Prasangpat

ભારતની લોકશાહીની અગ્નિપરીક્ષા વિપક્ષી નેતાઓએે તખ્તો આંચકી લીધો

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
નવી અનૌપચારિક 'કોક્રોચ જનતા પાર્ટી'એ દિલ્હીમાં સરકારનું નાક દબાવી ઇતિહાસ રચ્યો. હજારો વિદ્યાર્થીઓ અને વિરોધપક્ષના નેતાઓ વડાપ્રધાનના ઘર અને જંતર-મંતર રોડ પર ઉમટી પડ્યા, જ્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું. કોંગ્રેસ, AAP સહિત વિપક્ષે પડદા પાછળ રહીને આ આંદોલનને ટેકો આપ્યો. આ ઘટના મોદી સરકાર માટે કોયડા સમાન બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની લોકશાહીની અગ્નિપરીક્ષા વિપક્ષી નેતાઓએે તખ્તો આંચકી લીધો

સરકાર વિરોધી તમામ તત્ત્વો એક મંચ પર આવી ગયા
પ્રસંગપટ
સાવ નવી, અનૌપચારિક પાર્ટી હોવા છતાં સરકારનું નાક દબાવવામાં સફળ થઈને કોક્રોચ જનતા પાર્ટીએ ઇતિહાસ સર્જ્યો

