Get The App

'મને ગુલામની જેમ રખાયો..', ચોધાર આંસુએ રડ્યા તમિલ સુપરસ્ટાર જયમ રવિ, છૂટાછેડા સુધી સિનેમા છોડવાની કરી જાહેરાત

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
'મને ગુલામની જેમ રખાયો..', ચોધાર આંસુએ રડ્યા તમિલ સુપરસ્ટાર જયમ રવિ, છૂટાછેડા સુધી સિનેમા છોડવાની કરી જાહેરાત 1 - image

Jayam Ravi Breaks Down in Press Meet | તમિલ સિનેમા (કોલીવુડ) ના લોકપ્રિય અભિનેતા રવિ મોહન, જેઓ 'જયમ રવિ' તરીકે જાણીતા છે, તેઓ શનિવારે ચેન્નાઈમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના અંગત જીવનની પીડા રજૂ કરતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. છેલ્લા બે વર્ષથી પત્ની આરતી રવિ સાથે ચાલી રહેલા છૂટાછેડાના વિવાદ, સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ અને સિંગર કેનિશા ફ્રાન્સિસ સાથે જોડાતા નામથી કંટાળીને તેમણે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી કોર્ટ દ્વારા તેમના છૂટાછેડા કાયદેસર રીતે મંજૂર નહીં થાય, ત્યાં સુધી તેઓ અભિનયની દુનિયાથી સંપૂર્ણપણે દૂર રહેશે.



માનસિક તણાવ અને સાયબર બુલિંગનો ભોગ બન્યા

જયમ રવિએ પત્રકારો સામે ભાવુક થતા કહ્યું કે, "જ્યાં સુધી મારા ડિવોર્સ નહીં થાય, ત્યાં સુધી હું એક્ટિંગ નહીં કરી શકું, મારામાં હવે તાકાત નથી રહી. જ્યારે મને છૂટાછેડા મળશે અને આ સાયબર બુલિંગ બંધ થશે, ત્યારે જ મારું જીવન સામાન્ય બનશે અને હું કેમેરા સામે પરત ફરીશ." તેમણે પોતાની પત્ની અને સાસરિયા પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે તેમને વર્ષો સુધી 'ગુલામ' ની જેમ રાખવામાં આવ્યા હતા. તેમણે વધુમાં એક ચોંકાવનારો દાવો કર્યો કે આરતીએ કાંડાની નસ કાપીને આત્મહત્યા કરવાની ધમકી આપી બ્લેકમેલ કર્યો હોવાથી તેઓ આ લગ્નજીવનમાં 'ડેથ વિશ' (મરવાની ઈચ્છા) સાથે જોડાયા હતા.

ત્રીજી વ્યક્તિની એન્ટ્રી અને સિંગર કેનિશાનો વિવાદ

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે જયમ રવિની મિત્ર અને સ્પિરિચ્યુઅલ થેરાપિસ્ટ કેનિશા ફ્રાન્સિસે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરીને આ સંબંધ અને ચેન્નાઈ છોડવાના સંકેત આપ્યા. રવિએ આ અંગે કહ્યું કે, લોકોએ સતત ટ્રોલિંગ કરીને કેનિશાને દૂર જવા મજબૂર કરી દીધી છે. આ ઉપરાંત, રવિએ કોઈનું નામ લીધા વિના એક વરિષ્ઠ અભિનેત્રીને 'ઇડલી નડીગાઈ' કહીને સંબોધ્યા હતા, જેને સોશિયલ મીડિયા પર તમિલનાડુની જાણીતી અભિનેત્રી અને રાજનેતા ખુશ્બુ સુંદર સાથે જોડવામાં આવી રહ્યું છે, કારણ કે ખુશ્બુ આરતીના પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે. રવિએ આક્ષેપ કર્યો છે કે આ બહારના લોકો તેમના પરિવારમાં દખલગીરી કરી રહ્યા છે અને તેમને પોતાના પુત્રો આરવ અને અયાનને મળવા દેવામાં આવતા નથી.

આરતી રવિ અને ખુશ્બુ સુંદરનો પલટવાર

જયમ રવિના આ ગંભીર આક્ષેપો સામે તેમની પત્ની આરતી રવિએ પણ ઇન્સ્ટાગ્રામ પર કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. આરતીએ લખ્યું કે, "મારી ગરિમાપૂર્ણ શાંતિને કોઈ મારી નબળાઈ ન સમજે. જો જરૂર પડશે તો મારા બાળકો અને સ્વાભિમાનની રક્ષા માટે હું બધી જ સચ્ચાઈ સામે લાવીશ." આ પોસ્ટ પર ખુશ્બુ સુંદરે આરતીને સિંહણ ગણાવી સપોર્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2024માં બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી, જે બાદ 2025 માં હાઈકોર્ટે બંનેને સોશિયલ મીડિયા પર એકબીજા વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ ન મૂકવા આદેશ કર્યો હતો. આ હાઈપ્રોફાઈલ છૂટાછેડાની લડાઈએ હવે સમગ્ર દક્ષિણ ભારતીય સિનેમાને હચમચાવી દીધું છે.