જો રેલવે પોલીસનો જવાન ન હોત તો... રાજકોટમાં ચાલુ ટ્રેનમાં ચડતો મુસાફર નીચે પટકાયો, કોન્સ્ટેબલે તાત્કાલિક તેને ખેંચી લેતા જીવ બચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Railway Police: રાજકોટ રેલવે સ્ટેશન પર આજે (ચોથી જુલાઈ) સવારે એક રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહેલો એક મુસાફર અચાનક સંતુલન ગુમાવતાં પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ખાબકવાનો જ હતો, પરંતુ ત્યાં જ ફરજ પર તહેનાત રેલવે પોલીસ (GRP)ના જવાને મુસાફરને ખેંચી લીધો હતો. કોન્સ્ટેબલની આ ત્વરિત સતર્કતાને કારણે એક મુસાફરનો જીવ બચી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.
સંતુલન ગુમાવતા ટ્રેન નીચે સરકવા લાગ્યો હતો મુસાફર
મળતી માહિતી અનુસાર, આ ઘટના શનિવારે સવારે રાજકોટ રેલવે સ્ટેશન પર બની હતી. સ્ટેશન પરથી માંડગાંવ-હાપા ટ્રેન ચાલુ થઈ રહી હતી. આ દરમિયાન એક મુસાફરે દોડીને ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પ્રયાસમાં મુસાફરે અચાનક પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે પ્લેટફોર્મ પર પટકાયો હતો. ટ્રેનની ગતિને કારણે તે ટ્રેનની નીચે ચગદાઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી.
પ્લેટફોર્મ પર હાજર રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ મધુરાજસિંહ જાડેજાએ દોડીને તે મુસાફરને પકડી લીધો અને જોરથી પ્લેટફોર્મ તરફ સુરક્ષિત સ્થળે ખેંચી લીધો હતો. સમયસરના આ હસ્તક્ષેપથી મુસાફર મોતના મુખમાંથી આબાદ બચી ગયો હતો.
પરિવાર અને વરિષ્ઠ અધિકારીઓએ બહાદુરીને બિરદાવી
આ ઘટના બાદ બચાવાયેલા મુસાફર અને તેના પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજકોટ રેલવે પોલીસ અને ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ મધુરાજસિંહ જાડેજાની આ નિઃસ્વાર્થ કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બીજી તરફ, સરકારી રેલવે પોલીસ (GRP)ના વરિષ્ઠ અધિકારીઓએ પણ હેડ કોન્સ્ટેબલની આ અનુકરણીય બહાદુરી, સતર્કતા અને વ્યાવસાયિકતાની મુક્તકંઠે પ્રશંસા કરી છે.









