મોડર્ન ઓફિસો-બેન્કોમાં વેસ્ટર્ન સ્ટાઈલનો પોશાક વધુ પ્રચલિત બન્યો

શું મુંબઈ કે શું અમદાવાદ… મલ્ટીનેશનલ કંપની કે મોટી બેન્કમાં નોકરી કરતી અને એક્ઝિક્યુટિવ પોસ્ટ ધરાવતી સ્ત્રીએ ઓફિસમાં કેવાં કપડાં પહેરીને જવું એ સમસ્યા તેને કાયમ કોરી ખાતી હોય છે.
અત્યાર સુધી આપણે ત્યાં આ બાબતમાં બહુ સિમ્પલ સોલ્યુશન હતું. સાડી, સાડી અને સાડી. પાવર ડ્રેસિંગ એટલે પ્યોર સિલ્ક કે હાઈ ક્વોલિટી કોટનની કડક સાડી. ફ્રોક કે સ્કર્ટ પહેરીને જતી સ્ત્રી માટે આપોઆપ માની લેવાય કે એ સેક્રેટરી કે કલાર્ક કે એવી જ કોઈ સામાન્ય પ્રકારની નોકરી કરતી હશે. સલવાર-કમીઝ એ સાડી અને સ્કર્ટની વચ્ચેની કેટેગરીમાં આવતો ડ્રેસ હતો. ક્યારેક લઘરવઘર લાગે તો ક્યારેક પ્રભાવશાળી. પણ કોઈ ગેરન્ટી નહીં, પરંતુ ગંભીર જવાબદાર વ્યક્તિ તરીકેની છાપ પાડવી હોય તો સરખી રીતે પહેરેલી કડક ઈસ્ત્રીવાળી સાડી, સારા સેન્ડલ, થોડા ઘણાં આભૂષણ અને લાઈટ મેકઅપ… બસ કામ થઈ ગયું!
આજે પણ સાડી એના સ્થાન પરથી હલી નથી અને ખૂબ શાલીન ડ્રેસ તરીકે એ સદાકાળ, સર્વમાન્ય રહેવાની જ છે. પરંતુ અત્યારે ઉચ્ચ પોસ્ટ પર આવતી યુવાન સ્ત્રીઓ થોડા પ્રેક્ટિકલ ડ્રેસિંગ તરફ વળી રહી છે. પહેરવા કે સાચવવામાં તકલીફ ન પડે, એકથી બીજી જગ્યાએ દોડાદોડી કરવામાં અડચણ ન પડે અને સવારથી સાંજ સુધી સ્માર્ટ લાગે એવાં કપડાંની જરૂરત એને વર્તાય છે.
અહીં જીન્સ અને ટી શર્ટ ન ચાલે. તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એડવર્ટાઈઝિંગ કે જર્નાલિઝમ જેવાં ક્ષેત્રમાં હો તો પહેરવેશ બાબતમાં થોડી છૂટછાટ લઈ શકો. અહીં તો લોકો ત્રણ-ચાર દિવસ સુધી એકનું એક જીન્સ પહેરીને આવે કે પછી ટાઈટ્સ અને સ્લીવલેસ ટી-શર્ટ પહેરે તો પણ ઓફિસમાં કોઈના પેટનું પાણી હલતું નથી. પરંતુ બીજી મોટી કંપની, ઇન્ડસ્ટ્રીની વાત જુદી છે. ઓફિસર, મેનેજર કે વાઈસ પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળતી સ્ત્રીનાં કપડાં એવાં હોવાં જોઈએ કે વગર બોલે લોકો તેની સત્તા સ્વીકારી લે. આ વાતને જ પાવર ડ્રેસિંગ કે સત્તાવાણી પોશાક કહે છે.
અત્યાર સુધી આ વર્ગમાં સાડીની મોનોપોલી હતી. હવે ધીમે ધીમે જેકેટ્સ, પેન્ટ-સૂટ, સ્કર્ટ-સૂટ આવવા લાગ્યા છે.
સ્ત્રીઓ હવે શોલ્ડર બેગ અને ઓઢણીની જગ્યાએ ટાઈ અને બ્રિફકેસ અપનાવતી થઈ ગઈ છે. એનો અર્થ એવો નથી કે સ્ત્રીઓ પુરુષ જેવા કપડાં પહેરવા લાગી છે. સ્કર્ટ-સૂટ અને સ્કાર્ફ પહેરીને ઓફિસમાં જતી સ્ત્રી જેટલી પાવરફૂલ લાગે છે એટલી જ ફેમિનાઈન પણ દેખાય છે.
