મેઘ મહેર હવે મેઘ કહેર બની ગઇ ભરાયેલાં પાણીએ આતંક મચાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કિસાનો માટે આ વરસાદી સિઝન વિનાશક બની
- પ્રસંગપટ
- હજુ બમ્પર ચોમાસું આવી રહ્યું છેઃ તીવ્ર વરસાદ કરતાં પણ વધુ જોખમી ભરાયેલાં પાણી છે
જે રીતે વરસાદે વિનાશ વેર્યો છે તે જોતાં લોકો હવે વરસાદને ખમૈયા કરવા વિનવી રહ્યા છે. વરસાદ નિયત સમય કરતાં મોડો આવ્યો તેના કારણે કિસાનો મુશ્કેલીમાં મુકાયા હતા. હવે જ્યારે વરસાદ રૌદ્ર સ્વરૂપ બતાવીને ત્રાટક્યો છે, ત્યારે પણ કિસાનોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કિસાનો માટે આ સીઝન ખર્ચાળ સાબિત થવાની છે. અનેક કિસાનોની વાવણીલાયક જમીન ધોવાઈ ગઈ છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ બમ્પર ચોમાસું આવવાનું બાકી છે. હવામાન વિજ્ઞાાનીઓના કહેવા અનુસાર ભારતથી દક્ષિણ કોરિયા સુધીના ૧૦,૦૦૦ કિલોમીટરમાં વરસાદી વાદળો ઘેરાયેલાં છે. તીવ્ર વરસાદ કરતાં પણ વધુ જોખમી કદાચ ભરાયેલાં પાણી છે. દેશની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોન્સૂન પ્લાન ધોવાઈ ગયા છે. કોઈ શહેરમાં એક જ દિવસમાં ૧૫-૧૮ ઇંચ વરસાદ પડે તો તે બેટમાં ફેરવાઈ જાય છે. આસામમાં ૪૭ લોકો મોતને ભેટયા છે.
હાલની ચોમાસાએ એવો ભયાનક ટર્ન લીધો જેમાં અનેક લોકો મોતને ભેટયા છે, અસંખ્ય લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા. દેશભરમાં લાખો લોકો બેઘર થયા છે. અમદાવાદ નજીક મહેમદાવાદ જેવા નાના વિસ્તારમાં એક દિવસમાં ૧૮ ઇંચ વરસાદ પડયો ને સમગ્ર વિસ્તાર ટાપુ બની ગયો. તે દર્શાવે છે કે જો શુક્રવારે પણ ગુરુવાર જેવો વરસાદ ચાલુ હોત તો બહુ મોટી જાનહાનિની શક્યતા હતી.
વડોદરા, અમદાવાદ, સુરત જેવાં મોટાં શહેરોના પોશ વિસ્તારોના લક્ઝરી બંગલાઓ પાણીમાં ડૂબેલા છે. કોમશયલ કોમ્પલેક્સના બેઝમેન્ટ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોનો માલસામાન બગડી ગયો છે. કેટલાક દિવસો પહેલાં સુરતમાં ભરાયેલાં પાણીએ સર્જેલી કુદરતી આતંક જેવી સ્થિતિ અમદાવાદના અનેક ગ્રાઉન્ડ ફ્લોર પર પણ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોની ઘરવખરી ખરાબ થઈ ગઈ છે તો દુકાનોમાં માલ બગડી ગયો છે. આ નુકસાન કરોડોમાં છે, પણ તેની ગણતરી કોઈ કરવાનું નથી.
વરસાદના ભરાયેલાં પાણીમાં એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) સતત કામ કરી રહ્યા છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોની નદીઓમાં જેમ પૂર આવ્યા છે, એવું જ પશ્ચિમ ભારતમાં પણ જોવા મળી રહ્યું છે.
પૂરનાં પાણી ઓસર્યા પછી સમસ્યાઓનું પૂર જોવા મળશે. લોકો પોતાના ઘરમાં રહેલો કાદવ બહાર નાખશે, સડેલું અનાજ બહાર ફેંકશે. રોગચાળાનો ભય સતાવશે. પાણીમાં ડૂબેલાં ફોર-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ નવેસરથી ખર્ચાળ સવસ માંગી લેશે.
બે દિવસના વરસાદમાં કંઈકેટલાય હાઈવે અને શહેરની અંદરના રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં જો વરસાદ વધુ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ભરાયેલાં પાણીવાળાં શહેરી વિસ્તારો અને ગામોને ત્વરિત સહાય પહોંચાડવાની કામગીરી રાજ્ય સરકાર કરતી હોય છે. આવા સમયે નજીકના પાડોશી, સોસાયટીના અન્ય રહીશો અને ઉત્સાહી સ્વયંસેવકો મદદે આવતા હોય છે. અનેક વિસ્તારોમાં વિતરણ માટે ફૂડ પેકેટો તૈયાર થઈ રહ્યાં છે. અનેક ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આવા હજારો લોકોને આશરો આપનારાઓની મદદ કરવા સ્વૈચ્છિક સંસ્થાઓ પહોંચી રહી છે.
ગામડાના માર્ગો ધોવાઈ ગયા છે, અમદાવાદ-મુંબઈનો એક્સપ્રેસવે ટ્રાફિક જામના કારણે ઠપ થઈ ગયો છે. સુરત-નવસારી વચ્ચેના માર્ગ પર ૨૦ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ શુક્રવારની મોડી સાંજ સુધી થયો હતો. પોલીસ તંત્ર સતત સૂચના આપતું હતું કે હાઈવે પાણીમાં ગરકાવ છે માટે લોકોએ બહાર નીકળવાનું ટાળવું, છતાં કેટલાક લોકો મોન્સૂન એડવેન્ચર કરતા હોય એમ નીકળી પડે છે. એક સમય હતો કે જ્યારે નદીમાં નવાં પાણી આવે ત્યારે લોકો કિનારા પર નાળિયેર વધાવીને, દીવો કરીને તેને આવકારતા, કેમ કે નવાં પાણી સમૃદ્ધિ ખેંચી લાવે છે એવી માન્યતા હતી, પરંતુ હવે લોકો નદીમાં ઘસમસતાં પાણી સાથે પૂરથી ડરવા લાગ્યા છે. દરેક પૂર વિનાશ વેરતું જાય છે. ખરેખર મેઘ મહેર હવે મેઘ કહેર બની ગઇ છે.









