રાજકોટમાં વરસાદને કારણે જોખમી બનેલું મકાન ધરાશાયી, એકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: રાજકોટમાં પડેલા વરસાદને કારણે ખખડધજ મકાન ધરાશાયી થતાં અજય કુરજીભાઇ બેડલા (ઉ.વ.૪૫)નું મૃત્યુ નિપજતાં તેના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ભાવનગર રોડ પર રાવણ ચોક નજીક શ્રમજીવી સોસાયટીમાં આ દુર્ઘટના સર્જાઇ હતી.
બેડલા પરિવારનું મકાન વર્ષો જુનુ અને જોખમી હતું. જેને કારણે ચોમાસું આવે તે પહેલા પરિવારના સભ્યો બીજા સ્થળે ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. પરંતુ અજયભાઇ ગમે તે કારણસર મકાન છોડી ગયા ન હતા. જોખમી હોવા છતાં બે માસથી મકાનમાં રહેતા હતા.
રાજકોટમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ગઇકાલે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યા આસપાસ તેનું મકાન ધરાશાયી થતાં કાટમાળ પડવાથી માથામાં ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ મૃત્યું નિપજ્યું હતું. જાણ થતાં થોરાળા પોલીસ હોસ્પિટલ અને સ્થળ પર પહોંચી ગઇ હતી.
પોલીસે માહિતી મેળવ્યા બાદ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. દર વર્ષે ચોમાસામાં તંત્ર દ્વારા જોખમી હોય તેવા મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની ગંભીરતા દાખવવામાં આવતી નથી. જો તેમ થયું હોત તો કદાચ અજયભાઇનો જીવ બચી ગયો હોત. આ સ્થિતિમાં આ પ્રકારની બીજી દુર્ઘટનાઓ ન બને તે માટે તંત્ર સાવચેત બને તેવી માંગ ઊઠી છે.









