ફિફાનો ક્રેઝઃ કેરળમાં બ્રાઝિલ હાઉસ તો પાકિસ્તાનમાં મિની બ્રાઝિલ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેરળમાં ફૂટબોલ ફિવર તમામ હાઇવે પર છવાઈ જાય છે
પ્રસંગપટ
મેસ્સીનું 70 ફૂટ ઊંચું કટઆઉટ એટલું પ્રખ્યાત થયું હતું કે મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ્'નું શૂટીંગ ત્યાં કરવામાં આવ્યું હતું
ફિફાનો જંગ જેમ જેમ આગળ વધતો જાય છે, તેમ તેમ તેના ટીવી દર્શકો વધી રહ્યા છે. ગુજરાતમાં ફિફાએ ફૂટબોલ રસિયાઓની ઊંઘ લેવાની સાઇકલ બદલી નાખી છે. એકાદ દિવસ માટે ઉજાગરા કરવાનું ચાલી શકે, પરંતુ ફાઇનલ સુધીની તમામ મેચો રસાકસી ભરેલી હોઈ લોકો શરીર માટે ખૂબ મહત્ત્વની એવી ઊંઘ બગાડીને પણ મેચો માણશે. ફિફાની મેચો અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાનાર હોઈ ભારતના દર્શકોએ મોડી રાત સુધી જાગ્યા સિવાય છૂટકો નથી હોતો. ૨૦મી જુલાઈએ ફાઇનલ મેચ વખતે લોકો મોડે સુધી જાગશે. તેથી બેંગલુરુની કેટલીક કંપનીઓ ૨૧મીએ અડધા દિવસની રજા આપવાની છે.
ફિફાનો ક્રેઝ કેરળમાં બહુ મોટા પાયે જોવા મળે છે. લોકો જાહેરમાં ટીવી ગોઠવીને મોડી રાત સુધી ચિચિયારીઓ પાડીને મેચ જુએ છે. તેમનો પ્રિય ખેલાડી જ્યારે બોલને ડ્રિબલિંગ કરીને ગોલ કરવા તરફ દોડે છે, ત્યારે હજારો કિલોમીટર દૂર બેઠેલા પ્રેક્ષકો ચિચિયારીઓ પાડતા હોય છે. ગોલ થાય છે ત્યારે આખું ઓડિયન્સ નાચવા લાગે છે. સોશિયલ નેટવર્ક પર પણ મોડી રાત્રે 'વોટ એ ગોલ' મેસેજનો મારો થાય છે.
ફિફા વર્લ્ડ કપનો ક્રેઝ કેરળના શહેરોમાં જાયન્ટ કટઆઉટના સ્વરૂપમાં જોવા મળે છે. રમતી વખતે પોતાનો પ્રિય ખેલાડી પડી જાય તો પણ દર્શકો નારાજ થઈ જાય છે. જો તેમના પ્રિય ખેલાડી સાથે અન્ય દેશના કોઈ ખેલાડી કે રેફ્રી લડી પડે, તો પણ કેરળના દર્શકોમાં સન્નાટો છવાઈ જાય છે. કેરળમાં ફૂટબોલ ફિવર તમામ હાઈવે પર જોવા મળે છે.
પોતાના પ્રિય ખેલાડીના મોટાં કટઆઉટ ખેતરમાં ઊભા કરવામાં આવે છે અને લોકોનું ધ્યાન ખેંચવામાં આવે છે. કેરળમાં તો આવા કટઆઉટ મૂકવા માટેની ચડસાચડસી થાય છે. સમગ્ર રાજ્યમાં લિઓનલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમજ નેમારનાં મોટા કટઆઉટ જોવા મળે છે.
૨૦૨૨માં કેરળના ઇડુક્કી જિલ્લાના વાઝિયાથાલા ખાતે આર્જેન્ટિનાના સ્ટાર પ્લેયર લિયોનલ મેસ્સીનો ૭૦ ફૂટ ઊંચો કટઆઉટ મૂકાયો હતો. દોઢ લાખના ખર્ચે આ કટઆઉટ મૂકાયો હતો, જેમાં પ્લાયવૂડનો ઉપયોગ કરાયો હતો. આ કટઆઉટ એટલો પ્રખ્યાત થયો હતો કે મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ', 'જોસેફ' જેવી ફિલ્મોનું શૂટિંગ પણ ત્યાં કરાયું હતું.
કેરળની લોકલ ફૂટબોલની ટીમો પણ દર્શકોને પ્રોત્સાહિત કરે છે. કેરળના કેટલાક લોકો મહત્ત્વની મેચો માણવા ઓફિસમાંથી રજા લઈ લે છે. કટઆઉટ માટે દુકાનો પાસેથી ભંડોળ મેળવવામાં આવે છે. આ વિસ્તારોમાં ક્રિકેટ મેચો કરતાં પણ વધુ ફૂટબોલ મેચોમાં લોકો રસ ધરાવે છે. ખાસ કરીને ઉત્તર કેરળમાં ફૂટબોલનો ક્રેઝ વધુ જોવા મળે છે.
ઉત્તર કેરળમાં બ્રાઝિલ હાઉસ જેવા ટેન્ટ તૈયાર કરાય છે, જેમાં ફૂટબોલ પ્લેયરના વિશાળ કટઆઉટ એવી રીતે ગોઠવાય છે કે લોકો ત્યાં ઊભા રહીને પ્લેયરના કટઆઉટ સાથે સેલ્ફી લઈ શકે. ટેન્ટના પડદાનો કલર બ્રાઝિલના કલર પીળા અને લીલા જેવો રખાય છે. ટેન્ટમાં સેવા માટે ફરતા લોકોએ પોતાના ફેવરિટ પ્લેયરના નામની જર્સી પહેરી હોય છે.
બ્રાઝિલ હાઉસ પાસેથી પસાર થતા લોકો 'આર્જેન્ટિના વેમોસ' નામના સૂત્રોચ્ચાર કરે છે. બ્રાઝિલનો નબળો દેખાવ સુધરે તેના માટે લોકો મંદિરોમાં દર્શનની બાધા રાખતા હોય છે. અહીંના લોકો મેસ્સીને ફૂટબોલનો મસીહા ગણે છે.
પાકિસ્તાનમાં પણ ફિફાનો ક્રેઝ જોવા મળે છે. પાકિસ્તાનનું એક ગામ તો બ્રાઝિલના પ્રેમમાં એટલું ગળાડૂબ હોય છે કે તેને લોકો 'મિનિ બ્રાઝિલ' તરીકે ઓળખે છે. કરાચી નજીક આવેલો લ્યારી વિસ્તાર ફૂટબોલના જંગ દરમિયાન બ્રાઝિલના રંગે રંગાઈ જાય છે. લોકો બ્રાઝિલની ટીમની જર્સી પહેરતા હોય છે અને તેમના પ્રિય ખેલાડીઓનાં કટઆઉટ મૂકીને તેમની સફળતા માટે તસવીરો પર લોબાન-ધૂપ ફેરવે છે.
'ધૂરંધર' સિરીઝની ફિલ્મોને કારણે ખૂબ જાણીતા બની ગયેલા લ્યારીએ અનેક ફૂટબોલ પ્લેયર આપ્યા છે, જેમાં પાકિસ્તાનના પેલે તરીકે ઓળખાતા અબ્દુલ ગફાર અને અલી નવાઝ બલોચનો સમાવેશ થાય છે.









