Prasangpat

80 કિલો વજન ઉંચકીને ચાલીને કાવડયાત્રીઓ આખા વિશ્વનું ધ્યાન ખેંચે છે

By GS Team
30 Jul 20263 mins read
TukuTouch Logo
ઉત્તર ભારતમાં આજથી શ્રાવણ માસ શરૂ થતાં 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કાવડ યાત્રાનો પ્રારંભ કરશે. હર હર મહાદેવના નારા સાથે શિવભક્તો પવિત્ર ગંગાજળ ભરી, 80 કિલો જેટલું વજન ઊંચકી, પગપાળા પોતાના ગામના શિવ મંદિરે અભિષેક કરવા નીકળશે. યોગી સરકારે યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

80 કિલો વજન ઉંચકીને ચાલીને કાવડયાત્રીઓ આખા વિશ્વનું ધ્યાન ખેંચે છે
  • ઉત્તર ભારતમાં આજથી શ્રાવણઃ કાવડયાત્રાનો પ્રારંભ
  • પ્રસંગપટ
  • આ વખતે અંદાજે 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરશે અને પોતપોતાના ગામમાં આવેલા શિવ મંદિરમાં અભિષેક કરશે

ઉત્તર ભારતમાં આજથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, જ્યારે આપણે ત્યાં પંદર દિવસ પછી એટલે કે ૧૩ ઓગસ્ટથી શરૂ થશે. એક જ દેશમાં જુદી જુદી તારીખે ઉજવાતા શ્રાવણ માસ પાછળનું કારણ પૂનમ અને બેસતો મહિનો છે. કલેન્ડર પ્રણાલી અનુસાર ઉત્તર ભારત સહિત કેટલાક રાજ્યોમાં પૂનમથી નવો મહિનો ગણાય છે, જ્યારે કેટલાક રાજ્યોમાં અમાસ-બેસતા મહિનાથી નવો મહિનો ગણાય છે.
ઉત્તર ભારતમાં શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું વિશેષ મહત્વ છે. સૌથી મોટી ધામક યાત્રાઓમાંની એક ગણાતી કાવડ યાત્રામાં ૩ કરોડથી વધુ લોકો ઉમટે છે. મોટા ભાગના કાવડ સંઘો હોય છે, તો કેટલાક પાંચ-પંદરના જૂથમાં નીકળે છે. તેમના 'હર હર મહાદેવ'ના નારા પવિત્ર નદીઓ સુધીના માર્ગોને ૨૪ કલાક ગુંજવતા હોય છે.
ગુજરાતમાં જે ફાગણમાં ડાકોરની પદયાત્રા અને ભાદરવામાં અંબાજીની પદયાત્રા નિશ્ચિત તહેવારોમાં આવે છે, તેવું જ કાવડ યાત્રાનું છે. ડાકોરની અને અંબાજીની પદયાત્રામાં પાંચેક લાખ પદયાત્રીઓ જોવા મળે છે. હવે તો તેમની સંખ્યામાં ઘટાડો પણ નોંધાયો છે. પરંતુ ઉત્તર પ્રદેશની કાવડ યાત્રામાં કાવડિયાઓની સંખ્યામાં વધારો થયો છે.
ડાકોર અને અંબાજીની પદયાત્રાઓ કઠિન હોવાની સાથે સવલતોવાળી હોય છે. તેમાં કોઈ વજન ઊંચકવાનું નથી હોતું, જ્યારે કાવડયાત્રા વજન ઊંચકીને કરાતી યાત્રા છે. જ્યારે પવિત્ર ગંગાજળ લઈને શ્રદ્ધાળુઓ પરત ફરે છે, ત્યારે જળ નીચે ન ઢોળાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
ઉત્તર ભારતની કાવડ યાત્રા કોઈ પણ રાજકીય પક્ષની સાડાબારી નથી રાખતી. તે સ્વયંભૂ હોય છે. જોકે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાવડ યાત્રા માટે વિશેષ કવચ જેવી વ્યવસ્થા ઊભી કરી છે.