કોક્રોચ જનતા પાર્ટી મોદી સરકાર માટે ઉકેલ માગતો કોયડા સમાન બની ગઈ છે. હતાશ વિપક્ષો માટે કોક્રોચ જનતા પાર્ટી બૂસ્ટર ડોઝ સમાન સાબિત થઈ રહી છે. સત્તાધારી મોદી સરકાર ભીંસમાં મુકાય અને પોતાને સરકાર વિરોધી રાજકીય તખ્તો ગજવવાની તક મળે તેની રાહ જોતા વિપક્ષ અને સરકાર વિરોધીઓ રાતોરાત મેદાનમાં આવી ગયા છે. લોકશાહીમાં વિરોધ કરનારાઓને સાંભળવાની ધીરજ મોદી સરકારમાં નથી તે દેખાઈ આવે છે. કોક્રોચ જનતા પાર્ટી દેશની સૌથી નવી અનૌપચારિક પાર્ટી હોવા છતાં સરકારનું નાક દબાવવા સુધી પહોંચીને ઇતિહાસ સર્જી નાખ્યો. જે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ કરી શકી નથી તે કોક્રોચ જનતા પાર્ટીએ કરી બતાવ્યું છે.
સરકારનો વિરોધ કરનારા દરેક કોઈનો હાથો બનીને આવે છે એવું વિચારતી મોદી સરકારે કોક્રોચ જનતા પાર્ટીને નજરઅંદાજ કરી હતી, પરંતુ તેમને લગભગ દરેક વિપક્ષે પડદા પાછળ રહીને ટેકો આપીને આથક બળ પૂરું પાડયું હતું. ભારતની લોકશાહીમાં સત્તાધારી પક્ષની નેતાગીરીને આંદોલનથી ઉથલાવી શકાય એમ નથી, તે માટે ચૂંટણી જીતીને બહુમતી સાબિત કરવી પડે છે. કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન કરતા નેતાઓને કદાચ એ ખબર નહોતી કે તેમને આથક મદદ કરનારા વિપક્ષો આંદોલનનો તખ્તો આંચકી લેશે અને તેમના મનમાં રહેલી મોદી વિરોધી દાઝ બહાર કાઢવાનો ચાન્સ ઝડપી લેશે. હકીકત એ છે કે જે લોકો ચૂંટણી નથી જીતી શક્યા, તે લોકો સડક પર જીતવા મથે છે.
સોશિયલ નેટવર્કમાં બંને પક્ષ, એટલે કે સત્તાધારી પક્ષ અને વિપક્ષની તરફેણ કરનારી ટીમ મેદાનમાં ઉતરી ગઈ હતી અને સાચા-ખોટા ગપગોળાનો મારો શરૂ થઈ ગયો હતો. સરકાર તરફી સોશિયલ મીડિયાની ટીમ આંદોલનકારીઓ પોલીસને ફટકારે તેમ બતાવતી હતી, તો વિપક્ષ તરફી સોશિયલ મીડિયા આંદોલનકારીઓ પર લાઠી વરસાવતી પોલીસ બતાવતું હતું. સોનમ વાંગચુક અને તેમનાં પત્ની પણ સોશિયલ નેટવર્ક પર છવાયેલાં રહ્યાં હતાં. સાંજ સુધીમાં તો રાહુલ ગાંધી, પ્રિયંકા વગેરે વિપક્ષી નેતાઓએ પણ ધરપકડ વહોરી લીધી હતી. પોતે આંદોલન કરનારાઓની સાથે છે એમ બતાવવા કેટલીક બોલિવુડની સેલિબ્રિટી પણ મેદાનમાં આવી ગઈ હતી. પોતે રહી જશે એમ સમજીને શરદ પવાર જેવા કેટલાક નેતાઓ આંદોલન કરતા નેતાઓને મળ્યા હતા.
વડાપ્રધાનના ઘરની બહાર અને જંતર-મંતર રોડ પર પોલીસ અને વિદ્યાર્થીઓ ઘર્ષણમાં ઉતર્યા હતા. કોક્રોચ જનતા પાર્ટીના નેતાઓને બહુ મોડેથી ભાન થયું હતું કે દેશના વિપક્ષે તેમનું આંદોલન હાઈજેક કરી દીધું છે. આમ આદમી પાર્ટી પડદા પાછળ સક્રિય છે તે જાણતાં કોંગ્રેસ પણ આંદોલન કરનારાઓના ટેકામાં આવી ગઈ હતી અને સમગ્ર આંદોલન પર છવાઈ ગઈ હતી. દિલ્હીની પોલીસ ફ્લોપ શો સમાન સાબિત થઈ હતી. દિલ્હીમાં હજારો વિદ્યાર્થીઓ ક્યા રસ્તે ઘૂસી શકે છે તેની માહિતી પોલીસ પાસે ન હોય તે આશ્ચર્યની વાત કહી શકાય.
મોદી સરકાર તુમાખીથી ભરેલી છે એમ વારંવાર કહેતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાચા લાગી રહ્યા છે. પોતાના દેશને લોકશાહી દેશ કહેવો આસાન છે, પરંતુ લોકશાહીનાં મૂલ્યોનું રક્ષણ કરવું બહુ અઘરું છે. આ મૂલ્યોની વ્યાખ્યા સત્તાધારી પક્ષ અને વિપક્ષ તેમની જરૂરિયાત પ્રમાણે બદલતા રહે છે. કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી ત્યારે ભાજપ તરફી આંદોલન કરનારા પર લાઠીઓ વીંઝતી હતી, તે જ કામ આજે એનડીએની સરકાર કરી રહી છે. બધા જ રાજકીય પક્ષો એક માળાના મણકા સમાન છે. દેશના સાંસદો જ લોકશાહીના મૂલ્યોનું પતન કરવાના ઇરાદાથી કામ કરતા હોય ત્યારે લોકશાહીની ઠેકડી ઉડતી હોય એમ લાગે છે.
મોદી સરકારની કામ કરવાની સિસ્ટમ વિરોધ કરનારાઓને પસંદ નથી, કેમ કે મોદી વિરોધ કરનારાઓની માગ આધારિત નિર્ણયો લેતા નથી. વિરોધના કારણે સરકાર કોઈ મંત્રીને બદલવા તૈયાર નથી હોતી. સરકાર પાસે વિરોધ સામે તપાસ શરૂ કરવાની નીતિ છે, પરંતુ તે કોઈ મંત્રી કે રાજ્યપાલને બદલવા તૈયાર નથી હોતી. મોદી સરકાર આંદોલનથી ડરતી નથી એવું પણ નથી. કિસાન આંદોલન વખતે મોદી સરકારે સુધારણા બિલ પાછાં ખેંચી લીધાં હતાં. કોક્રોચ જનતા પાર્ટીએ વડાપ્રધાન મોદી અને તેમની ટીમને ચમત્કાર બતાવી દીધો છે. બહુમતીના જોરે કામ કરતી મોદી સરકારને સુદર્શન ચૂર્ણ જેવા એકાદ કડવા ડોઝની જરૂર હતી.