New AI Tool Mythos: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે એવા મુકામે પહોંચી ગયું છે જ્યાં તે માત્ર માનવોને મદદ કરતું ટૂલ નથી રહ્યું. હવે તે સિસ્ટમને સમજી શકે છે, તેમાં રહેલી કમજોરીઓ શોધી શકે છે અને જરૂર પડે તો તેનો ઉપયોગ પણ કરી શકે છે. Anthropicનું નવું AI મોડલ Mythos આ બદલાવનું સૌથી મોટું ઉદાહરણ બનીને સામે આવ્યું છે. Mythosને સમજવા માટે પહેલેથી સમજવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય ચેટબોટ નથી. આ Claude સિરીઝનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન છે, જેને ખાસ કરીને પબ્લિક માટે રિલીઝ કરવામાં આવ્યું નથી. તે એટલું શક્તિશાળી છે કે તેનો ઉપયોગ એટલો ખતરનાક બની શકે છે કે તેને હથિયાર સમાન માનવામાં આવી રહ્યું છે. એની સરખામણી પરમાણુ હથિયાર સાથે કરવામાં આવી રહી છે.
સરકાર માટે હથિયાર બની શકે છે Mythos
Mythosનો ઉપયોગ કોઈ દેશની સરકાર બીજા દેશ પર સાયબર હુમલો કરવા માટે કરી શકે છે. આ મોડલમાં એટલી શક્તિ છે કે તે મજબૂત સિસ્ટમ્સને પણ હેક કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકાની એજન્સી NSA પણ Anthropicના આ અનરિલીઝ્ડ મોડલનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે વિવાદ ઊભો થયો છે. પેન્ટાગોન અને Anthropic વચ્ચેની ડીલ તૂટી ગયા બાદ પણ આ મોડલનો ઉપયોગ થતો હોવાના દાવા ચર્ચામાં છે. Axiosના એક રિપોર્ટ મુજબ અમેરિકાની સિક્યુરિટી એજન્સી NSA Mythosનો ઉપયોગ કરી રહી છે, જ્યારે પેન્ટાગોને Anthropicને પહેલેથી જ બ્લેકલિસ્ટ કરી દીધું છે.
Anthropicનો દાવો, મર્યાદિત ઉપયોગ
Anthropicએ આ મોડલ માત્ર કેટલીક પસંદગીની કંપનીઓ અને સિક્યુરિટી એક્સપર્ટ્સને આપ્યું છે, જેથી સિસ્ટમની કમજોરીઓ પહેલેથી ઓળખીને સુધારી શકાય. Mythosની સૌથી મોટી શક્તિ તેની સમજવાની ક્ષમતા છે. તે માત્ર કોડ વાંચતું નથી, પરંતુ તેને સમજતું પણ છે. તે લાખો લાઇનના કોડમાં વર્ષોથી છુપાયેલા નાના બગ્સ શોધી શકે છે.
25 વર્ષ જૂના બગ્સ પણ શોધી કાઢ્યા
એક રિપોર્ટ મુજબ આ AIએ 20-25 વર્ષ જૂના બગ્સ પણ શોધી કાઢ્યા છે, જે ઘણી વખત ટેસ્ટ થયા છતાં ક્યારેય સામે આવ્યા નહોતા. Mythos માત્ર બગ્સ શોધતું નથી, પરંતુ તે પણ સમજે છે કે આ બગ્સનો ઉપયોગ કરીને સિસ્ટમમાં કેવી રીતે પ્રવેશ કરી શકાય. એટલે કે તે હેકર જેવી વિચારશક્તિ રાખે છે.
બગ શોધવાથી હેકિંગ સુધી
પહેલાં સાયબર સિક્યુરિટીમાં બે અલગ ટીમો કામ કરતી હતી. એક બગ્સ શોધતી અને બીજી તેને એક્સપ્લોઇટ કરતી. જોકે Mythos આ બંને કામ એક સાથે કરી શકે છે. તે બગ્સ શોધે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ નક્કી કરે છે. આ કારણે ટેક જગતમાં તેને ગેમ ચેન્જર કહેવામાં આવી રહ્યું છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ Mythosએ હજારો ઝીરો-ડે વલ્નરેબિલિટીઝ શોધી કાઢી છે. ઝીરો-ડેનો અર્થ એવી કમજોરી જે વિશે ડેવલપર્સને પણ ખબર નથી.
ફાયદો કે ખતરો?
એક તરફ Mythos સાયબર સિક્યુરિટી મજબૂત બનાવી શકે છે. જો કમજોરીઓ પહેલેથી જાણી લેવામાં આવે, તો કંપનીઓ તેને સુધારી શકે છે. બીજી તરફ જો આ ટેક્નોલોજી ખોટા હાથોમાં જાય તો સાયબર હુમલા ખૂબ સરળ બની શકે છે. હવે હેકર્સને લાંબી રિસર્ચ કરવાની જરૂર નહીં રહે. AI પોતે માર્ગ બતાવી શકે છે.
ઓટોમેટેડ સાયબર હુમલા
તાજેતરના રિપોર્ટ્સ મુજબ Mythos જેવા AI સિસ્ટમ્સ સાયબર હુમલાને ઓટોમેટિક રીતે પ્લાન અને અમલમાં મૂકી શકે છે. એટલે કે તે માત્ર ટૂલ નહીં પરંતુ એક એજન્ટ તરીકે કામ કરી શકે છે.
કંટ્રોલને પણ બાયપાસ કરી શકે
કેટલાક ટેસ્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આ AI પોતાના પર લાગેલા કંટ્રોલ્સને સમજીને તેમને બાયપાસ કરવાની કોશિશ કરે છે. એટલે કે તે ફક્ત સૂચનાઓનું પાલન નથી કરતું, પરંતુ લક્ષ્ય સુધી પહોંચવા માટે પોતાનો રસ્તો બદલી શકે છે. આથી તે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. આ કારણસર દુનિયાભરના સરકારો અને ફાઇનાન્શિયલ સંસ્થાઓ સતર્ક થઈ ગઈ છે. રેગ્યુલેટર્સ આ ટેક્નોલોજી પર નજર રાખી રહ્યા છે.
બગ એક્સપ્લોઝનનો ખતરો
હવે AI હજારો કમજોરીઓ શોધી શકે છે, જેના કારણે કંપનીઓ માટે નવો પડકાર ઊભો થયો છે કે એટલા બધા બગ્સને કેવી રીતે સુધારવા. આથી Mythos એક સારી બાબત હોવાની સાથે માથાનો દુખાવો પણ બની રહ્યું છે.
Oppenheimer Moment
કેટલાક એક્સપર્ટ તેને AIનું “Oppenheimer Moment” કહી રહ્યા છે. પરમાણુ ટેક્નોલોજીએ દુનિયા બદલી નાંખી હતી તેમ Mythos જેવા AI સાયબર દુનિયામાં મોટો ફેરફાર લાવી શકે છે. Anthropicએ આ મોડલ પબ્લિક માટે રિલીઝ કર્યું નથી. કેટલાક લોકો માને છે કે આ યોગ્ય નિર્ણય છે, જ્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે આથી પાવર થોડા જ હાથોમાં સીમિત થઈ શકે છે. Mythos માત્ર એક નવું AI મોડલ નથી, પરંતુ એક શક્તિશાળી સાધન છે. તેનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તે ખૂબ લાભદાયક છે, પરંતુ ખોટા હાથોમાં જાય તો તે ગંભીર ખતરો બની શકે છે.


