| iFixit |
EU New Battery Rule: આજે મોટાભાગના સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ સીલ્ડ ડિઝાઇન એટલે કે એને ખોલી નહીં શકાય એવા હોય છે. એમાં બેટરી અંદર ગ્લૂથી ફિટ કરેલી હોય છે અને તેને કાઢવી કે બદલવી મુશ્કેલ બને છે. આ માટે જે-તે કંપનીના સ્ટોરમાં જવું પડે છે. જોકે હવે આ સ્થિતિમાં 2027થી મોટો ફેરફાર આવી શકે છે. યુરોપિયન યુનિયનના નવા બેટરી નિયમો અનુસાર, ફોન, ટેબ્લેટ અને કોર્ડલેસ મોબાઇલ ફોનને એવી રીતે ડિઝાઇન કરવાના રહેશે કે જેમાં બેટરીને ડિવાઇસમાંથી તેને નુકસાન પહોંચાડ્યા વગર સરળતાથી કાઢી અને બદલી શકાય. આ નિયમ 18 ફેબ્રુઆરી, 2027થી અમલમાં આવશે અને છેલ્લા દાયકાથી ચાલતી સીલ્ડ ડિઝાઇનની પદ્ધતિમાં મોટો ફેરફાર જોવા મળશે.
EU બેટરી નિયમ: શું છે ફરજિયાત?
નવા નિયમોમાં બેટરી ડિઝાઇન અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. એમાં બેટરી રિમૂવેબલ અને રિપ્લેસેબલ હોવી જરૂરી રહેશે. એટલે કે યુઝર્સ તેને સરળતાથી કાઢી શકે અને નવી બેટરી સાથે બદલી શકે. તે પણ ડિવાઇસની કામગીરી અથવા સુરક્ષા પર અસર કર્યા વગર. પહેલાંના સમયમાં નોકિયા ફોનમાં જે રીતે બેટરી બદલવામાં આવતી હતી એ જ રીતે હવે આઇફોન અને એન્ડ્રોઇડમાં પણ બદલી શકાશે.
આ માર્ગદર્શિકા હેઠળ યુઝર્સ માટે આ પ્રક્રિયા સામાન્ય રીતે ઉપલબ્ધ ટૂલ્સથી અથવા કોઈ ટૂલ વગર શક્ય હોવી જોઈએ. કંપનીઓ ખાસ અથવા પ્રોપ્રાયટરી ટૂલ્સનો ઉપયોગ ફરજિયાત બનાવી શકશે નહીં. જો આ ટૂલ મફતમાં આપવામાં આવે તો વાત અલગ છે. એટલે કે યુઝર્સને સર્વિસ સેન્ટર પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. નિયમોમાં એન્ડ યુઝર એટલે કે સામાન્ય વયસ્ક વ્યક્તિ જેમને ટેક્નિકલ ટ્રેનિંગ ન હોય એ પણ બેટરી બદલી શકે તેવો ઉદ્દેશ છે. જોકે આ પ્રક્રિયા જૂના જમાનાના ફીચર ફોન જેવી સરળ ન પણ હોય શકે. કેટલાક કેસમાં જેમ કે લાઇટ ટ્રાન્સપોર્ટ ડિવાઇસની બેટરી માટે, સ્વતંત્ર પ્રોફેશનલ દ્વારા બદલવાની મંજૂરી રહેશે. આવા સમયે જરૂરી ટૂલ્સ યોગ્ય અને વાજબી કિંમતે ઉપલબ્ધ કરવા પડશે.
કઈ ડિવાઇસ પર પડશે અસર?
આ નિયમ મુખ્યત્વે મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન અને ટેબ્લેટ્સ પર લાગુ પડશે. ખાસ કરીને એવા ડિવાઇસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં બેટરી હાલ ગ્લૂ અથવા સીલ્ડ હોય છે. મોટાભાગના દરેક મોબાઇલ ફોનનો એમાં સમાવેશ કરવામાં આવે છે.
માત્ર રિપેર નહીં, એનાથી પણ ઘણું
આ નિયમ માત્ર રિપેર સુધી મર્યાદિત નથી. તેમાં બેટરીના સલામત ઉપયોગ અને યોગ્ય નિકાલ માટે પણ નિયમો સામેલ છે. મુખ્ય ઉદ્દેશ બેટરી વેસ્ટ ઘટાડવો અને સમગ્ર જીવનચક્ર દરમિયાન તેની યોગ્ય મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવી છે. આથી ફક્ત બેટરી રીમૂવેબલ અથવા તો રિપ્લેસેબલ હોવું પૂરતું નથી. આ સાથે જ કંપનીઓ હવે મોબાઇલ સીલ્ડ નહીં હોય તો તેને વોટરપ્રૂફ કેવી રીતે બનાવશે એ પણ હવે એક સવાલ છે.
ક્યારે લાગુ થશે નિયમ?
EU બેટરી નિયમ ઓગસ્ટ 2023થી અમલમાં આવ્યો છે, પરંતુ તેની વિવિધ જોગવાઈઓ તબક્કાવાર લાગુ થશે. બેટરીને કાઢી અને બદલી શકાય તે અંગેનો નિયમ 18 ફેબ્રુઆરી, 2027થી લાગુ થશે. આથી ત્યાં સુધીમાં દરેક કંપનીએ તેમના મોબાઇલમાં આ બદલાવ કરવો પડશે. જો એ કરવામાં ન આવે તો એ મોબાઇલ બેન થઈ શકે છે.
ભારત પર શું પડશે અસર?
આ નિયમ યુરોપિયન યુનિયન માટે લાગુ પડે છે, તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે. કંપનીઓ સામાન્ય રીતે અલગ-અલગ માર્કેટ માટે અલગ ડિઝાઇન બનાવવાનું ટાળે છે. આવું જ USB-C ચાર્જિંગ પોર્ટ સાથે પણ થયું હતું. EUના નિયમ બાદ કંપનીઓએ વૈશ્વિક સ્તરે આ સ્ટાન્ડર્ડ અપનાવ્યો હતો, અને પછી ભારતે પણ સમાન નિયમ લાગુ કર્યો હતો. આથી શક્ય છે કે ભારતમાં પણ આવનારા સમયમાં આવા ફોન જોવા મળે, જેમાં બેટરી સરળતાથી બદલી શકાય.
EUનો આ નવો નિયમ માત્ર કાનૂની ફેરફાર નથી, પરંતુ ડિવાઇસ ડિઝાઇનમાં એક મોટો બદલાવ સાબિત થઈ શકે છે. યુઝર્સ માટે તેનો અર્થ થશે કે ભવિષ્યમાં સ્માર્ટફોન વધુ ટકાઉ, રિપેર કરવા સરળ અને લાંબા સમય સુધી ઉપયોગી બનશે.


