ગીરની બોર્ડર પરનાં ગેરકાયદે 388એકમોમાંથી માત્ર 26ને તોડવા આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની સુરક્ષા તથા પર્યાવરણની જાળવણી માટે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતા જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર વિસ્તારની આસપાસ ચાલતા હોસ્પિટાલિટી યુનિટ્સ (હોટેલ અને રિસોર્ટ)ની તપાસ માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ ટીમો બનાવી સઘન ચકાસણી કરાવવામાં આવી હતી. આ તપાસ બાદ ૬૭ એકમોને શરતભંગની નોટિસ પાઠવી કાયદેસરની સુનાવણી હાથ ધરાઈ હતી, જે પૈકી ૨૬માં શરતભંગ સાબિત થતાં કલેક્ટરે કડક હુકમો કર્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ૧૪૧, ગીર-સોમનાથમાં રર૧ અને અમરેલી જિલ્લામાં ર૬ એકમો મળી કુલ ૩૮૮ ગેરકાયદે એકમો હોવાનું ત્રણેય કલેક્ટરે હાઈકોર્ટમાં કરેલા રિપોર્ટમાં સામે આવ્યું છે. તેમાંથી જૂનાગઢ જિલ્લાના માત્ર ર૬ એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે હજુ કુલ ૩૬ર ગેરકાયદે એકમો સામે કાર્યવાહી અદ્ધરતાલ છે. જૂનાગઢ કલેક્ટર દ્વારા હાથ ધરાયેલી સક્ષમ સુનાવણી બાદ વન વિસ્તારની બાહ્ય હદથી ૦થી ૧ કિમીની ત્રિજ્યામાં આવતા ૩૯ કેસો પૈકી ૨૬ કેસોમાં ગંભીર શરતભંગ સાબિત થયો છે. કલેક્ટરે આ તમામ ૨૬ એકમોમાં વાણિજ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવા, મંજૂરી વિનાનું વધારાનું કાયદાકીય બાંધકામ તુરંત દૂર કરવા, વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બૂકિંગ સિસ્ટમ તુરંત હટાવી લેવા તેમજ આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા અંગેનું સોગંદનામું ૩૦ દિવસમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત, જિલ્લા તંત્ર દ્વારા ૧થી ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા એકમો માટે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ મુજબ વન વિભાગનું ના-વાંધા પ્રમાણપત્ર અને બિનખેતીની પરવાનગી મેળવ્યા બાદ જ વાણિજ્ય પ્રવૃત્તિ શરૂ કરી શકાશે. નિયમભંગ કરનાર એકમોએ ઓનલાઇન બુકિંગ અને કોમશયલ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વધારાના બાંધકામો દૂર કરવાના રહેશે.
- ખેતી કે રહેણાક હેતુની જમીનમાં ગેરકાયદે રિસોર્ટ- ફાર્મહાઉસ માલૂમ પડયાં, અન્ય કેસોની સુનવણી પૂર્ણ કરી નિર્ણય લેવાશે
'શરત ભંગના મોટાભાગના કેસમાં રહેણાક હેતુની કે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે કોમશયલ રિસોર્ટ અને ફાર્મહાઉસ ચલાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. બાકી રહેલા કેસોની સુનાવણી પૂર્ણ કરી નિયમાનુસાર આકરા નિર્ણયો લેવાશે. ગેરકાયદે બાંધકામો અને પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.' - યોગેશ ચૌધરી (જૂનાગઢ જિલ્લા કલેક્ટર)
અમરેલી અને ગીર સોમનાથમાં પણ સકંજો કસાયો
જૂનાગઢ કલેક્ટરના આ કડક વલણ બાદ સમગ્ર ગીર સરહદી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાની ગીર બોર્ડર પર ચાલતા ગેરકાયદેસર હોટેલ-રિસોર્ટ સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગીર સોમનાથ કલેક્ટરે કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં પણ આવા એકમોની સઘન તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આકરા પગલાં લેવાશે.
હોટેલિયર્સ ગાંધીનગર જઈને મંત્રીઓને મળ્યા ત્યાં પાછળથી કાર્યવાહી શરૂ થઈ
બીજી તરફ ગીર બોર્ડર હોટેલ એસોસિએશનના આગેવાનોએ ગાંધીનગર ખાતે મંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની મુલાકાત લઈ જંગલથી એક કિ.મી.ના અંતરમાં આવેલા જૂના બાંધકામો સામે રાહત આપવા રજૂઆત કરી હતી. જોકે, મંત્રીઓએ હાઇકોર્ટનો નિર્ણય શિરોમાન્ય રહેશે તેમ કહી કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાનો ઇનકાર કરવો પડયો હતો. હોટલના સંચાલકો રજુઆત કરવા ગયા તેવા સમયે જ ગેરકાયદેસર હોટલો પર આકરી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.









