દાવત : અવનવા મિષ્ટાનની મિજબાની

ખજૂરની નરમ ચિકી
સામગ્રી : ખજૂર ૪૦૦ ગ્રામ દૂધ ૪૦૦ ગ્રામ ઘી ૨૦૦ ગ્રામ કાજુ ૨૦૦ ગ્રામ, અખરોટ ૨૦૦ ગ્રામ, ખાંડ ૪૦૦ ગ્રામ.
રીત : ખજૂરને સાફ કરી તેને ઝીણી સમારવી. કાજુ અને અખરોટના બારીક કટકા કરવા. એક વાસણમાં દૂધ, ખાંડ અને આ ભૂકાને ભેળવી ચૂલા પર મૂકી દેવી. ધીમો તાપ રાખી તેને સતત હલાવ્યા કરવું.
આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય. એટલે એમાં ઘી રેડવું. ફરી હલાવવું, હવે ઘી ચોપડેલી થાળીમાં પાથરવું. થોડીવાર પછી ચપ્પુ વડે તેના પીસ કરી તેને ખાવાના ઉપયોગમાં લઈ શકાય.
પનીર પાઈનેપલ બરફી
સામગ્રી : ૩ લીટર દૂધનું પનીર, ખાંડ દોઢ કપ, પાઈનેપલના ટુકડા, ગુલાબનું એસેન્સ, ચાંદીના વરખ, પિસ્તાંની કાતરી, લાલ ચેરીઝ.
રીત : તાવડીમાં પનીર તથા ખાંડ ભેગા કરી હથેળીથી ખૂબ મસળવું. કણક જેવું થાય એટલે ધીમા ગેસ ઉપર મૂકી તાવેતાથી હલાવવું. ખાંડ ઓગળે અને નરમ થાય એટલે તાવડી નીચે ઊતારવી થોડીવાર ઠંડુ થાય પછી ગુલાબનું એસેન્સ નાંખવું. ઘીવાળો હાથ કરી પનીરના મિશ્રણનાં ૧૫ થી ૧૬ ગોળ બનાવવાં. દરેક ગોળાને હાથથી વાટકી જેવું કરી વચ્ચે પાઈનેપલના નાના ટુકડા અને પનીરનો ટુકડો મૂકી બંધ કરવો. લંબગોળ આકાર થશે. સાધારણ તેલનો હાથ લગાડેલી પ્લેટમાં બરફી ગોઠવવી. બરફીના ઉપરના ભાગ ઉપર ચાંદીનો વરખ લગાવવો. પીસ્તાની કાતરી તથા લાલ ચેરી ચીરીને મૂકવી.
પનીર સંતરાની બરફી
ઉપરની રેસીપીમાં પાઈનેપલની જગ્યાએ છોલેલી સંતરાની ચીરી વાપરવી.
પનીર દ્રાક્ષની બરફી
ઉપરની રેસીપીમાં પાઈનેપલના ટૂકડાની જગ્યાએ દરેક ગોળામાં બે લીલી દ્રાક્ષ (બી વગરની મૂકવી)
માવો
રીત : ૧૦ શેર દૂધ સમાય તેવી લોઢાની કઢાઈમાં જ પાંચ શેર દૂધ લેવું. કઢાઈ ઈંટ વડે ઘસીને ચોખ્ખી કરવી. નહિં તો દૂધ ફાટી જશે. સાંધા વગરની કઢાઈ વધારે સારી. હવે ચૂલા પર કઢાઈ મૂકી અંદરના દૂધને તવેથાથી હલાવતા રહેવું. હલાવશો નહીં તો ચોંટી જશે. ધીમે ધીમે નરમ શીરાની જેમ દૂધ ઘટ્ટ થશે. કઢાઈને નીચે ઊતારીને ઘટ્ટ દૂધને હલાવ્યા કરવું. પછી કઢાઈની બાજુએ પાથરી દેવું એટલે માવો તૈયાર થઈ ગયો તેને ઠંડો પડવા દેવો. પાંચ શેર દૂધમાંથી ૧ શેર માવો ઉતરે છે.
