રાજકોટમાં નજીવી બાબતે કાકા-ભત્રીજા પર ફાયરિંગ, લોહિયાળ ખેલમાં ભત્રીજાનું ઘટનાસ્થળે મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Crime News: રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ વધુ એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક માત્ર બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટમાં કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘાતક હુમલામાં ભત્રીજાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
બાઇક ચલાવવાની સામાન્ય બોલાચાલી લોહીયાળ જંગમાં ફેરવાઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, બુધવારે (આઠમી જુલાઈ) સાંજના સમયે મવડીના નવલનગરમાં રહેતા રણજીત વાળા અને તેમના બે પુત્રો રાજવીર વાળા અને અભી વાળા સાથે મોકાજી સર્કલ પાસે રહેતા કૃષ્ણદીપસિંહને બાઇક ચલાવવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી.
આ સામાન્ય માથાકૂટ બાદ ઉશ્કેરાયેલા શખસોએ પોતાના પિતાને હથિયાર સાથે ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. આરોપીઓએ ત્યાં આવીને સીધું જ રિવોલ્વર જેવા હથિયારમાંથી કાકા-ભત્રીજા પર ફાયરિંગ કર્યું હતું, તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
જેમાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના કાકા રહેન્દ્રસિંહને પણ ગંભીર ઇજાઓ થઈ હોવાથી હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
7થી 8 શખસો સામેલ હોવાની આશંકા
આ ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ, તાલુકા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યાકાંડમાં 7થી 8 જેટલા શખસો સામેલ હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









