Sahiyar

વાર્તા : એ વરસાદી રાત

By GS Team
6 Jul 202610 mins read
વાર્તા : એ વરસાદી રાત

વંશ આગળ બોલે તેનાથી પહેલા મિતાલીએ વંશ સામે હાથ જોડીને કહ્યું, ''વંશ, અહીં જ અટકી જાઓ. આગળ કાંઇ ન બોલતા. તમને મારા સમ. '' પણ વંશનો ઉશ્કેરાટ ન શમ્યો. તેણે પોતાની વાત આગળ ચલાવી, ''તમે મિતાલીને જ પૂછો કે જે રાત્રે હું તમને લગ્ન ફોક કરવાનું કહેવા આવ્યો તે રાત્રે તે કોના આલિંગનમાં હતી?
મેઘરાજા આજે મન મુકીને વરસી રહ્યાં હતા. ધારે ધારે વરસતા વારિ સાથે થતો વાદળોનો ગડગડાટ અને વારંવાર ચમકતી વીજળી સારંગીને ચિંતિત બનાવી રહી હતી. જોરશોરથી ફુંકાઇ રહેલા પવનને કારણે સારંગીએ ઘરની બધી બારીઓ બંધ કરી દીધી હતી. તેણે ટીક્ ટીક્ કરતી ઘડિયાળ સામે જોયું. દસ વાગવા આવ્યા હતા.
''હજી સુધી સુબોધ આવ્યો કેમ નહીં? મીતાલીના ઘરનો રસ્તો તો માત્ર અડધા કલાકનો છે. મુશળધાર વરસાદમાં તેને કાંઇ થયું તો નહીં હોય ને?'' સારંગીના મનમાં અમંગળ વિચાર ઝબકી ગયો. પછી પોતાના વિચાર પર પસ્તાતી હોય તેમ તેણે મનને ટપાર્યું. તે સ્વગત જ બોલી, ''ના ના, મારે આવા વિચાર શા માટે કરવા જોઇએ. આવા ધોધમાર વરસાદમાં સુબોધને ઘરે પહોંચતા વાર લાગે તે સ્વાભાવિક છે. આવી જશે.''
સારંગી આતુરતાપૂર્વક સુબોધના પાછા ફરવાની રાહ જોઇ રહી હતી. વળી તેણે વિચાર્યું, ''આના કરતાં તો મિતાલીને જ અહીં રોકી લીધી હોત તો? આમેય કોણ છે એની રાહ જોનારું. નક્કામો ધક્કો ખવડાવ્યો સુબોધને આવા ધારે ધારે વરસતા વરસાદમાં.'' તેણે ફરી ઘડિયાળમાં જોયું ત્યાં ડોરબેલ રણકી ઉઠી. સારંગી દરવાજો ખોલવા દોડી. તેણે કમાડ ઉઘાડયાં તો સામે સુબોધને બદલે વંશ ઊભો હતો. સારંગીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, ''વંશ, તું અહીંયા? આટલી રાત્રે? અને તારો ચહેરો કેમ આટલો બધો ઉતરી ગયો છે? કોઇ પ્રોબ્લેમ છે? અંદર આવીને બેસ.'' પણ વંશે સારંગીના એકે પ્રશ્નનો ઉત્તર ન વાળ્યો. તે ફક્ત એટલું જ બોલ્યો. ''ભાભી, મિતાલીને એક સંદેશો આપવાનો છે.'' ''ઓહો, તો એમ કહે ને કે તારી વાગદત્તા સાથે વાત કરવાની છે. મિતાલી સાથે વાત કરવામાં હવે મારી શી જરૂર છે. તું સીધો જ એના ઘરે ચાલ્યો જા. અથવા ફોન કરી લે.''
''મિતાલીના ઘરે જવાનો તો પ્રશ્ન જ નથી ભાભી. હું તો એની જિંદગીમાંથી જઇ રહ્યો છું. તમે ફક્ત એને એટલું કહી દેજો કે હવે હું તેની સાથે લગ્ન કરવા નથી માગતો.'' વંશ ભારે સ્વરે બોલ્યો. ''વંશ, તને ભાન છે કે તું શું બોલી રહ્યો છે? આવતા અઠવાડિયે તમારા લગ્ન છે. ઇન્વિટેશન કાર્ડ છપાઇ ગયાં છે. હોલ બુક થઇ ગયો છે. લગ્નની ખરીદી, હનીમુનની હોટલો બુક થઇ ગઇ છે ત્યારે તું અચાનક લગ્ન ફોક કરવાની વાત કરે છે? શા માટે? તારો ઇન્કાર મિતાલીને તોડી નાખશે. સારંગી એકી શ્વાસે બોલી ગઇ.
