Sahiyar

હાઈ કેલરી ખોરાકની સારી નરસી બે બાજુ: જરૂરી પોષણ અને આરોગ્ય સામે જોખમ

By GS Team
20 Jul 20264 mins read
હાઈ કેલરી ખોરાકની સારી નરસી બે બાજુ: જરૂરી પોષણ અને આરોગ્ય સામે જોખમ

વધુ કેલરી ધરાવતા ખોરાકમાં રહેલા કોલેસ્ટરોલની માનવ શરીરમાં મહત્વની કામગીરી હોય છે. કોષોની પરસ્પર કામગીરીથી લઈને સેલ નષ્ટ થવા સુધી અને સેલની પ્રવાહિતા સુધારવાથી લઈને એસ્ટ્રોજેન અને ટેસ્ટોટરોન જેવા સ્ટેરોઈડ હોર્મોન્સના પુરોગામી તરીકે કામ કરવા સુધી કોલેસ્ટરોલ મહત્વની ભૂમિકા નિભાવે છે.
જો કે આહારમાંથી મળતા કોલેસ્ટરોલને વિશ્વભરમાં હૃદયરોગની સમસ્યા માટે જવાબદાર માનવામાં આવે છે. પિઝ્ઝા અને બર્ગર જેવા વધુ કોલેસ્ટરોલ ધરાવતા ખોરાક સેચ્યુરેટેડ ફેટી એસિડથી પણ યુક્ત હોય છે જે હાયપરટેન્શન અને ડાયાબીટીસ જેવી અન્ય બીમારીઓ સાથે હૃદયરોગની સંભાવના પણ બમણી કરે છે.
આમ છતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે દૂધ, પનીર, ચીઝ, દહીં જેવા વધુ કોલેસ્ટરોલ ધરાવતા આહારમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો પણ હોય છે. છતાં પણ આવા ખોરાકનું જ્યારે વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે ત્યારે તે ધમનીઓની દિવાલોમાં જમા થાય છે અને ઉપર જણાવેલ બીમારીઓના જોખમમાં વધારો કરે છે. આવું ન થાય તેના માટે વધુ કોલેસ્ટરોલ ધરાવતો ખોરાક ખાધા પહેલા અને પછી કેટલીક તકેદારી રાખવી જોઈએ જેથી તેની જોખમી અસરો ઓછી કરી શકાય અને તેના પોષક તત્વોના લાભ પણ મળી રહે.
કરવા યોગ્ય બાબતો
-નવશેકું પાણી પીવું
પાચન તંત્રનું સ્વાસ્થ્ય જાળવી રાખવા આંતરડામાં રહેલા બેક્ટેરિયાનું સંતુલન જરૂરી છે. એક અભ્યાસ મુજબ હુંફાળું પાણી પીવાથી આંતરડાના માયક્રોબાયોટાની વૃદ્ધિ પર સકારાત્મક અસર થાય છે જે આંતરડાના સ્વાસ્થ્યમાં વિક્ષેપ પાડયા વિના વધુ કોલેસ્ટરોલ ધરાવતા ખોરાકના પાચનમાં સહાય કરે છે.
-કેલરીનો વપરાશ કરવો
વધુ કોલેસ્ટરોલ ધરાવતા ખોરાકના સેવન પછી લગભગ ત્રીસ મિનિટ સુધી ચાલવાથી, પગથિયા ચડવાથી અથવા કોઈપણ શારીરિક ક્રિયા કરવાથી પેટનું સ્વાસ્થ્ય સુધરશે જે પાચનક્રિયામાં સહાય કરશે. તેનાથી શરીરનું વજન પણ નિયંત્રણમાં રહેશે.
-ડીટોક્સ પાણી પીવા
સીસ્ટમ સાફ કરવા ડીટોક્સ પીણા ઉત્તમ ઉપાય છે. તેનાથી હાનિકારક ટોક્સિન નષ્ટ થાય છે, પ્રતિરોધક ક્ષમતા વધે છે, ઊર્જાના સ્તરમાં વૃદ્ધિ થાય છે અને પાચન ક્રિયામાં સુધારો થાય છે. ઘરે જ ડીટોક્સ પાણી તૈયાર કરી શકાય છે. સાદા પાણીને લીંબુ અને આદુ સાથે અથવા કાકડી અને ફુદીના સાથે તેમજ સંતરા અને લીંબુ અથવા સફરજન અને તજ સાથે ભેળવવાથી ઘર બેઠા ડીટોક્સ પાણી તૈયાર કરી શકાય છે.
-કોલેસ્ટરોલ પછીનો આહાર ફળો અને શાકભાજી યુક્ત હોવો જોઈએ
