Google replace it health App: ટેક કંપની ગૂગલે ફિટનેસ ટ્રેકિંગ ક્ષેત્રે એક મોટો અને ઐતિહાસિક બદલાવ કર્યો છે. ગૂગલે ફિટનેસની દુનિયામાં છેલ્લા 14 વર્ષથી રાજ કરી રહેલી આઇકોનિક ‘ફિટબિટ' એપને સત્તાવાર રીતે બંધ કરીને તેની જગ્યાએ પોતાની નવી 'ગૂગલ હેલ્થ' એપ લોન્ચ કરી દીધી છે. ગયા અઠવાડિયાથી રોલ-આઉટ શરૂ થયેલા આ નવા અપડેટમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મના યુઝર્સને તદ્દન નવું ડિઝાઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કોચિંગ ફીચર્સ મળશે. જોકે, આ અચાનક થયેલા ફેરફારને કારણે કંપનીના નવા ડિવાઇસ 'Fitbit Air' ખરીદનારા શરૂઆતના કેટલાક ગ્રાહકોને પોતાનું ડિવાઇસ સેટ-અપ કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
'Google Health' એપનો તદ્દન નવો લુક
નવી રિવેમ્પ્ડ ગૂગલ હેલ્થ એપમાં જૂની ફિટબિટ બ્રાન્ડિંગને હટાવીને અત્યંત યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે. આ એપ મુખ્યત્વે ચાર ટેબ પર ફોકસ કરે છે: Today, Fitness, Sleep અને Health. આ એપ યુઝર્સને ગૂંચવી નાખતા ચાર્ટ્સ અને આંકડાઓ દર્શાવવાને બદલે સ્વાસ્થ્યને લગતી મહત્ત્વની વિગતો ખૂબ જ સરળ અને સમજી શકાય તેવી શૈલીમાં રજૂ કરે છે. કંપનીનો ઉદ્દેશ્ય હેલ્થ ટ્રેકિંગને એક સ્પ્રેડશીટ વાંચવા જેવું કંટાળાજનક બનાવવાને બદલે એક પર્સનલ વેલનેસ આસિસ્ટન્ટ જેવો અનુભવ આપવાનો છે.
'Google Health Premium' બનશે આકર્ષણનું કેન્દ્ર
આ રિબ્રાન્ડિંગ અંતર્ગત સૌથી મોટો ફેરફાર 'Google Health Premium' પ્લાનમાં જોવા મળ્યો છે, જે પહેલા 'Fitbit Premium' તરીકે ઓળખાતો હતો. સબસ્ક્રિપ્શનની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ હવે તેમાં ગૂગલના એઆઈ-આધારિત હેલ્થ કોન્સિયર્જનો સપોર્ટ મળશે. આ ફીચર પહેલા માત્ર બીટા ટેસ્ટિંગમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે પ્રીમિયમ યુઝર્સ આ એઆઈ કોચની મદદથી પોતાની દૈનિક પ્રવૃત્તિઓ અને ટ્રેન્ડ્સના આધારે પર્સનલાઈઝ્ડ ફિટનેસ ટિપ્સ અને સ્વાસ્થ્ય માર્ગદર્શન મેળવી શકશે.
હવે મેડિકલ રેકોર્ડ્સ પણ અપલોડ કરી શકાશે
નવી એપમાં યુઝર્સ પોતાની હેલ્થ હિસ્ટ્રીને વધુ મજબૂત બનાવી શકશે. પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સ હવે તેમના મેડિકલ રેકોર્ડ્સ સીધા જ એપમાં અપલોડ કરી શકશે, જેથી એપ યુઝરના ઓવરઓલ સ્વાસ્થ્યનું વધુ સચોટ વિશ્લેષણ કરી શકે. ડેટા સિક્યોરિટી અંગે ગૂગલે ખાતરી આપી છે કે યુઝર્સ દ્વારા અપલોડ કરાયેલો તમામ ડેટા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે અને તેની પ્રાઇવસી તેમજ પરમિશન પર યુઝર્સનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.
નવી એપ કેવી રીતે મેળવવી?
ગૂગલ હેલ્થ એપનું રોલ-આઉટ એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે લાઈવ થઈ ગયું છે. જોકે અલગ-અલગ પ્રદેશો અને પ્લેટફોર્મ મુજબ તે ધીમે-ધીમે ઉપલબ્ધ થઈ રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે, હવે જો કોઈ યુઝર એપલ એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને 'Fitbit' એપ સર્ચ કરશે, તો તેને આપોઆપ "Google Health (Fitbit)" પર રીડાયરેક્ટ કરવામાં આવશે. હાલના ફિટબિટ યુઝર્સ પોતાની ચાલુ એપને વર્ઝન 5.0 પર અપડેટ કરીને સીધા જ ગૂગલ હેલ્થ એપના આ નવા અનુભવમાં ટ્રાન્સફર થઈ શકે છે.


