'હું ભાવનાઓમાં વહીને...', નિવૃત્તિ અંગે રોનાલ્ડોએ તોડ્યું મૌન, બહેનના દાવા પછી આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ronaldo Breaks Silence on Retirement: પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આખરે તેની નિવૃત્તિને લઈને ચાલતી ચર્ચા પર મૌન તોડ્યું છે. ફિફા વર્લ્ડ કપ 2026માં ક્રોએશિયા સામે પોર્ટુગલની 2-1થી રોમાંચક જીત બાદ રોનાલ્ડોએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં મારું સંપૂર્ણ ધ્યાન માત્ર વર્લ્ડ કપ પર જ કેન્દ્રિત છે. નિવૃત્તિ વિશે વાત કરવાનો આ યોગ્ય સમય નથી.
બહેનના દાવા બાદ અટકળો થઈ હતી તેજ
તાજેતરમાં જ રોનાલ્ડોની બહેન કાતિયા એવેઇરોએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો હતો કે, ફિફા વર્લ્ડ કપ 2026 એ નેશનલ ટીમ સાથે મારા ભાઈનો 'લાસ્ટ ડાન્સ' હોઈ શકે છે. આ નિવેદન બાદ ફૂટબોલ જગતમાં રોનાલ્ડોના સંન્યાસને લઈને અટકળો તેજ થઈ ગઈ હતી. ક્રોએશિયા સામેની મેચ બાદ જ્યારે રોનાલ્ડોને આ અંગે પ્રશ્ન પૂછાયો, ત્યારે તેણે આ દાવાઓને ન તો સંપૂર્ણપણે નકાર્યા કે ન તો તેને સ્વીકાર્યા હતા.
'હવે હું લાગણીઓમાં વહીને નિર્ણયો નથી લેતો'
નિવૃત્તિના સવાલ પર પ્રતિક્રિયા આપતા રોનાલ્ડોએ જણાવ્યું હતું કે, ‘હાલ આ વિષય મહત્ત્વનો નથી. ટૂર્નામેન્ટ જીત્યા કે હાર્યા પછી મારી પાસે આ વિશે વાત કરવાનો પૂરતો સમય હશે. હું મારા પરિવાર સાથે ચર્ચા કરીશ અને ત્યારબાદ જ યોગ્ય નિર્ણય લઈશ. હવે હું પહેલાની જેમ લાગણીઓમાં વહીને નિર્ણયો નથી લેતો. દરેક નિર્ણય શાંતિથી લેવામાં આવશે. અત્યારે મારા માટે વર્તમાન સમયનો આનંદ માણવો અને નેશનલ ટીમને મદદ કરવી સૌથી વધુ જરૂરી છે.’
આ પણ વાંચોઃ FIFA વર્લ્ડ કપ બાદ રોનાલ્ડો નિવૃત્ત થઇ જશે? બહેને ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
મેચમાં રોનાલ્ડોનો કમાલ અને નવો રેકોર્ડ
ક્રોએશિયા સામેની આ રોમાંચક મેચમાં રોનાલ્ડોએ શાનદાર રમત બતાવી હતી. મેચની 61મી મિનિટે તેનો એક ગોલ VAR (વીડિયો આસિસ્ટન્ટ રેફરી) તપાસ બાદ ઓફસાઇડ જાહેર થતાં રદ કરાયો હતો. જો કે, તેના થોડી જ મિનિટો બાદ પોર્ટુગલને પેનલ્ટી મળી હતી, જેને રોનાલ્ડોએ ગોલમાં ફેરવીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. આ ગોલ સાથે રોનાલ્ડોએ એક ખાસ સિદ્ધિ મેળવી છે; વર્ષ 2006માં વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યા બાદ, વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં આ તેનો સૌપ્રથમ ગોલ છે.
રોમાંચક અંત અને દિવંગત સાથીને જીત સમર્પિત
આ મેચના અંતિમ સમયમાં પોર્ટુગલના ગોન્કાલો રામોસે શાનદાર હેડર લગાવીને ટીમને 2-1ની લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી. મેચ જીત્યા બાદ રોનાલ્ડોએ આ જીત તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી ડિઓગો જોટાની યાદમાં સમર્પિત કરી હતી, જેમનું ગત વર્ષે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું.
હવે સ્પેન સામે થશે મહા મુકાબલો
ક્રોએશિયાને માત આપ્યા બાદ હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલનો સામનો મજબૂત ટીમ સ્પેન સામે ડલાસ ખાતે થશે. સ્પેનની ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ ગોલ ખાધા વિના શાનદાર ફોર્મમાં ચાલી રહી છે, તેથી રોનાલ્ડો અને પોર્ટુગલ માટે આગળની રાહ વધુ પડકારજનક બની રહેશે.









