Rajkot

સૌરાષ્ટ્રમાં મેઘમહેર : મોરબીમાં 11 ઈંચ સહિત જિ.માં મુશળધાર, રાજકોટ, લાઠી, જસદણ 4 ઈંચ

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના 252 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. મોરબી શહેરમાં 11 ઇંચ, ધ્રાંગધ્રામાં 7 ઇંચ અને રાજકોટમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. જોકે, દક્ષિણ ગુજરાત જેવી તીવ્રતા ન હોવાથી નુકસાનના અહેવાલો નથી. કૃષિ ક્ષેત્રને ફાયદો થયો છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રમાં મેઘમહેર : મોરબીમાં 11 ઈંચ સહિત જિ.માં મુશળધાર, રાજકોટ, લાઠી, જસદણ 4 ઈંચ

રાજકોટ: ગઈકાલે સુરતના અંબિકામાં ૨૪ કલાકમાં ૨૫ ઈંચ સહિત દક્ષિણ ગુજરાતમાં અને આંશિક રીતે ઉત્તર ગુજરાતમાં અતિશય ભારે વરસાદ વરસાવનાર બંગાળની ખાડીથી આવેલ ડીપ ડિપ્રેશનની સીસ્ટમ આજે થોડી નબળી પડીને વેલ માર્કેડ લોપ્રેશરમાં ફેરવાઈને ગુજરાતની ઉત્તર દિક્ષાએ, કચ્છ-સૌરાષ્ટ્ર ઉપર ખસતા મોરબી જિલ્લામાં ૫થી ૧૧ ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના કૂલ ૨૬૮ તાલુકા પૈકી આજે સવારે ૬થી રાત્રે ૮ સુધીમાં ૨૫૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ગત રાત્રિના ૧૨થી આજે રાત્રિના ૮ દરમિયાન સર્વાધિક મોરબી શહેર-તાલુકામાં ૧૧ ઈંચ વરસાદ તેમજ રાજકોટ,જસદણ, લાઠી તાલુકામાં ૪થી ૪.૫૦ ઈંચ તેમજ અમરેલી, રાજકોટ, જામનગર, જુનાગઢ જિલ્લામાં ૧થી ૪ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિ.ના ધ્રાંગધ્રામાં ૭ ઈંચ સહિત ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં ૫૦થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે પરંતુ, આ વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત જેવી રહી નથી, જેના કારણે કોઈ ખાનાખરાબીના ખાસ અહેવાલો નથી. એકંદરે મંદ અને ધીમી ધારે મેઘવર્ષાથી જો કે જળાશયોમાં ધોધમાર નીર આવ્યા નથી પરંતુ, કૃષિક્ષેત્રને ફાયદો થયો છે, ધરતી જળથી તરબતર થઈ ગઈ છે અને પાણીના ભૂગર્ભ સ્તર પણ ઉંચા આવવા લાગ્યા છે.
મોરબી જિલ્લામાં આજે સીઝનમાં પ્રથમવાર મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. મોરબીમાં ૧૧ ઈંચ ઉપરાંત જિલ્લાના ટંકારામાં ૮ ઈંચ, હળવદમાં ૭ ઈંચ, વાંકાનેરમાં ૬ ઈંચ તથા માળિયા મિયાણાંમાં ૫ ઈંચ સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદથી લોકોમાં ખુશીની લહર દોડી ગઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં ૭ ઈંચ, વઢવાણ ૬, લખતર ૫, મુળી અને ચુડા તા.માં ૪ ઈંચ અને ચોટીલામાં ૩ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાજકોટમાં સીઝનમાં પ્રથમવાર ૪ ઈંચ વરસાદ નોંધાયો છે, રેડ એલર્ટ હતું પરંતુ,મેઘરાજા ધોધમાર વરસાદનો દેખાવ કરીને મંદ ગતિએ વરસ્યા હતા. રાજકોટ જિલ્લામાં જસદણમાં ૪, કોટડાસાંગાણી, વિંછીયા, ગોંડલ, લોધિકા તાલુકામાં અઢી ઈંચ, જેતપુર અને જામકંડોરણામાં દોઢ ઈંચ, ધોરાજી ૧ ઈંચ સાથે જિલ્લામાં મેઘરાજા તોફાની બનીને ત્રાટકવાને બદલે રૂમઝૂમ આવ્યા હતા.
અમરેલી જિલ્લાના લાઠીમાં ૪.૫૦ ઈંચ તેમજ જિલ્લાના બાબરા,લીલીયા, અમરેલી તાલુકામાં ૩થી ૩.૫૦ ઈંચ તથા વડીયા, સાવરકુંડલા,બગસરા, ધારી, જાફરાબાદ તાલુકામાં ૧થી ૨ ઈંચ વ્યાપક વરસાદથી અમરેલી જિલ્લો પાણીથી સતત તરબતર રહ્યો છે. અમરેલીમાં રસ્તા નદીમાં ફેરવાતા વાહનચાલકો પરેશાનીમાં મુકાયા હતા. લાઠી સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા હતા. કુંભનાથ તળાવ છલકાયો છે. લિલીયા પંથકમાં પશુઓ રાખવા માટેનો શેડ ધસી પડયો હતો પણ કોઈ જાનહાનિ નથી.
જામનગર જિલ્લામાં પણ આજે મેઘરાજાની પધરામણી થઈ હતી. ધ્રોલમાં વધુ ૩ ઈંચ, કાલાવડ, જોડિયા, જામનગર શહેરતાલુકામાં ૨થી ૨.૫૦ ઈંચ વરસાદથી લોકોમાં ખુશીનીલહર દોડી ગઈ હતી. જામનગર જિલ્લામાં વરસાદની કમી હતી ત્યારે આ વરસાદથી મોલાતને જીવતદાન મળી ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક ૨ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જામનગર જિ.નો ઉમિયાસાગર ડેમ ૫૫ ટકા ભરાયો છે.
જુનાગઢ જિલ્લામાં કેટલાક દિવસથી વરસાદના વિરામ બાદ આજે વિસાવદર,જુનાગઢ, મેંદરડા,માંગરોળ તાલુકામાં ૧થી ૨ ઈંચ વરસાદથી ફરી નદી-નાળા ધસમસતા વહેવા લાગ્યા હતા.સૌરાષ્ટ્રમાં હજુ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદની મોટી ખાધ છે અને રેડ એલર્ટ છતાં આજે રાત્રિ સુધી પર્યાપ્ત વરસાદ આવ્યો નથી. આજે ભાણવડ,કલ્યાણપુરમાં અર્ધો ઈંચ, ખંભાળિયામાં ૧ ઈંચ વરસાદથી લોકોમાં સારા વરસાદની આશા બંધાઈ છે. જ્યારે પોરબંદર જિ.ના રાણાવાવમાં અર્ધો ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં એકંદરે આજ સાંજ સુધીમાં સરેરાશ ૧૫ ઈંચ એટલે કે મોસમનો ૪૯ ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં મોસમનો ૯૧ ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૬૧ ટકા વરસાદ વરસી ગયો છે તેની સાપેક્ષે સૌરાષ્ટ્ર ,કચ્છ (૨૧ ટકા) અને ઉત્તર ગુજરાત (૪૭ ટકા) ઓછો વરસાદ છે. અને હવે ગઈકાલ,આજ જેવા ભારે વરસાદની હાલ સીસ્ટમ જણાતી નથી.