પીએમ મોદીએ બિહારમાં રૂ. 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા
- ઘુસણખોરોને કારણે કેટલાક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક : પીએમ
- સંરક્ષણ ક્ષેત્રે ભાવી પડકારોને પહોંચી વળવા આત્મનિર્ભરતા અને નવિનતા પર ભાર મૂકવા વડાપ્રધાનની હાકલ
પટણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ગેરકાયદે વસાહતીઓને કારણે સ્થાનિક લોકો પોતાની માતાઓ બહેનોની સુરક્ષાને લઇને ચિંતામાં મુકાયા છે. જ્યારે બીજી તરફ વિરોધી પક્ષો ગેરકાયદે વસાહતીઓને રક્ષણ આપી રહ્યા છે. બિહારના પૂર્ણિયામાં રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સાથે તેમણે ૩૬,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ખુલ્લા મુક્યા હતા.
મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ બિહારના નાગરિકોની સરખામણી બીડી સાથે કરી રહી છે જે બિહારીઓ માટે અપમાન સમાન છે. ઘુસણખોરીને કારણે દેશના પૂર્વના હિસ્સામાં વસ્તી વિષયક સંકટ પેદા થઇ રહ્યું છે. આસામ, બિહાર, બંગાળના નાગરિકોને ચિંતામાં મુકાયા છે. જેને કારણે જ મે લાલ કિલ્લા પરથી ડેમોગ્રાફી મિશનની જાહેરાત કરી હતી. પરંતુ કોંગ્રેસ, આરજેડી અને તેના સંપૂર્ણ ઇકોસીસ્ટમે મતબેન્કના રાજકારણ માટે વિદેશી ઘુસણખોરોને બચાવવાનું શરૂ કરી દીધું. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ઘુસણખોરો પર આકરી કાર્યવાહી કરવામાં આવશે અને દેશને તેમના ફળ મળશે. વોટચોરીના વિરોધી પક્ષોના આરોપોને લઇને જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે જનતા કોંગ્રેસ અને આરજેડીને યોગ્ય જવાબ આપશે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે સ્વીકાર કર્યો હતો કે સરકાર દ્વારા એક રૂપિયો ખર્ચ કરાય છે તેમાં માત્ર ૧૫ પૈસા જ લોકો સુધી પહોંચે છે. બાકીના ૮૫ પૈસા પંજો ખાઇ જતો હતો. બિહારમાં ચૂંટણી માટે ગમે ત્યારે તારીખો જાહેર થઇ શકે છે. આ સ્થિતિ વચ્ચે હાલ કોંગ્રેસ, આરજેડી રેલીઓ યોજી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે. સાથે જ મોદીએ બિહારના પૂર્ણિયા એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું.