સ્પેસમાં ડિનર બાદ એસ્ટ્રોનેટે અચાનક બોલવાની શક્તિ ગુમાવી! ISSના ઈતિહાસમાં પહેલીવાર આવી ઈમરજન્સી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Astronaut Mike Loss Speaking Ability: આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક અંતરિક્ષયાત્રીને ખૂબ જ અજીબ અને ડરામણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચાર વખત સ્પેસમાં જનાર માઇક ફિંકેને રૂટિન ડિનર દરમિયાન બોલવામાં તકલીફ પડી રહી હતી. જોત જોતામાં તેમની બોલવાની ક્ષમતા જતી રહી હતી. તેઓ એક શબ્દ પણ બોલી નહોતા શકતા. આ ઘટના 7 જાન્યુઆરીએ સ્પેસમાં થઈ હતી. તેઓ અંદાજે છ મહિનાથી સ્પેસમાં છે.
માઇક દ્વારા એને એક જોરદાર વિજળીનો ઝાટકો ગણાવ્યો હતો. તેમને કોઈ દુખાવો નહોતો થયો, પરંતુ 20 મિનિટ સુધી તેઓ કંઈ બોલી નહોતા શક્યા. આ ઘટના એટલી ગંભીર હતી કે નાસા દ્વારા આગામી દિવસનું સ્પેસવોક કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. તેમને SpaceX કેપ્સુલ દ્વારા ઇમરજન્સી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 25 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર મેડિકલ ઇમરજન્સી ઇવેક્યુએશન હતું.
ઘટના કેવી રીતે થઈ અને શું અહેસાસ થયો હતો?
માઇક ફિંકે એ સમયે ક્રૂ-11 મિશન પર હતા. તેઓ આગામી દિવસ માટે સ્પેસવોકની તૈયારી કરી રહ્યાં હતાં. ડિનર કરતી વખતે તેમની બોલવાની શક્તિ જતી રહી હતી. તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ અચાનક અને ઝડપથી થયું હતું. તેમને કોઈ દુખાવો નહોતો અને ગળામાં કંઈ ફસાય ગયું હોય એવું પણ તેમણે મહેસૂસ નહોતું કર્યું.
તેમની સાથે જે અન્ય અંતરિક્ષયાત્રી હતા તેમને સમજાઈ ગયું કે કંઈ ગંભીર થયું છે અને તેમણે તરત જ ગ્રાઉન્ડ કન્ટ્રોલને આ વિશે સૂચના આપી હતી. ફ્લાઇટ સર્જન્સ દ્વારા તરત જ નક્કી કરવામાં આવ્યું કે મિશનને ચાલુ રાખવું ખતરનાક સાબિત થઈ શકે છે. આથી તેમનું સ્પેસવોક કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. ક્રૂના દરેક સભ્યને પૃથ્વી પર પાછા લઈ આવવાનું નક્કી કરવામાં આવ્યું. 20 મિનિટ બાદ માઇકની બોલવાની શક્તિ પાછી આવી ગઈ હતી, પરંતુ નાસા દ્વારા કોઈ જોખમ ન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પૃથ્વી પર પાછા આવ્યા બાદ શું થયું?
માઇક ફિંકે જ્યારે પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે ડોક્ટર દ્વારા તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા તો ગળું દબાઈ જવું વગેરેમાંથી કોઈ બીમારી જોવા મળી નહોતી. MRI અને અન્ય ટેસ્ટ પણ નોર્મલ આવ્યા હતા. ડોક્ટર્સ હજી સુધી કોઈ કારણ જાણી શક્યા નથી. માઇક કુલ 549 દિવસ સ્પેસમાં રહ્યા છે અને એનાથી તેમના શરીર અથવા તો દિમાગ પર કોઈ અસર તો નથી થઈને એના કારણે કોઈ નવી મુશ્કેલી આવી શકે છે કે નહીં એ જોવું રહ્યું. નાસા હવે તેમના જૂના ડેટા પણ શોધી રહી છે જેમાં કોઈ દ્વારા આ વિશે રિપોર્ટ ન કરવામાં આવ્યો હોય, પરંતુ આવી ઘટના ઘટી હોય તો એ વિશે જાણી શકાય. માઇક એને એક સામાન્ય બાબત તરીકે જોઈ રહ્યા છે, પરંતુ ડોક્ટર દ્વારા એને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે.
આ પહેલી વાર થયું છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી કોઈને મેડિકલ કારણસર પૃથ્વી પર લાવવામાં આવ્યા હોય. આ પહેલાં ક્યારેય આવું નથી થયું. માઇક ફિંકે ખૂબ જ અનુભવી અંતરિક્ષયાત્રી છે. તેઓ રિટાયર્ડ એરફોર્સ કર્નલ છે. તેઓ ચાર વખત સ્પેસમાં જઈ ચૂક્યા છે. જોકે લાંબા સમય સુધી માઇક્રોગ્રેવિટીમાં રહેવાથી શરીર અને દિમાગ પર શું અસર પડી શકે છે એ હજુ સુધી સંપૂર્ણ રીતે જાણવા મળ્યું નથી.
નાસા હવે આ વિશે ખૂબ જ ચિંતિત છે કારણ કે ચંદ્ર અને મંગળ ગ્રહના લાંબા મિશનની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યાંની મુસાફરી અને ત્યાં રહેવા માટેનો સમય બન્ને ખૂબ જ લાંબો હોઈ શકે છે. જો સ્પેસમાં રહેવા માટે આ પ્રકારના ન્યુરોલોજિકલ અને ફિઝિયોલોજિકલ બદલાવ જોવા મળી શકે તો ભવિષ્યના મિશન માટે નાસા દ્વારા નવી તૈયારીઓ કરવી જરૂરી બનશે.
માઇક્રોગ્રેવિટીમાં લાંબા સમય સુધી રહેવામાં શું જોખમ છે?
સ્પેસમાં લાંબો સમય રહેવાથી હાડકાં નબળાં પડી જાય છે. માંસપેશીઓ પણ સંકોચાઈ જાય છે. આંખ પર દબાણ આવતું હોય છે. હવે બોલી ન શકવાની જેવી અજીબ સમસ્યા પણ સામે આવી છે. ડોક્ટર હવે વિચારી રહ્યા છે કે વેઇટલેસનેસ હોવાથી દિમાગમાં બ્લડ ફ્લો અથવા તો નર્વ સિસ્ટમમાં કોઈ ટેમ્પરરી ગડબડ તો નથી થતીને.
આ ઘટના નાસાને આ વાતનો સંકેત આપે છે કે સ્પેસ હજી પણ ખૂબ જ અજાણ્યું અને ખતરનાક છે. માઇક ભલે સાજા થઈ ગયા હોય, પરંતુ આ ઘટનાથી એ વાત પણ સામે આવે છે કે લાંબા સમયના મિશનથી સ્વાસ્થ્ય પર જોખમ આવી શકે છે. આ માટે નાસા હવે વધુ સાવધાની રાખી રહ્યું છે. ભવિષ્યમાં અંતરિક્ષયાત્રીઓના સ્વાસ્થ્યને વધુ સારું રાખવા માટે નાસા દ્વારા એ વિશે ઘણી યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.









