દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ
- બિહારના એસઆઇઆરમાં કઇ ગેરકાયદે જણાશે તો અટકાવીશું
- મતદાનના અધિકારથી વંચિત ના રાખી શકો : વકીલ
- દેશવ્યાપી પ્રક્રિયા મુદ્દે દલીલ કરવા અરજદારને છૂટ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મતદારોના વેરિફિકેશન મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે બિહારમાં જે વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમાં કઇ ગેરકાયદે સામે આવ્યું તો નિર્ણય રદ કરીશું. આ સાથે જ સુપ્રીમે કહ્યું હતું કે દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા પર સ્ટે ના મુકી શકાય. હાલ બિહારની વેરિફિકેશન પ્રક્રિયા એસઆઇઆર પર સ્ટેની સુપ્રીમે ના પાડી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બાગ્ચીની બેંચે કહ્યું હતું કે બિહારમાં મતદારોના વેરિફિકેશન માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેવી જ પ્રક્રિયા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવે તો તેના પર પણ સ્ટે ના મુકી શકાય. ચૂંટણી પંચને દેશવ્યાપી પ્રક્રિયા હાથ ધરતા ના અટકાવી શકાય. આ મામલે હવે આગામી સાત ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે જે દરમિયાન સમગ્ર દેશમાં વેરિફિકેશન પ્રક્રિયા મુદ્દે દલીલ કરવાની અરજદારને છૂટ આપવામાં આવી હતી.
એડીઆર સંસ્થા દ્વારા કરાયેલી અરજીની દલીલો કરતા વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું હતું કે ચૂંટણી પંચ બિહારની જેમ અન્ય રાજ્યોમાં પણ મતદારોનું વેરિફિકેશન કરવા જઇ રહ્યું છે. આ પ્રક્રિયાની કાયદેસરતા તરફ કોર્ટનું ધ્યાન દોરવા માગીએ છીએ. જ્યારે અન્ય વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું હતું કે ગેરકાયદે પગલાને કારણે કોઇને પણ મતદાનના અધિકારથી વંચિત ના રાખી શકાય. બાદમાં સુપ્રીમની બેંચે કહ્યું હતું કે જો અમે બિહારમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયામાં કઇ પણ ગેરકાયદે જણાશે તો તેને સંપૂર્ણ રીતે અટકાવી દઇશું. હવે આ મામલે સાત ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે ચૂંટણી પંચ બિહારની જેમ અન્ય રાજ્યોમાં કે સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન શરૂ કરી શકે છે. એવામાં સુપ્રીમે સ્પષ્ટતા કરી છે કે કદાચ આવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પણ અમે તેના પર હાલ રોક નહીં લગાવીએ.