ભૂતકાળમાં કાવડ યાત્રાના માર્ગ પર શ્રદ્ધાળુઓને પરેશાની નડતી હતી અને અનેક વાર અસામાજિક તત્ત્વો તેમની સાથે મારપીટ કરતા હતા, પરંતુ યોગી સરકારે સમૂળગું પરિવર્તન કર્યું છે. કરોડો લોકો પવિત્ર ગંગાજળ ભરીને જ્યારે ભારે વજનના કાવડ ઊંચકીને પરત ફરે છે, ત્યારે વિશ્વભરનાં સમાચાર માધ્યમો તેમને કેમેરામાં મઢવા લાઈનમાં મંચ લગાવીને બેઠા હોય છે.
આ વખતે ૪ થી ઓગસ્ટથી જ કાવડ યાત્રા પરના માર્ગો બંધ કરી દેવાશે. કાવડયાત્રામાં ભાગ લેવા તંદુરસ્તી હોવી જરૂરી છે, કેમ કે તેમાં ૮૦ કિલો જેટલું વજન ઊંચકીને ચાલવાનું હોય છે અને પરત ફરતી વખતે ૨૦ લીટર જેટલું પવિત્ર ગંગાજળ લઈને આવવાનું હોય છે. કેટલાક કાવડિયા ઉપવાસ કરતા હોય છેત પોતાના ગામના મંદિરમાં જ્યાં સુધી ગંગાજળનો અભિષેક ન થાય ત્યાં સુધી ઉપવાસ રાખે છે.
ખૂબ શ્રમ સાથે સંકળાયેલી આ યાત્રા નથી તો સરકારનો કે અન્ય કોઈ પક્ષનો ટેકો માંગતી કે નથી તો તેમાં કોક્રોચ પાર્ટી કે બીજી કોઈ પાર્ટીના કોઈ કાર્યકરો જોડાતા, કેમ કે તેમાં ભક્તિ સિવાય કશું જ લેવાનું-ખાવાનું નથી હોતું. માત્ર ભગવાન શિવ પ્રત્યેની તેમનામાં રહેલી અપાર શ્રદ્ધા તેમને પદયાત્રા કરવાનું જોર આપે છે.
વિશ્વની આવી કોઈ ધામક પદયાત્રા નથી કે જેમાં ૮૦ કિલો જેટલું વજન ઊંચકવાનું હોય. મોટા ભાગના કાવડિયાઓ ખુલ્લા પગે ચાલતા હોય છે. કાવડયાત્રા બહુ શ્રદ્ધા સાથે માર્ગ પર નીકળતી હોય છે. ગયા વર્ષે જ્યારે ૮૦૦થી ૧૦૦૦ કિલોની ભગવાન શિવની સોને મઢેલી મૂત સાથે કાવડ યાત્રીઓ ગુરુગ્રામથી ૨૫૦ કિલોમીટરની યાત્રા કરીને ૪૦ લીટર પવિત્ર ગંગાજળ લઈને પરત ફર્યા, ત્યારે આખા માર્ગ પર લોકોએ ગુલાબની પાંદડીઓ વેરી હતી. માર્ગ પર લાખો લોકો સોનાની કાવડ યાત્રા જોવા ઉમટયા હતા. ભગવાન શિવ તરફની શ્રદ્ધા બતાવવાનો મોકો ઉત્તર પ્રદેશના શિવભક્તો છોડવા તૈયાર નથી હોતા.
પદયાત્રા કરીને કાવડમાં લાવેલા ગંગાજળના અભિષેકથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ ખેંચી લાવે છે, તે વાત ઉત્તર પ્રદેશના લોકોના મનમાં ઘર કરી ગઈ છે. ગુ્રપમાં નીકળતા શિવભક્તો સાથે રથ રાખે અને રથને ખેંચીને લાવે છે. હવે તો મહિલાઓ પણ મોટા પ્રમાણમાં કાવડ યાત્રામાં જોડાય છે, પણ મોટા ભાગે યુવાનો વધુ નજરે પડે છે.
કાવડિયાઓને રહેવા-જમવા માટેની સવલતો યોગી સરકારે તો ઊભી કરી છે જ, પણ સાથે સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંદિરોએ પણ કાવડ ઊંચકીને ચાલતા પદયાત્રીઓ માટે રહેવા-જમવાની સવલતો ઊભી કરી છે.