વધુ કોલેસ્ટરોલ ધરાવતા ખોરાકના સેવન પછી શાકભાજી, ફળો, કઠોળ જેવા આરોગ્યપ્રદ ડાયટ લઈ શકાય. કોલેસ્ટરોલના સ્તર નિયંત્રણમાં રાખવાનો અને લિપિડ પ્રોફાઈલ સુધારવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. આથી જ જન્ક ફૂડનો આવેગ ટાળવા આહારનું પૂર્વઆયોજન જરૂરી છે.
-પ્રોબાયોટીક્સનું સેવન કરવું
પ્રોબાયોટીક્સ એવા સુક્ષ્મ જીવાણુઓ છે જે આંતરડામાં રહેલા બેક્ટેરિયાને ટેકો આપીને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. દહીં, કેફિર અને કિમચી જેવા ખોરાકમાં કુદરતી પ્રોબાયોટીક્સ હોય છે. જો કે પેટ અને આંતરડા પર બહેતર અસર થાય તેના માટે પ્રોબાયોટીક્સ ખોરાક પહેલા અથવા પછી લેવાની ભલામણ કરવામાં આવી હોવા છતાં તેને કોઈપણ સમયે લેવાથી પણ સકારાત્મક અસર થાય છે.
-ગ્રીન ટીનું સેવન કરવું
એક અભ્યાસ મુજબ ગ્રીન ટીના સેવનથી શરીરમાં ફરતા કુલ કોલેસ્ટરોલમાં ઘટાડો થાય છે જેના પરિણામે તેની સાથે સંકળાયેલી હૃદયરોગની સમસ્યા નિવારી શકાય છે. કોલેસ્ટરોલના સ્તર નીચા રાખવા માટે દૈનિક આહારમાં ગ્રીન ટી સામેલ કરવાનો ઉપાય ઉત્તમ છે. ગ્રીન ટીમાં રહેલા સક્રિય પોલીફેનોલ્સ ભારે ખોરાક ખાધા પછી પાચનક્રિયામાં સહાય કરે છે.
-પૂરતી ઊંઘ કરવી
ભોજન કર્યા પછી તુરંત ઊંઘી જવું હિતાવહ ન હોવા છતાં શરીરમાં ભ્રમણ થતા એચડીએલનું સ્તર ઓછું કરવું પણ જરૂરી છે. એક અભ્યાસ મુજબ અપૂરતી ઊંઘ કરવાથી કોલેસ્ટરોલ ચયાપચયમાં સંડોવાયેલા પથમાં જીનના સ્તરમાં ફેરફાર થાય છે. આથી એકંદર આરોગ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે, ખાસ કરીને હૃદયરોગની સમસ્યા નિવારવા યોગ્ય ઊંઘ જરૂરી છે.
કઈ બાબતો ટાળવી
-ભોજન પછી તુરંત ન ઊંઘવું
ઉચ્ચ કોલેસ્ટરોલયુક્ત ભારે ખોરાક ખાધા પછી ટૂંક સમયમાં ઊંઘી જવું પાચન તંત્ર તેમજ એકંદર આરોગ્ય બંને માટે જોખમી છે. એમ કરવાથી પેટમાં રહેલો ખોરાક પાચન માટે આંતરડા સુધી નથી પહોંચતો અને પછી છાતીમાં બળતરા, ગેસ્ટ્રીક અને અપચો થાય છે. એમ કરવાથી વજન પણ વધે છે. નિષ્ણાંતોના મતે ભોજન અને ઊંઘવાના સમય વચ્ચે ઓછામાં ઓછો ત્રણ કલાકનો તફાવત રાખવો જરૂરી છે.
-ઠંડા પીણા ટાળો
એક તરફ હુંફાળું પાણી પાચન ક્રિયામાં સહાય કરે છે તો બીજી તરફ ઠંડુ પાણી અથવા આઈસક્રીમ અથવા ઠંડા પીણા જેવી વસ્તુઓ ગટ માયક્રોબાયોટામાં ફેરફાર કરીને આંતરડાની પ્રતિરોધકતા ઘટાડે છે. આથી ઉચ્ચ કોલેસ્ટરોલયુક્ત ખોરાક સાથે ઠંડા પીણા પાચન ક્રિયાને વધુ મુશ્કેલ બનાવે છે.
-માદક પીણા ટાળો
ભારે ખોરાક પછી દારૂ જેવા માદક પીણા શરીરમાં કેલરી વધારતા હોવાથી વજન વધે છે. ઉપરાંત અનિયંત્રિત મદિરા સેવન પાચન ક્રિયામાં દખલ કરીને હૃદયરોગનું જોખમ વધારે છે.
આમ થોડી તકેદારી રાખવાથી ઉચ્ચ કોલેસ્ટરોલયુક્ત ખોરાકનો લાભ પણ મેળવી શકાય છે અને તેનાથી થતા જોખમો ઘટાડી શકાય છે. જો કે જેમને ડોક્ટરોએ વધુ કોલેસ્ટરોલયુક્ત ખોરાકની મનાઈ કરી હોય તેમણે આવા ખોરાકથી દૂર રહેવામાં જ શાણપણ છે.