Strait Of Hormuz: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને હવે અન્ય એક મહત્વપૂર્ણ વૈશ્વિક દરિયાઈ માર્ગ બાબ અલ-મંડેબ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાના સંકેત આપ્યા છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન અને ઊર્જા પુરવઠાને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફના ધમકીભર્યા નિવેદને સંકેત આપ્યો છે કે આ વ્યૂહાત્મક જળમાર્ગ હવે તણાવનું આગામી કેન્દ્ર બની શકે છે.
ઈરાન દુનિયાની વધુ એક નસ દબાવવા તૈયાર
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે સોશિયલ મીડિયા પર ઈશારામાં જણાવ્યું કે તેહરાન હવે આ રસ્તાને પણ દબાણ બનાવવાના હથિયાર તરીકે જોઈ રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, ‘દુનિયાનું કેટલું તેલ, ગેસ, ઘઉં, ચોખા અને ખાતર બાબ અલ-મંડેબથી પસાર થાય છે?’ અને સાથે એ પણ પૂછ્યું કે કયા દેશો અને કંપનીઓ આ રસ્તા પર સૌથી વધુ નિર્ભર છે? તેમના આ સવાલને સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે ઈરાન હવે વૈશ્વિક સપ્લાયની વધુ એક નસ દબાવવા માટે તૈયાર છે.
સ્થિતિ વધુ ગંભીર બની શકે
28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે સંઘર્ષ વધી ગયો છે, જેના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દરિયાઈ પરિવહન પ્રભાવિત થયું છે. આ માર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ પુરવઠા માર્ગોમાંથી એક છે અને તેના ખોરવાઈ જવાથી વૈશ્વિક બજારોમાં પહેલેથી જ અસ્થિરતા વધી ગઈ છે. હવે બાબ અલ-મંડેબ પર સંભવિત તણાવથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
શું છે સ્ટ્રેટ ઓફ બાબ અલ-મંડેબ?
સ્ટ્રેટ ઓફ બાબ અલ-મંડેબ લાલ સમુદ્રને એડનની ખાડી સાથે જોડે છે. તેની એક તરફ યમન આવેલું છે, જે તેને અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. આ માર્ગ યુરોપ અને એશિયા વચ્ચેના વેપારનો મુખ્ય દરિયાઈ રસ્તો છે. અહીંથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ, LNG, ઘઉં, ચોખા અને ખાતરનું વિશ્વના વિવિધ દેશોમાં પરિવહન થાય છે.
હુતી બળવાખોરો આપી ચૂક્યા છે ધમકી
યમનના હુતી બળવાખોરો પહેલાથી જ આ વિસ્તારમાં જહાજો પર હુમલો કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેમને ઈરાન સમર્થિત 'એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ'નો હિસ્સો માનવામાં આવે છે. ઓક્ટોબર 2023માં ગાઝા યુદ્ધ શરૂ થયા પછી, હુતી જૂથે મિસાઈલ, ડ્રોન અને વિસ્ફોટક નૌકાઓ દ્વારા લાલ સમુદ્ર અને એડનની ખાડીમાં અનેક વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે. 28 માર્ચે હુતીઓએ ઈઝરાયલ તરફ મિસાઈલ છોડી હતી, જે વર્તમાન તણાવ પછી પ્રથમ મોટી સૈન્ય કાર્યવાહી હતી.
શિપિંગ કંપનીઓ માટે જોખમ
એક્સપર્ટ્સનું માનવું છે કે જો બાબ અલ-મંડેબમાં અવરોધ ઊભો થાય છે, તો તેની અસર વૈશ્વિક તેલના ભાવ, સપ્લાય ચેઈન અને આંતરરાષ્ટ્રીય વેપાર ખર્ચ પર વ્યાપકપણે પડી શકે છે. જો કે હાલમાં કોઈ ઔપચારિક નાકેબંધી નથી, પરંતુ છૂટાછવાયા હુમલાઓ અને ધમકીઓએ પહેલેથી જ શિપિંગ કંપનીઓ માટે જોખમ અને વીમા ખર્ચમાં વધારો કર્યો છે.
નવું ફ્લેશપોઈન્ટ બનવાની આશંકા
નિષ્ણાતોના મતે, હોર્મુઝ પછી જો બાબ અલ-મંડેબ પણ અસ્થિર બને છે, તો તે અમેરિકા-ઈરાન સંઘર્ષનું નવું ફ્લેશપોઈન્ટ બની શકે છે. યમનની ભૌગોલિક સ્થિતિ અને હુતી ગતિવિધિઓને કારણે આ જળમાર્ગ પહેલા પણ 2023-24 દરમિયાન અનેકવાર પ્રભાવિત થઈ ચૂક્યો છે.
બાબ અલ-મંડેબ સ્ટ્રેટને 'ગેટ ઓફ ટિયર્સ' કેમ કહેવાય છે?
'બાબ અલ-મંડેબ' નામ અરબી ભાષાના શબ્દો પરથી આવ્યું છે. 'બાબ' એટલે દરવાજો અને 'મંડેબ' એટલે વિલાપ કે દુઃખ. એટલે ‘બાબ અલ-મંડેબ’નો અર્થ થાય છે 'આંસુનો દરવાજો' (Gate of Tears).


