રાજકોટમાં છેલ્લા દોઢ વર્ષમાં રૂા.2.90 કરોડનું ડ્રગ્સ પકડાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: આવતીકાલે તા.૨૬મી જુને વિશ્વ ડ્રગ્સ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફિકિંગની ઉજવણી થાય છે. તેના ભાગરૂપે રાજકોટનાં બહુમાળી ભવન ચોકથી વહેલી સવારે ૬ઃ૪૫ વાગ્યે પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ અને પબ્લિક ભાગ લેશે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યું છે. જેને કારણે ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં છે. પાછલા કેટલાક વર્ષોથી રાજકોટમાં પણ ડ્રગ્સનું દુષણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ જ કારણ છે કે માત્ર છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટમાંથી રૂા.૨.૯૦ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. તેની સાથે કુલ ૧૦૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
૨૦૨૫માં રૂા.૨.૧૪ કરોડનું જ્યારે ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં રૂા.૭૩ લાખનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સમાં મુખ્યત્વે ગાંજો અને સિન્થેટીક ડ્રગ્સની વ્યાખ્યામાં આવતા મેફેડ્રોનનો સમાવેશ થાય છે. ખાસ કરીને યુવા વર્ગ અને વિદ્યાર્થીઓમાં મેફેડ્રોનનું વધતું ચલણ ચિંતાજનક છે. આ જ કારણથી એસઓજીએ છેલ્લા છ માસ દરમિયાન સ્કૂલ, કોલેજોમાં ૨૫થી વધુ અવેરનેશના કાર્યક્રમો યોજ્યા છે.
પોલીસનું તારણ છે કે ૧૯થી ૨૫ વર્ષના યુવાનો આસાનીથી ડ્રગ્સના રવાડે ચડી જાય છે. આ સ્થિતિમાં તેમને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે જ કોલેજોમાં વધુને વધુ અવેરનેશના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૧૯૮૭ના ડિસેમ્બર મહિનામાં તા.૨૬ જુનના રોજ વિશ્વ ડ્રગ્સ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. આ વર્ષની થીમમાં ડ્રગ્સની સાયબર તસ્કરી અને સિન્થેટીક ડ્રગ્સના સામના માટે આધુનિક ટેકનિક અને નવા વિચારોના ઉપયોગ પર ભાર દેવાની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે.









