WhatsApp username Feature: વોટ્સએપ પર હવે એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. એના દ્વારા ચેટ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે. આ ફીચરની મદદથી યુઝરે હવે નંબર શેર કરવાની જરૂર નહીં પડે. તેઓ હવે યુઝરનેમ દ્વારા જ એકમેક સાથે ચેટ કરી શકશે. આથી યુઝર્સના હવે મોબાઇલ પ્રાઇવેટ રહેશે. જોકે આ જ સુધી વોટ્સએપનો ઉપયોગ કરનાર યુઝરના નંબર દરેક પાસે પહોંચી ગયા હશે એ પણ એટલી જ હકીકત છે.
એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ દ્વારા આ ફીચરને કેટલાક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચરને એન્ડ્રોઇડ અને એપલ બન્ને ડિવાઇસ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને સંપૂર્ણ રીતે જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે એ એક ઇતિહાસ બની જશે. આ અપડેટને અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ માનવામાં આવે છે.
નંબર નહીં યુઝરનેમથી થશે મેસેજ
આ ફીચરનો સૌથી મોટો ફાયદો પ્રાઇવસી છે. અત્યાર સુધી કોઈ પણ યુઝર્સ સાથે વોટ્સએપ મેસેજ કરવા માટે અથવા તો એની સાથે કનેક્ટ થવા માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ સમયે સામેની વ્યક્તિ પાસે વોટ્સએપનો નંબર જતો રહેતો હતો. જોકે હવે યુઝરનેમ ફીચરની મદદથી યુઝર ફક્ત પોતાનું યુઝરનેમ શેર કરીને વાતચીત શરૂ કરી શકે છે. એટલે કે હવે યુઝર્સ પોતાના નંબરને પૂરી રીતે લોકોથી છુપાવી શકે છે.
યુઝર્સને મળશે ઓપ્શન
રિપોર્ટ અનુસાર વોટ્સએપ યુઝર્સને એક યુનિક યુઝરનેમ પસંદ કરવા માટેનું વિકલ્પ આપશે. આ ફીચર ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની જેમ કામ કરશે. જો યુઝરનેમ સેટ થઈ જશે તો જે-તે વ્યક્તિ એ યુઝરનેમના માધ્યમથી લોકોને શોધી શકશે અને મેસેજ પણ કરી શકશે. આ ફીચરથી એ લોકોને ફાયદો થઈ રહ્યો છે જેઓ પોતાની ઇમેજ લોકોની સાથે શેર કરવા નથી માગતા. વોટ્સએપ આ ફીચરની મદદથી પોતાને ખૂબ જ મોડર્ન મેસેજિંગ પ્લેટફોર્મ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશન પહેલેથી જ યુઝરનેમ આધારિત છે. અહીં નંબર શેર કરવો જરૂરી નથી. વોટ્સએપ પણ હવે એ લાઇનમાં આવી રહ્યું છે.
સ્પેમ મેસેજ વધી શકે છે
આ ફીચર પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જોકે એમાં સ્પેમ મેસેજ વધવાના ચાન્સ પણ છે. કોઈ પણ વ્યક્તિ હવે ફક્ત યુઝરનેમના આધારે કોઈને પણ શોધી શકે છે. આથી અજાણ્યા લોકોના મેસેજ આવવાની શક્યતા પણ વધુ છે. જોકે એવી ચર્ચા છે કે વોટ્સએપ આ માટે નવું પ્રાઇવસી સેટિંગ્સ પણ આપી રહ્યું છે. એનાથી યુઝરને કોણ મેસેજ કરી શકે છે અને કોણ નહીં એને પણ કન્ટ્રોલ કરી શકાશે.
આથી વોટ્સએપ હવે બિઝનેસ અને ક્રિએટર્સ માટે પણ વધુ ફાયદાકારક બની શકે છે. અત્યારે ઘણાં લોકો તેમના નંબરને જાહેર કરવાથી દૂર રહે છે. જોકે હવે યુઝરનેમને કારણે તેઓ સરળતાથી તેમના યુઝર્સ સાથે જોડાઈ શકે છે. આથી વોટ્સએપ હવે એક પર્સનલ ચેટિંગ એપ્લિકેશનથી આગળ જઈને પ્રોફેશનલ ચેટિંગ કમ્યુનિકેશન માટે પણ ઉપયોગ કરી શકાય છે.
આ ફીચર હાલમાં ધીમે-ધીમે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. તમામ યુઝર્સ માટે આ રોલઆઉટ થવા માટે સમય લાગશે. આ ફીચર દરેકને મળશે એ ચોક્કસ છે, પરંતુ ક્યારે એ માટે રાહ જોવી પડી શકે છે. આ ફીચરની મદદથી ચેટિંગ હવે પહેલાં જેવી નહીં રહે.