''ભાભી, હું મિતાલીને શું તોડીશ. તેણે જ મને ભાંગી નાખ્યો છે. હવે મને તેની સાથે કોઇ સંબંધ નથી રાખવો. મહેરબાની કરીને મારો આટલો સંદેશો તેને આપી દેજો.'' આટલું બોલી વંશ ત્યાંથી રવાના થઇ ગયો. આઘાત પામેલી સારંગી સોફામાં ફસડાઇ પડી. ''એવું તે શું થયું કે વંશે લગ્ન કરવાની ના પાડી દીધી? તે છેક છેલ્લી ઘડીએ આવું શી રીતે કરી શકે? વળી તે કોઇ કારણ જણાવવા પણ તૈયાર નથી. તે આવું શી રીતે કરી શકે?'' સારંગીના મનમાં પ્રશ્નોની વણઝાર ચાલી રહી હતી. બંનેએ કેટલી ખુશી ખુશી સગાઇ કરી હતી. કોઇની ઉપર કોઇ જાતનું દબાણ નહોતું. બંનેએ એકબીજાને સમજીને લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. છ મહિના સુધી ચાલેલી સગાઇ દરમિયાન પણ બંને વચ્ચે કોઇ અણબનાવ નહોતો બન્યો. અને હવે આમ છેક છેલ્લી ઘડીએ આખું ચિત્ર બદલાઇ ગયું હતું.
સારંગી ફોન તરફ ફરી. તેણે મિતાલીને ફોન લગાવ્યો. રિસિવર ઊંચકાતા જ સારંગીએ તેને પૂછ્યું, ''તારી અને વંશ વચ્ચે ઝગડો થયો છે મિતાલી?'' મિતાલીને સારંગીના પ્રશ્ન પર આશ્ચર્ય થયું. ''ના, અમે આજે સવારના જ મળ્યા હતા. તે ખુશખુશાલ મિજાજમાં લગ્નની વાતો કરીને અહીંથી ગયો. પણ તું શા માટે આવો સવાલ પૂછે છે? મિતાલીના સ્વરમાં આશ્ચર્ય હતું, પણ તેનો સ્વર એકદમ સપાટ, નિસ્પૃહ જેવો હતો તે ઉશ્કેરાયેલી સારંગી કળી ન શકી. તેણે ચીસ પાડતી હોય એવા સ્વરમાં કહ્યું, ''તો પછી વંશ તમારા લગ્ન ફોક કરવાનું કહેવા અહીં શા માટે આવ્યો હતો?''
પળભર માટે ખામોશી છવાઇ ગઇ. સારંગીથી ન રહેવાયું. તેણે ફરીથી પૂછ્યું, ''તું કાંઇ બોલતી કેમ નથી? પણ તું ચિંતા નહીં કર મિતાલી. સુબોધ આવતો જ હશે. હું તેની સાથે વાત કરું છું. અમે બંને ભેગાં મળીને વંશને સમજાવીશું.''
