Rajkot

રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ: ટોઇલેટમાં ફસાયેલા માલિકના જમાઈનું ગૂંગળામણથી મોત, આખું કારખાનું બળીને ખાક

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલી હુડકો ચોકડી નજીક સોફા ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કારખાનાના ટોઇલેટમાં ફસાયેલા માલિકના જ જમાઈનું ગૂંગળામણથી કરુણ મોત નીપજ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર કારખાનું બળીને ખાક થઈ ગયું, જેના કારણે લાખોનું નુકસાન થયું. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ: ટોઇલેટમાં ફસાયેલા માલિકના જમાઈનું ગૂંગળામણથી મોત, આખું કારખાનું બળીને ખાક

Massive Fire Erupts At Sofa Factory in Rajkot: શહેરના કોઠારીયા રોડ પર આવેલી હુડકો ચોકડી નજીક એક સોફા બનાવવાના કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારખાનાના ટોઇલેટમાં ફસાયેલા એક વ્યક્તિનું ગૂંગળામણના કારણે કરુણ મોત નીપજ્યું છે. મૃતક વ્યક્તિ કારખાનાના માલિકના જ જમાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

જોતજોતામાં આગે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં સમગ્ર કારખાનું લપેટમાં આવી ગયું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સવારે કોલ મળતાની સાથે જ ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડરો અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

ટોઇલેટમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ, પણ જીવ ન બચ્યો

આગ લાગી ત્યારે કારખાનાની અંદર એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને આપી હતી. ફાયરની રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ અંદર પ્રવેશીને ટોઇલેટમાં ફસાયેલા યુવકને અત્યંત ગંભીર અને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ તેણે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં ધુમાડાના કારણે ગૂંગળામણ થવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

લાખોનું આર્થિક નુકસાન, શોર્ટ સર્કિટની આશંકા

સોફા બનાવવાના કારખાનામાં મોટા પ્રમાણમાં રાખેલો કાચો માલ, કેમિકલ, ફોર્મ અને તૈયાર સોફા સહિતનો તમામ સામાન જોતજોતામાં બળીને ખાક થઈ ગયો હતો. આ ભયાનક દુર્ઘટનાને કારણે કારખાનાના માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ મામલે આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.