આમાં ક્યા રંગ પહેરવા? વ્હાઈટ, સાલ્મન પિંક, સ્કાય બ્લ્યૂ અને ગ્રે કલરનો ઉપયોગ ઓફિસ વેર તરીકે થાય છે અને આ ચાર રંગ એવા છે જે લગભગ દરેક વ્યક્તિ પર સારા લાગે છે. અને હા, બેસ્ટ ઓફિસ કલર તરીકે તો ગઈ કાલે અને આજે પણ વ્હાઈટ કલરની જ દાદાગીરી છે. માત્ર વ્હાઈટ પહેરાય કે બીજા કોઈ પણ કલર સાથે તેને મિક્સ એન્ડ મેચ કરી શકાય. પણ અહીં સૌથી મોટી તકલીફ એ છે કે શહેરનાં ધૂળિયાં, પ્રદૂષિત વાતાવરણમાં અને પરસેવાથી રેબઝેબ થતા શરીર પર સફેદ કપડાંની સફેદી બહુ લાંબો સમય ટકતી નથી અને મેલાં કપડાં તમારી આબરૂ પર પણ ડાઘા પાડે છે. સોલિડ કલરના પ્લેઈન કપડાં વધુ સેફ છે.
તમે ચાહો તો તેની સાથે સ્કાર્ફ પહેરી શકો. આપણે ત્યાં હજુ તેનું ઓછું ચલણ છે. પરંતુ ગમે તેવા ડલ સ્કર્ટ-બ્લાઉઝ, ડ્રેસ કે પેન્ટ-સૂટ પર માત્ર એક સ્કાર્ફ પહેરવાથી વ્યક્તિનો દેખાવ બદલાઈ જાય છે.
ટૂંકીને ટચ વાત એ છે કે ઓફિસમાં પાવર ડ્રેસિંગના પોત હેઠળ પાશ્ચાત્ય પોશાક વધુ પ્રચલિત બન્યો છે.
પાશ્ચાત્ય ઢબનાં પોષાકમાં ભારતીય નારી કેટલી સલામતી અનુભવે છે? ભારતીય ઓફિસમાં પાશ્ચાત્ય પોષાક કેટલો સગવડદાયક સાબિત થાય છે? પાશ્ચાત્ય પરિધાન અંગે ભારતીય નારીના પ્રત્યાધાકો કેવા છે?
પાશ્ચાત્ય કપડાં પહેરવા ડ્રેસ પહેરવા એનો આધાર દરેક વ્યક્તિ પર છે, પરંતુ મને તો પંજાબી સૂટ જ વધુ પસંદ છે. એક તો પંજાબી સૂટમાં અંગ પૂરેપૂરું ઢંકાઈ જાય છે. બીજું હલનચલન તેમ જ ઊઠવા-બેસવામાં સરળતા પડે છે. આજે આપણા દેશમાં સલવાર-કમીઝ સામાન્ય પોશાક ગણાય છે. સ્કર્ટ પહેર્યું હોય તો ઘૂંટણ તો દેખાતા નથી આ પ્રશ્ન સદાય મનને કોતરતો રહે છે અને કેટલીક વાર ડ્રેસ પ્રત્યેની સજાગતાની અસર કામ પર પણ પડે છે. 'પબ્લિક રિલેશન ઓફિસર સરિતા દવે કહે છે. એક જાણીતી બેન્કની અમદાવાદ શાખામાં ફરજ બજાવતી માલિની કહે છે, ''હું તો હંમેશા સાડી જ પહેરું છું. પરંતુ મને લાગે છે કે સાડી કરતાં પણ પંજાબી ડ્રેસ વધુ આરામદાયક છે. અમારી બેન્કમાં હંમેશા જ ખાતેદારોની અવરજવર ચાલુ જ હોય છે. અને પંજાબી સ્યૂટ પહેર્યો હોય તો છેડો સરકવાનો તેમ જ પાટલી અવ્યવસ્થિત થવાનો ડર રહેતો નથી. પંજાબી ડ્રેસ પહેરીએ એટલે આ બધી માથાકૂટમાંથી છૂટકારો મળે. અમારી બેન્કમાં પાશ્ચાત્ય પોષાક કોઈ પહેરતું જ નથી. મારા અભિપ્રાય મુજબ ઓફિસમાં સ્કર્ટ બ્લાઉઝ કે જીન્સ પરિધાન કરવા યોગ્ય નથી. જ્યારે સુરતમાં સ્કૂલ શિક્ષિકાની ફરજ બજાવતી કામિની કહે છે, ''ખરું પૂછો તો મને સ્કર્ટ જ વધારે ગમે છે. જોકે મારા