Rajkot

શ્વાન કરડયા બાદ 40.7% પીડિતો પ્રાથમિક ઉપચારમાં ખૂબ લાપરવાહ

By GS Team
22 Jul 20263 mins read
TukuTouch Logo
રાજકોટ: ખૂંખાર શ્વાનોના આતંકનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ભારતમાં દર વર્ષે 17,000 લોકો હડકવાથી મૃત્યુ પામે છે. ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા અભ્યાસમાં, 221 શ્વાન કરડવાના કેસોમાં 79.2% રખડતા શ્વાનો દ્વારા હતા. 16.7% લોકોએ ઘાવ પર તમાકુ લગાવ્યું અને 38.3% દર્દીઓએ રસીકરણ અધવચ્ચે છોડી દીધું. 88.7% શ્વાનોની રસીકરણ સ્થિતિ અજ્ઞાત હતી, જે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્વાન કરડયા બાદ 40.7% પીડિતો પ્રાથમિક ઉપચારમાં ખૂબ લાપરવાહ

રાજકોટ: ખૂંખાર શ્વાનોનાં આતંકનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, કારણ કે ખાસ તો કૂતરાં કરડવાથી થતી રેબીઝ એટલે કે હડકવા એ એક અત્યંત ઘાતક અને જીવલેણ વાયરલ બીમારી છે, જેના લક્ષણો દેખાયા બાદ દર્દીનું મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે. ભારતમાં દર વર્ષે ૧૭,૦૦૦ લોકો હડકવાને કારણે મૃત્યુ પામે છે, જે વિશ્વના કુલ મૃત્યુઆંકના ૩૫% છે. આ ગંભીર મુદ્દે થોડા સમય પહેલા ગાંધીનગરનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં શ્વાન કરડવાના બનાવો અને એન્ટી-રેબીઝ રસીકરણમાં સરકારી તંત્ર અને લોકોની લાપરવાહી સામે આવ્યા હતા.
અમદાવાદ-સોલાની જીએમઈઆરએસ મેડીકલ કોલેજના તબીબી છાત્રોએ કરેલા વિશિષ્ટ અભ્યાસમાં શ્વાન કરડવાના નવા કેસોને ધ્યાને લઈને ૬૦ દિવસ સુધી ફોલોઅપ કરવામાં આવ્યા હતા. આ સમયમાં પ્રાણી કરડવાના કુલ ૨૨૧ કેસો આવ્યા, જેમાં ૨૨૧ શ્વાન અને ૩ ઉંદર કરડવાના કેસ હતા, જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પરિબળોનું વિશ્લેષણ કરતા જણાયું કે, રખડતા શ્વાન કરડવાના ૭૯.૨% કેસો સામે પાળેલા શ્વાન કરડવાના ૨૦.૮% કેસ હતા. સૌથી ગંભીર બાબત છે કે, ૧૬.૭% લોકોએ શ્વાન કરડયા બાદ પ્રાથમિક સારવારમાં ઘાવ ઉપર તમાકુ, છિકણી, મરચાં પાવડર, હળદર લગાવી હતી. એ તો ઠીક, હોસ્પિટલે ગયા બાદ ૩૮.૩% દર્દીઓએ ચાર ડોઝનું રસીકરણ અધ્ધવચ્ચે છોડી દીધું હતું. જેમાં પણ તેઓએ ભૂલી ગયા, હવે મટી ગયું, બહારગામ ગયા હતા.. જેવા બહાના બતાવ્યા હતા.
બીજી તરફ આશ્ચર્યજનક રીતે, માત્ર ૧૧.૩% કેસોમાં જ શ્વાનને રેબીઝ વિરોધી રસી અપાયેલી હતી, જ્યારે ૮૮.૭% શ્વાનોની રસીકરણ સ્થિતિની સરકારી તંત્રને ખબર નહોતી. વળી, ૭૮.૩% કેસોમાં શ્વાન દ્વારા કરડવાની ઘટનાઓ સંપૂર્ણપણે અચાનક અને ઉશ્કેરણી વગરની હતી. આ સાથે શ્વાન કરડવાનું સૌથી સામાન્ય સ્થાન નીચલા અંગો એટલે કે પગ હતું, જે ૭૧.૯% જેટલું ઊંચું હતું. સૌના આશ્ચર્ય વચ્ચે શ્વાન કરડવાનો ભોગ બનવાની બાબતમાં ૭૫.૬% સાથે પુરુષો મોખરે રહ્યા હતા. બાદમાં મહિલાઓનું પ્રમાણ ૨૪.૪% રહ્યું હતું. આ અભ્યાસમાં સ્પષ્ટપણે તારણ નકળ્યું કે શ્વાન કરડવાની ઘટનાઓમાં રખડતા શ્વાનોનો હિસ્સો સૌથી વધુ છે અને રસીકરણ પૂરું કરવામાં લોકોમાં જાગૃતિનો મોટો અભાવ છે.

  • સૌથી વધુ ૬૦.૨ ટકા લોકોને શિયાળા સમયે શ્વાન કરડયા
    શ્વાન કરડવામાં મોસમી વલણ જોઈએ તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર એટલે કે શિયાળાની શરૂઆત બાદ સૌથી વધુ ૬૦.૨% કેસો નોંધાયા હતા. એ તો ઠીક, સાંજે ૬ વાગ્યાથી મધ્યરાત્રિ ૧૨ વાગ્યા સુધીના સમયગાળામાં સૌથી વધુ ૪૨.૫% કેસો બન્યા હતા. એ જ રીતે ૭૫.૧% ઘટનાઓ જાહેર સ્થળો પર બની હતી, જ્યારે ૨૦.૮% ઘર આસપાસ બની હતી.
  • ઘરઆંગણે થતી સારવાર અને ગંભીર બેદરકારી પ્રાથમિક સારવાર
  • ૪૦.૭% લોકોએ શ્વાન કરડયા બાદ ઘા પર ઘરે કંઈ જ કર્યું ન હતું..
  • ૨૭.૬% લોકોએ જ સાદા પાણી કે સાબુથી ઘા ધોયો હતો..
  • ૧૬.૭% લોકોએ તો તમાકુ, છિકણી, મરચાં પાવડર, હળદર લગાવી હતી..
    હડકવાંનું રસીકરણ
  • પ્રથમ ડોઝ - ૧૦૦% દર્દીઓ
  • બીજો ડોઝ - ૮૯.૩% દર્દીઓ
  • ત્રીજો ડોઝ - ૮૦.૬% દર્દીઓ
  • ચોથો ડોઝ - ૬૧.૭% દર્દીઓ