''નહીં સારંગી, રહેવા દે. તું ચિંતા નહીં કર. જે થઇ રહ્યું છે તે બરાબર થઇ રહ્યું છે. હું પણ લગ્ન કરવા નથી માગતી'' મિતાલીનો સ્વર તદ્દન સપાટ હતો. સારંગીને તેનો જવાબ સાંભળી આઘાત લાગ્યો હતો. જો બંને વચ્ચે કોઇ અણબનાવ નથી થયો તો બેઉ લગ્ન કરવાની ના પાડે, તે પણ એકસાથે? આ શી રીતે શક્ય છે? તેણે ફરી મિતાલીને પૂછ્યું, ''મિતાલી, અહીં વંશ આવીને લગ્ન તોડવાની વાત કરી ગયો. ત્યાંથી તું વિવાહ માટે તૈયાર નથી. તો શું તમારા બંનેમાંથી કોઇ એકની જિંદગીમાં બીજું કોઇ પ્રવેશી ગયું છે?'' સારંગીનો સવાલ મિતાલીને કંપાવી ગયો. પણ તેણે મન મક્કમ કરીને ઉત્તર વાળ્યો. ''સારંગી, તું મારી ચિંતા ન કરતી. મને વંશ અથવા બીજા કોઇ સાથે સંસાર માંડવામાં રસ નથી રહ્યો. હવે હું ફોન મૂકુ છું.'' રિસિવર ક્રેડલ પર મુકાવાનો અવાજ સારંગી સાંભળી રહી. બચપણથી લઇને અત્યાર સુધીના સખીપણામાં સારંગીએ મિતાલીને આટલી નિસ્પૃહ ક્યારેય નહોતી જોઇ. પછી આજે અચાનક આવેલું આ પરિવર્તન પચાવવાનું સારંગી માટે સહેલું નહોતું.
ડોરબેલ વાગતાં સારંગી ફરી દરવાજો ખોલવા ગઇ. સુબોધ આખેઆખો ભીંજાઇ ગયો હતો. તેના કપડાંમાંથી પાણી નીતરી રહ્યું હતું. ''અરે, તમે તો આખા ભીંજાઇ ગયા છો.'' સારંગી બોલી, ''હું તો જતી વખતે જ ભીંજાઇ ગયો હતો.'' કહેતો સુબોધ અર્થપૂર્ણ રીતે હસ્યો. તેના ચહેરા પર અવર્ણનીય આનંદ તરી રહ્યો હતો. પણ સારંગી અત્યંત ચિંતિત દેખાઇ રહી હતી. છતાં તેણે સુબોધને કહ્યું, ''તમે કપડાં બદલી લો. પછી આપણે વાત કરીશું.'' પણ સુબોધે તાત્કાલિક વાત કરવાનો આગ્રહ કર્યો તેથી સારંગીએ કહ્યું, ''વંશ અહીં આવ્યો હતો. તેણે કોઇપણ કારણ જણાવ્યા વગર અચાનક જ મિતાલી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. મેં કારણ જાણવા મિતાલીને ફોન કર્યો હતો. પણ…… '' સારંગી આગળ બોલે તેનાથી પહેલા સુબોધ ગભરાયેલા સ્વરમાં બોલ્યો ''પણ શું સારંગી? મિતાલીએ તને શું કહ્યું?'' ''શું તારી અને મિતાલી વચ્ચે કાંઇ વાતચીત નથી થઇ?'' સારંગીએ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કર્યો. સારંગીના સવાલથી અકળાયેલા સુબોધે ઉશ્કેરાયેલા સ્વરમાં કહ્યું, ''સામો સવાલ પૂછવાને બદલે મને જવાબ આપને કે મિતાલીએ તને શું શું કહ્યું?'' મિતાલીએ પણ વિવાહ કરવાની ના પાડી દીધી. તેણે તો એટલે સુધી કહી દીધું કે મને વંશ અથવા બીજા કોઇ સાથે લગ્ન જ નથી કરવા. સારંગીએ ઉત્તર વાળ્યો. સારંગીની વાત સાંભળી સુબોધ સડક થઇ ગયો. ''સુબોધ, આપણે બંને મળીને બેઉને સમજાવીશું. તેમનું ઘર વસી જશે,'' સારંગીએ સ્વરમાં ઉત્સાહ આણવાનો પ્રયાસ કર્યો. ''એ બંને નાના બચ્ચા નથી. તું એમની વચ્ચે નહીં પડ. એમને વિવાહ કરવા હોય તો કરે. નહીં તો કાંઇ નહીં. તું બંનેને પરાણે શી રીતે પરણાવીશ?'' સુબોધ ઉશ્કેરાયો.