ઘરમાંથી મને સ્કર્ટ પહેરવાની મનાઈ છે. એટલે મારે સલવાર-કમીઝ જ પહેરવો પડે છે. મારે હિસાબે ઢીલું લાંબુ સ્કર્ટ ઉપર ચઢી જવાનો ડર રહેતો નથી. અમારે નાનાં છોકરાઓને સંભાળવાના હોય એટલે આખો વખત ઊઠબેસ કરવી પડે એ સ્વાભાવિક છે. આથી સલવાર ફાટવાનો ડર રહે છે. ઉપરાંત વારેઘડીએ છોકરાઓ દુપટ્ટો ખેંચે એટલે દુપટ્ટામાં ભેરવેલી પીનને કારણે દુપટ્ટો અને કમીઝ ફાટી જવાનો સંભવ રહે છે. ઓફિસમાં સાડી પહેરવી વ્યવહારુ નથી. મને તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ સાડી પહેરવી ગમે. સાડી જાજરમાન પોશાક જરૂર છે. પરંતુ સાડી સાચવણી પણ વધુ માગી લે છે. આ ઉપરાંત વરસાદની મોસમમાં પણ પંજાબી સ્યૂટ અને સાડી કરતાં સ્કર્ટ વધુ લાભદાયક ઠરે છે.'
મુંબઈની એક ગુજરાતી સ્કૂલમાં શિક્ષિકાની ફરજ બજાવતી નયના દેસાઈ કહે છે, ''ગુજરાતી સ્કૂલ હોવાને કારણે અમારી શાળામાં ફરજિયાત સાડી પહેરવાનો નિયમ છે. તો પછી પાશ્ચાત્ય પદ્ધતિનાં કપડાંનો તો વિચાર જ ન થઈ શકે. હું એ પણ માનું છું કે સાડી એ ભારતીય નારીનો ખાસ કરીને હિંદુ નારીઓનો વર્ષો જૂની સમાજની માન્યતા ધરાવતો પોષાક છે. પરંતુ આજના જમાનામાં સાડી જ પહેરીને સ્કૂલે કે ઓફિસમાં આવવાનો કાયદો વધુ પડતો લાગે છે. મારો અભિપ્રાય પૂછો તો હું તો વધુ આરામદાયક પોષાક તરીકે પંજાબી સ્યૂટને જ પસંદગી આપીશ. અમે શિક્ષિકાઓ અમારી જવાબદારી સમજીએ છીએ. આથી અર્ધું અંગ ખુલ્લુ રાખીને તો અમે સ્કૂલમાં આવવાના નથી. તો પછી આવી સરમુખત્યારશાહી શા માટે? મને જો છૂટ આપવામાં આવે તો હું પંજાબી ડ્રેસ પહેરીને જ શાળામાં હાજરી આપું. બહાર જતી વખતે હું જીન્સ કે સ્કર્ટ પહેરવાનું પસંદ કરું છું. પરંતુ શાળામાં તો પંજાબી સ્યૂટ જ પહેરવાનું પસંદ કરું છું. મોટા ભાગની ઓફિસોમાં સ્ત્રી કર્મચારીઓ સાડી કે સલવાર કમીઝમાં જ જોવા મળે છે.
શાળા કે દેશી પેઢી સિવાય હવે લગભગ દરેક કંપનીઓમાં જીન્સ કે સ્કર્ટ-બ્લાઉઝને નોકરિયાત મહિલાના પરિધાન તરીકે માન્યતા મળી છે. જોકે ભારતીય પોષાક પરિધાન કરેલી નારીને ગંભીરતાથી લેવામાં આવે છે.
શારદા બહેનનો અભિપ્રાય જુદો છે : ક્લાયન્ટ સાથેની મિટિંગમાં હું હંમેશા સલવાર-કમીઝ પહેરવાનો આગ્રહ રાખું છું. જેથી કરીને મારા વિશે ખોટી ધારણા બાંધવાનો અવકાશ જ મળતો નથી.
બધી વાતનો સાર એ છે કે પંજાબી સૂટ કે સલવાર-કમીઝ યા સાડી વધુ સગવડદાયક અને સંસ્કારી લાગતા હોવા છતાં વધુ ને વધુ નોકરિયાત યુવતીઓ કોર્પોરેટ પાવર ડ્રેસિંગની પક્કડમાં આવતી જાય છે.