ફરાળી પૂરણ પોળી
રીત : ૧ શેર રાજગરાનો લોટ લઈ દોઢ ચમચા ઘીનુ મોણ દેવું. પાણીમાં લોટ બાંધવો. લોટ જરાં નરમ રાખવો. શક્કરિયાં બાફીને ચાળણી અથવા ખમણીથી છુંદો કરી નાંખવો. તેમાં ૧ શેર ખાંડ નાંખવી. આ રીતે પૂરણ તૈયાર થશે. પૂરણમાં કેસર, એલચી, જાયફળ વગેેરે નાંખવું. રાજગરાના લોટની પૂરી બનાવી તેમાં પૂરણ મૂકવું. અટામણ રાજગરાના લોટનું જ લેવું. એ રીતે પોળી વણવી. કાળાં ચાઠાં ન પડે તેમ લોઢી પર ધીમે તાપે ગરમ કરવી. સારું એવું ઘી ચોપડવું. આ પોળી ફરાળમાં વાપરી શકાય છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફરસી થાય છે.
સૂકા મેવાના રોલ્સ
સામગ્રી : બદામ ૫૦ ગ્રામ, કાજુ ૨૫ ગ્રામ, અખરોટ અડધો કપ, ખાંડ બે કપ, માખણ ૭૫ ગ્રામ, એક ચમચી કેવડાનું એસેન્સ અને એલચી.
રીત : એક વાસણમાં અથવા મિક્સરમાં સૂકો મેવો ખાંડી નાંખો. કડાઈને ચૂલા ઉપર મૂકી એમાં આ ભૂકાને, બદામી રંગોનો થાય ત્યાં સુધી શેકવો. હવે એક વાસણમાં ખાંડ અને પાણી નાંખી એને ઓગાળવી. પછી ચૂલા ઉપર એ વાસણને મૂકી ઊકાળવી એમાં મેવાનો ભૂકો, માખણ એલચી અને કેવડાનું એસેન્સ નાખવું. બધું એકરસ થાય એટલે ચૂલેથી ઉતારી લેવું. એક લીસા પાટિયા ઉપર ઘી લગાડી એની ઉપર આ મિશ્રણને રેડવું. પાતળું પડ બને એટલે તરત એનો રોલ વાળી નાંખવો. રોલ એક ઈંચ જાડો હોવો જોઈએ. પછી એના સરસ ટૂકડા કરવા અને હવા ચુસ્ત ડબ્બામાં પેક કરી બીજે દિવસે ઉપયોગમાં લેવાં.
પેંડા
સામગ્રી : ૧ શેર માવો, ૧ શેરખાંડ, ખાંડેલી એલચી (અડધાથી એક તોલો)
રીત : કઢાઈમાં માવો તથા ખાંડ લઈ ચૂલે ચડાવી હલાવતાં રહેવું. થોડી થોડી વારે માવો આંગળી પર લઈને તપાસમાં રહેજો. સૂકો માવો થઈ જાય ત્યારે ઉતારી લેવું. કઢાઈ નીચે ઉતારી લેવી અને મિશ્રણને કઢાઈની ચારે બાજુ ચોપડી દેવું. થોડીવાર રહેવા દઈને મિશ્રણને કાઢી લેવું અને થાળીમાં નાંખવું. સારી રીતે મસળવું, પછી તેમાં એલચી નાંખવી. પેડાં વાળવા.
કેસરી પેંડા
રીત : કેસરી પેંડા કરવા માટે માવામાં કેસર નાંખવું. માવો અને ખાંડ ભેગાં કરતાં કેસર નાંખવું. બીજી બધી રીત ઉપરના જેવી જ છે. હાલમાં કેસરને બદલે લોકો બજારનાં રંગ નાંખે છે. ખરું જોતાં કેસર નાંખવું જોઈએ.
- હિમાની









