જવા) થઈ ગઈ. ઈજા એટલી ગંભીર હતી કે તેને અધવચ્ચેથી જ મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. KKRની ટીમ લાંબા સમયથી પાથિરાનાના ફિટ થવાની રાહ જોઈ રહી હતી, પરંતુ જેવો તે મેદાન પર ઉતર્યો કે તરત જ ફરી ઈજાગ્રસ્ત થઈ ગયો. આ કમનસીબ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પાથિરાના અને કેકેઆરની ટીમ ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.
હરાજીમાં મળ્યા હતા 18 કરોડ
આઇપીએલ મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા રિલીઝ કરાયેલા પાથિરાનાને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી. જેમાં અંતે KKR એ 18 કરોડ રૂપિયા ની અધધ રકમ ચૂકવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સીઝન શરૂ થાય તે પહેલા જ પાથિરાના ઈજાગ્રસ્ત થયો હતો. તે સાજો થયો ત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) તરફથી એનઓસી (NOC) મળવામાં વિલંબ થયો.
કરો યા મરો મેચમાં એન્ટ્રી
એનઓસી મળ્યા બાદ પણ કેકેઆરે તેને બેન્ચ પર બેસાડી રાખ્યો હતો. આખરે જ્યારે ટીમ માટે દરેક મેચ 'કરો યા મરો' જેવી બની ગઈ, ત્યારે તેને મેદાન પર ઉતારવામાં આવ્યો પણ કિસ્મતે સાથ ન આપ્યો. ક્રિકેટ ફેન્સ હવે સોશિયલ મીડિયા પર પાથિરાનાને આઇપીએલ ઇતિહાસની સૌથી ખરાબ ખરીદીઓમાંથી એક ગણાવી રહ્યા છે, કારણ કે આટલી મોટી રકમ લીધા પછી પણ તે ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શક્યો નથી.
પ્લેઓફ પહેલા KKRની ચિંતા વધી
ગુજરાત સામે જીત મેળવ્યા બાદ કેકેઆર પાસે પ્લેઓફની તક તો છે, પરંતુ પાથિરાનાની ઈજાએ મેનેજમેન્ટની ઊંઘ ઉડાવી દીધી છે. હવે કોલકાતા નાઈટ રાઈડર્સ માત્ર એવી જ આશા રાખી શકે કે પાથિરાના આગામી બે મહત્વની મેચો પહેલા ફિટ થઈને ટીમમાં વાપસી કરે, જેથી તેમની બોલિંગ લાઇનઅપ મજબૂત થઈ શકે.