સારંગી અવાક્ થઇ ગઇ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. તે કાંઇ બોલે તેનાથી પહેલા સુબોધ બેડરૂમમાં ગયો. કપડાં બદલી તેણે કબાટમાંથી વ્હિસ્કીની બોટલ કાઢી. ''આટલી મોડી રાત્રે તું પીવા બેસે છે સુબોધ? ડૉક્ટરે તને પીવાની ચોખ્ખી ના પાડી છે એ ભૂલી ગયો?'' ''મને બહુ ટાઢ લાગી રહી છે સારંગી. તું એક કામ કર. મારું જમવાનું ટેબલ પર મુકીને તું સુઇ જા. વંશ-મિતાલી વિશે આપણે સવારના વાત કરીશું.'' વંશ વ્હિસ્કી, સોડા, બરફ અને ચવાણું લઇને સોફા પર બેઠો. સારંગી ના છૂટકે બેડરૂમમાં ગઇ. વંશ-મિતાલીની વાતો યાદ કરતાં કરતાં સારંગીને ક્યારે ઊંઘ આવી તેની તેને ખબર જ ન પડી. સવારના પાંચેક વાગે સુબોધે સારંગીને જોરજોરથી હલાવીને ઉઠાડતાં કહ્યું, ''સારંગી, મને પાણી આપ'' સારંગી ગભરાઇ ગઇ. તે ઝટપટ રસોડામાં દોડી. પાણીનો ગ્લાસ ભરીને બેડરૂમમાં પાછી ફરી ત્યારે સુબોધનો ચહેરો જોઇ તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. સુબોધે બંને હાથ છાતી પર મુક્યાં હતાં. તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ''શું થયું સુબોધ?'' તે ચીસ પાડી ઉઠી. ''મને છાતીમાં તીવ્ર વેદના થાય છે.'' તે માંડ બોલ્યો. ''હું હમણાં ડૉક્ટરને બોલાવું છું.'' કહેતી સારંગી ઊભી થઇ. ''ના ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી. તું મારી બાજુમાં બેસ,'' સુબોધ વેદનાભર્યા સ્વરમાં બોલ્યો. પણ સારંગીએ તેની વાત ન સાંભળી. તેણે ઉપરના માળે રહેતાં ડૉક્ટરને ફોન કર્યો.
ડૉક્ટરે આવીને સુબોધને તપાસીને કહ્યું કે વધારે પડતી વ્હિસ્કી પીવાને કારણે તેની તબિયત લથડી છે. કદાચ તેને હૃદય રોગનો તીવ્ર હુમલો આવી ગયો છે. આપણે તરત તેને હોસ્પિટલ લઇ જવો પડશે. સુબોધને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા થઇ ગઇ. તબીબો ઇ.સી.જી. કાઢવાની તૈયાર કરતાં હતાં ત્યાં સુબોધને છાતીમાં ફરીથી તીવ્ર વેદના શરૂ થઇ. પળ, બે પળ અને…… સુબોધનું પ્રાણપંખેરું ઉડી ગયું. સારંગી હચમચી ગઇ. તેનું જીવન જાણે કે પળભરમાં બદલાઇ ગયું.
સુબોધના નિધન પછી એકલી પડેલી સારંગીને મળવા મિતાલી અને વંશ બેઉ આવતાં. પણ એક પછી એક. એક દિવસ બંને અચાનક ભેગાં થઇ ગયા. સુબોધના મૃત્યુને એક મહિનો થઇ ગયો હતો. સારંગીએ ત્રણે માટે ચા બનાવી. મિતાલી અને વંશ એકબીજા સામે જોવાનું ટાળી રહ્યાં હતા. છેવટે સારંગીએ જ વાત કાઢી. ''વંશ, તે દિવસે તેં અચાનક લગ્ન કરવાની ના પાડી તે મને સમજાયું નહોતું. પછી સુબોધનો બનાવ બની ગયો. આજે એક મહિના પછી તમે બંને મારી સામે એકસાથે બેઠાં છો તો હું સીધું જ તને પૂછું છું કે શું તારા જીવનમાં બીજી કોઇ સ્ત્રી પ્રવેશી ગઇ છે?'' ''આ તમે શું બોલ્યા ભાભી? આ પ્રશ્ન તમારે મને નહીં, મિતાલીને પૂછવો…….'' વંશ આગળ બોલે તેનાથી પહેલા મિતાલીએ વંશ સામે હાથ જોડીને કહ્યું, ''વંશ, અહીં જ અટકી જાઓ. આગળ કાંઇ ન બોલતા. તમને મારા સમ. '' પણ વંશનો ઉશ્કેરાટ ન શમ્યો. તેણે પોતાની વાત આગળ ચલાવી, ''તમે મિતાલીને જ પૂછો કે જે રાત્રે હું તમને લગ્ન ફોક કરવાનું કહેવા આવ્યો તે રાત્રે તે કોના આલિંગનમાં હતી? મેં તેના ઘરની બારીના કાચમાંથી તેને એક પુરુષના આશ્લેષમાં જોઇ હતી.''
