Sports

FIFA વર્લ્ડ કપ બાદ રોનાલ્ડો નિવૃત્ત થઇ જશે? બહેને ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું આંતરરાષ્ટ્રીય કરિયર અંતિમ પડાવમાં છે. બહેન કાતિયા એવેઈરોએ દાવો કર્યો કે, 2026 ફિફા વર્લ્ડ કપ નેશનલ ટીમની જર્સીમાં તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે, જે તેમનો 'લાસ્ટ ડાન્સ' ગણાશે. 41 વર્ષીય રોનાલ્ડોએ ક્રોએશિયા સામે ગોલ ફટકારી ટીમને 2-1થી જીતાડી હતી. જોકે, સંન્યાસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

FIFA વર્લ્ડ કપ બાદ રોનાલ્ડો નિવૃત્ત થઇ જશે? બહેને ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

Cristiano Ronaldo: પોર્ટુગલના મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું શાનદાર ઈન્ટરનેશનલ કરિયર હવે તેના અંતિમ પડાવમાં પહોંચતું હોય તેમ લાગી રહ્યું છે. સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોની બહેન કાતિયા એવેઈરોએ દાવો કર્યો છે કે, 2026 ફિફા વર્લ્ડ કપ મારા ભાઈની નેશનલ ટીમની જર્સીમાં છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તેણે આ ટૂર્નામેન્ટને રોનાલ્ડોનો 'લાસ્ટ ડાન્સ' ગણાવ્યો છે.

આ ખુલાસો એવા સમયે સામે આવ્યો છે જ્યારે 41 વર્ષીય રોનાલ્ડો સતત નવો ઈતિહાસ રચી રહ્યા છે. તેમણે ક્રોએશિયા સામેના નોકઆઉટ મુકાબલામાં ગોલ ફટકારીને પોર્ટુગલને 2-1થી રોમાંચક જીત અપાવી હતી અને ટીમને આગલા રાઉન્ડમાં પહોંચાડી દીધી છે.

બહેને જ કહ્યું હતું કે આ તેનો લાસ્ટ ડાન્સ હોઈ શકે છે

ટોરોન્ટો સ્ટેડિયમની બહાર 'સ્પોર્ટ ટીવી' સાથે વાતચીતમાં કાતિયા એવેઈરોએ કહ્યું કે, 'મારી માહિતી પ્રમાણે હવે લોકો તેમને અલવિદા કહી શકે છે. આજે નહીં, પરંતુ એવું લાગે છે કે નેશનલ ટીમ સાથે આ તેમની વિદાઈ સફર છે.' વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જ તેમનો 'લાસ્ટ ડાન્સ' છે, એટલે કે વર્લ્ડ કપ. જોકે, રોનાલ્ડો અથવા પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશન તરફથી સંન્યાસ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

41ની ઉંમરમાં ફરી ઈતિહાસ રચ્યો

ક્રોએશિયા સામે ગુરુવારે ટોરોન્ટોમાં રમાયેલા મુકાબલામાં રોનાલ્ડોએ બીજા હાફમાં પેનલ્ટી પર ગોલ કર્યો હતો. આ સાથે જ તે 41 વર્ષ અને 147 દિવસની ઉંમરે ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં ગોલ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે.

તેમણે આ મામલે લિઓનેલ મેસીનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. એટલું જ નહીં, 6 વર્લ્ડ કપ રમી ચૂક્યા હોવા છતાં તેમના કરિયરનો આ સૌપ્રથમ વર્લ્ડ કપ નોકઆઉટ ગોલ પણ હતો.

હવે વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનાથી મોટી ઉંમરે ગોલ કરનારા માત્ર કેમરૂનના મહાન ખેલાડી રોજર મિલા છે, જેમણે 1994ના વર્લ્ડ કપમાં 42 વર્ષ અને 39 દિવસની ઉંમરે ગોલ કર્યો હતો.

વધુ એક રેકોર્ડ પતાના નામે કર્યો

મેચ શરૂ થતા પહેલા જ રોનાલ્ડોએ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તેઓ મેન્સ ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં મેદાનમાં ઉતરનાર સૌથી મોટી ઉંમરનો આઉટફિલ્ડ ખેલાડી બન્યો છે. આ મેચમાં ક્રોએશિયાનો લુકા મોડ્રિક પણ રમી રહ્યો હતો.

વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ મેચમાં બંને ટીમો તરફથી 40 વર્ષથી વધુ ઉંમરના આઉટફિલ્ડ ખેલાડીઓ મેદાને ઉતર્યા હોય. રોનાલ્ડોની આ 26મી વર્લ્ડ કપ મેચ હતી. તેઓ હવે જર્મનીના લોથાર મથાઉસથી માત્ર એક મેચ પાછળ છે, જ્યારે આ યાદીમાં લિઓનેલ મેસી ટોપ પર છે.

ટીકા બાદ દમદાર વાપસી

ટૂર્નામેન્ટની શરૂઆત રોનાલ્ડો માટે સારી નહોતી રહી. ડીઆર કોંગો સામે 1-1થી ડ્રો થયેલા મુકાબલામાં તેઓ ગોલ તો દૂરની વાત છે, એક પણ શોટ ટાર્ગેટ પર લગાવી નહોતો શક્યો. આ ફ્લોપ પ્રદર્શન બાદ તેની આકરી ટીકા થઈ હતી. પરંતુ, આ અનુભવી સ્ટ્રાઈકરે જોરદાર વાપસી કરી. તેણે ઉઝબેકિસ્તાન સામે બે ગોલ ફટકાર્યા અને ત્યારબાદ ક્રોએશિયા સામે નિર્ણાયક ગોલ કરીને ટીમને શાનદાર જીત અપાવી.

રોનાલ્ડોની બહેને ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

રોનાલ્ડોની ખરાબ શરૂઆત બાદ પોર્ટુગલ ટીમની અંદર આંતરિક મતભેદો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. કાતિયા એવેઈરોએ આ પહેલા બ્રુનો ફર્નાન્ડિસની ટીકા કરતી એક સોશિયલ મીડિયા પોસ્ટ લાઈક કરી હતી, જેના કારણે ભારે ચર્ચાઓ જાગી હતી. જો કે, પાછળથી તેણે પોતાના ભાઈનો ખુલ્લેઆમ બચાવ કર્યો હતો. કાતિયાએ કહ્યું હતું કે, 'જે લોકો ફૂટબોલને સાચા અર્થમાં સમજે છે, તેઓ રોનાલ્ડોને પસંદ કરે છે. જો કોઈ તેમને પસંદ નથી કરતું, તો નુકસાન તેનું પોતાનું જ છે. છેલ્લા 20 કરતાં વધુ વર્ષોથી તે વિશ્વભરમાં પોતાનો જલવો દેખાડી રહ્યો છે.'

આંકડા જે રોનાલ્ડોને મહાન બનાવે છે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અત્યાર સુધી પોર્ટુગલ માટે 232 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે અને 146 ગોલ ફટકારી ચૂક્યો છે. તે મેન્સ ઈન્ટરનેશનલ ફૂટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી છે. જો કાતિયા એવેઈરોનો આ દાવો સાચો સાબિત થશે, તો 2026 ફિફા વર્લ્ડ કપ બાદ ફૂટબોલ ઈતિહાસની સૌથી મહાન ઈન્ટરનેશનલ કરિયરમાંથી એકનો અંત આવી જશે.