India

દેહરાદૂનમાં ઠેર ઠેર તારાજી: ટપકેશ્વર મંદિર ડૂબ્યું, સહસ્ત્રધારા-માલદેવતા પણ જળમગ્ન; PM મોદીએ સમીક્ષા કરી

By GS Team
16 Sep 20253 mins read
This article was originally published on 16 Sep 2025
TukuTouch Logo
ઉત્તરાખંડના દહેરાદૂનમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે (15 સપ્ટેમ્બર) મોડી રાત્રે વાદળ ફાટવાથી અમુક દુકાનો વહી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ, બે લોકો ગુમ જણાવવામાં આવી રહ્યા છે. અહીં સતત રેસ્ક્યુ અને બચાવ કામગીરી શરૂ છે. તંત્ર મોડી રાતથી અહીં લોકોની મદદ માટે પહોંચી ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેહરાદૂનમાં ઠેર ઠેર તારાજી: ટપકેશ્વર મંદિર ડૂબ્યું, સહસ્ત્રધારા-માલદેવતા પણ જળમગ્ન; PM મોદીએ સમીક્ષા કરી

Uttarakhand Cloudburst: ઉત્તરાખંડના દહેરાદૂનમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે (15 સપ્ટેમ્બર) વહેલી સવારે 5 વાગ્યે વાદળ ફાટવાથી અનેક દુકાનો વહી ગઈ હતી. જોકે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને. બે લોકો ગુમ હોવાના અહેવાલ મળ્યા છે. અહીં સતત રેસ્ક્યુ અને બચાવ કામગીરી શરૂ છે. તંત્ર મોડી રાતથી અહીં લોકોની મદદ માટે પહોંચી ગયું છે. SDRF, NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રીએ ફોન પર મુખ્યમંત્રી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને શક્ય તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. 

આ પણ વાંચોઃ પીએમ મોદીએ બિહારમાં રૂ. 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા

ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું

ઉત્તરાખંડને ફરી એકવાર કુદરતનો માર સહન કરવો પડી રહ્યો છે. સહસ્ત્રધારના કાર્લીગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી લોકો ગભરાઈ ગયા હતા. વાદળ ફાટવાથી 2-3 મોટી હોટલોને નુકસાન થયું છે, જ્યારે બજારમાં બનેલી 7-8 દુકાનો ધરાશાયી થઈ ગઈ છે.

100 જેટલા લોકો ફસાયા હતા

લગભગ 100 જેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા હતા જેમને ગ્રામજનોએ જાતે જ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વાદળ ફાટવાની જગ્યાની નજીક રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. SDRF, NDRF, જાહેર બાંધકામ વિભાગે રાત્રે જ કામ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

300-400 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે, 'દહેરાદૂનના સહસ્ત્રધાર અને માલ દેવતા તેમજ મસૂરીથી પણ નુકસાનના અહેવાલો મળી રહ્યા છે. દહેરાદૂનમાં બે થી ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે. મસૂરીમાં એક વ્યક્તિના મૃત્યુના સમાચાર છે, જેની પુષ્ટિ થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે, જ્યારે 300 થી 400 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.'

આ પણ વાંચોઃ દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ

મુખ્યમંત્રીએ આપી માહિતી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, 'મોડી રાત્રે દહેરાદૂનના સહસ્ત્રધારામાં ભારે વરસાદને કારણે કેટલીક દુકાનોને નુકસાન થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર, SDRF, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત તેમજ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું આ સંદર્ભે સતત સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છું અને પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.'

વડાપ્રધાન મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવી. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ રાજ્યને શક્ય તમામ સહાયની ખાતરી આપી અને કહ્યું કે આ આફતની ઘડીમાં કેન્દ્ર સરકાર રાજ્યની સાથે મજબૂતીથી ઉભી છે.

તંત્ર એલર્ટ

દહેરાદૂનમાં આ દુર્ઘટના બાદ, જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. IRS સિસ્ટમ સાથે જોડાયેલા વિભાગો પણ સક્રિય થઈ ગયા છે. મંગળવારે સવારથી દહેરાદૂનમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે, આઈટી પાર્ક નજીક મોટા પ્રમાણમાં કાટમાળ ધસી ગયો હતો, જેના કારણે સોંગ નદીનું પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. પોલીસે નદીકાંઠે રહેતા લોકોને ચેતવણી આપી છે અને તેમને સુરક્ષિત સ્થળોએ જવા કહ્યું છે. બીજી બાજુ, મસૂરીમાં પણ મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે, મસૂરી દેહરાદૂન પાની વાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થવાથી માર્ગ બંધ થઈ ગયો છે. 

દહેરાદૂનનાં માલદેવતા નજીક સોંગ નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદી બેકાબૂ ગતિએ વહી રહી છે, પુલ તૂટી પડ્યા છે. હવામાનને  ધ્યાનમાં રાખીને, આજે ધોરણ 1 થી ધોરણ 12 સુધીની બધી શાળાઓ બંધ કરવામાં આવી છે. આ સિવાય ઋષિકેશમાં પણ ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું છે. પાણી હાઇવે સુધી પહોંચી ગયું છે. ઘણા વાહનો અને લોકો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા છે. SDRF ટીમે ચંદ્રભાગા નદીમાંથી ત્રણ લોકોને બચાવ્યા છે.

તપકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 1-2 ફૂટ કાટમાળ જમા થયો હતો. મંદિર વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. આઈટી પાર્ક દેહરાદૂન પાસે રસ્તાઓ પર વાહનો રમકડાંની જેમ તરતા જોવા મળ્યા હતા.