''શું વંશ સાચું કહી રહ્યો છે મિતાલી? તારા જીવનમાં ખરેખર બીજો કોઇ પુરુષ છે? એટલા માટે જ તેં મને વિવાહ ન કરવાનું કારણ નહોતું જણાવ્યું અને કહ્યું હતું કે જે થઇ રહ્યું છે તે બરોબર જ છે.'' આટલું બોલતાં જ સારંગીના મનમાં ઝબકારો થયો. તે રાત્રે તો સુબોધ તને છોડવા આવ્યો હતો ને? અને ત્યાંથી પાછા આવ્યા પછી……' તે મિતાલી સામે પ્રશ્નાર્થ નજરે જોઇ રહી.
''સારંગી, તું વિચારે છે એવું કાંઇ નથી.'' પણ આટલું બોલતી વખતે તેની જીભ તેનો સાથ નહોતી આપી રહી. ''મિતાલી, સાચું બોલ, તને સ્વર્ગસ્થ સુબોધના સમ.'' સારંગી રઘવાઇ થઇ ગઇ હતી. હવે મિતાલી પાસે કોઇ વિકલ્પ નહોતો. તેણે પરાણે ફોડ પાડયો. ''તે રાત્રે મુશળધાર વરસાદમાં સુબોધભાઇ મને મુકવા આવ્યા ત્યારે તેઓ આખા ભીંજાઇ ગયા હતા. મેં તેમને ટાઢ દૂર કરવા કોફી પીવાની ઓફર કરી. તેમના હાથમાં નેપકીન આપીને હું રસોડામાં ગઇ. પણ મારા આઘાત વચ્ચે તેમણે મને પાછળથી આવીને આશ્લેષમાં લઇ લીધી. તેઓ એકદમ ઉત્તેજિત હતાં. મેં તેમના બાહુપાશમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે મને વધુ જોરથી જકડી લીધી અને કહ્યું કે, ''તું બહુ સુંદર છે મિતાલી. તું મને બહુ ગમે છે.'' તેમની વાત સાંભળી હું દિગ્મૂઢ બની ગઇ હતી. મેં માંડ તેમની પક્કડ છોડાવીને કહ્યું હતું, ''તમે આ શું કરો છો સુબોધભાઇ? જરા સારંગીનો તો વિચાર કરો. તે તમને કેટલો પ્રેમ કરે છે. એને કેટલો વિશ્વાસ છે તમારી ઉપર. એટલે જ આવા વરસાદમાં તેણે તમને એકલાને મને મુકવા મોકલ્યા.'' તારું નામ આવતાં જ તેમને એકાએક ભાન થયું હતું કે તેઓ શું કરવા જઇ રહ્યાં હતા'' મિતાલીએ વાત પૂરી કરી ત્યારે વંશ અવાચક્ બની ગયો હતો. સારંગીની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યાં હતાં.
થોડીવારે પોતાની જાતને સંભાળતા સારંગીએ કહ્યું કે વંશે તને કોઇક પુરુષના આલીંગનમાં જોઇ લીધી છે એ વાતથી તે વખતે તો તું અજાણ હતી. તારા મનમાં સુબોધ પ્રત્યે કોઇ ખેંચાણ નહોતું. તો પછી તેં લગ્ન કરવાની શા માટે ના પાડી?''
''તે રાતનું સુબોધભાઇનું વર્તન જોઇને મારો પુરુષ જાત પ્રત્યેનો વિશ્વાસ ડગમગી ગયો હતો. જો સુબોધભાઇ તમારા પ્રેમલગ્ન પછી પણ મારી ઉપર નજર બગાડી શકે તો……'' મિતાલી વાક્ય પૂરું ન કરી શકી. જ્યારે વંશ એક અક્ષર પણ બોલ્યા વિના બે હાથ જોડીને આંખો વાટે મિતાલીની માફી માગી રહ્યો હતો. સારંગી પાલવમાં મોં સંતાડી ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી રહી હતી.