Get The App

Explainer: હોર્મુઝ પછી ઈરાનની ‘બાબ અલ-મંડેબ’ એટલે કે ‘ગેટ ઓફ ટિયર્સ’ જળમાર્ગ બંધ કરવાની ધમકી, જાણો તેનું મહત્ત્વ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: હોર્મુઝ પછી ઈરાનની ‘બાબ અલ-મંડેબ’ એટલે કે ‘ગેટ ઓફ ટિયર્સ’ જળમાર્ગ  બંધ કરવાની ધમકી, જાણો તેનું મહત્ત્વ 1 - image

Bab al-Mandeb or Gate of Tears: મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે એક નવો વિવાદ ઊભો થયો છે. હોર્મુઝની ખાડીના જળ માર્ગ પર પર ઈરાનની પકડ ઢીલી કરવા માટે અમેરિકા ઈરાનના ખાર્ગ ટાપુ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આવી ચર્ચાએ જોર પકડતાં ઈરાને દુનિયાને ધમકી આપતાં કહ્યું છે કે જો અમારા માટે આ મહત્ત્વના ગણાતા ટાપુ પર હુમલો થયો, તો ઈરાન 'બાબ અલ-મંડેબ સ્ટ્રેટ'માં નાકાબંધી કરી દેશે. જે રસ્તેથી વિશ્વના 12 ટકા ક્રૂડ ઓઇલની અવરજવર થાય છે, તે બંધ કરી દેવાની ઈરાનની ધમકીથી યુદ્ધનો માહોલ ઔર ગરમાયો છે. ચાલો જાણીએ કે 'બાબ અલ-મંડેબ’ સામુદ્રધુની એટલે કે 'આંસુનો દરવાજો' (Gate of Tears) ક્યાં આવેલો છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ શું છે. 

ક્યાં આવેલી છે 'બાબ અલ-મંડેબ' સામુદ્રધુની?

'બાબ અલ-મંડેબ'ની ખાડી એશિયા અને આફ્રિકાને જોડે છે. એશિયાના યમન અને આફ્રિકાના જિબુટી વચ્ચે આવેલો આ જળમાર્ગ રાતા સમુદ્ર (Red Sea)ને ઈડનનાં અખાત (Gulf of Aden) અને અરબ સાગર (Arabian Sea) સાથે જોડે છે. 

'બાબ અલ-મંડેબ'નું વ્યૂહાત્મક મહત્ત્વ

આ સામુદ્રધુની મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, 

- યુરોપ, એશિયા અને મધ્ય-પૂર્વ વચ્ચે વેપાર કરતા જહાજો માટે આ સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ છે.

- સુએઝ નહેરમાંથી પસાર થતા તમામ જહાજોને આ સામુદ્રધુનીમાંથી ફરજિયાત પસાર થવું પડે છે. આ સામુદ્રધુનીમાં થઈને જહાજો રાતા સમુદ્રમાં પ્રવેશે છે અને પછી સુએઝ નહેરમાં થઈને યુરોપને સ્પર્શતા ભૂમધ્ય સાગર (Mediterranean Sea)માં દાખલ થાય છે. 

- દર વર્ષે આ માર્ગે આશરે $1 ટ્રિલિયન (રૂ. 94 લાખ કરોડ)નો માલસામાન પસાર થાય છે. રોજ લગભગ 4.5 મિલિયન બેરલ તેલ આ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. 

ટૂંકમાં, બાબ અલ-મંડેબ એ રાતા સમુદ્રનું દક્ષિણી પ્રવેશદ્વાર છે, જે આફ્રિકા અને એશિયાને અલગ પાડતી એક કુદરતી દરિયાઈ સરહદ છે.

ખાર્ગ ટાપુ અમેરિકાના નિશાના પર શા માટે?

ઈરાન જાણે છે કે હોર્મુઝની ખાડી પર તેનું નિયંત્રણ તેનું સૌથી મોટું શસ્ત્ર છે. આ ખાડીમાંથી વિશ્વના 20 ટકા ઊર્જા સ્ત્રોતો પસાર થાય છે. જ્યાં સુધી ઈરાન હોર્મુઝની ખાડીનું નાક દબાવીને બેઠું છે ત્યાં સુધી તેને હરાવી નહીં શકાય. તેથી જ હોર્મુઝને ફરીથી ખોલવા માટે ખાર્ગ ટાપુ પર હુમલો કરવાની યોજના અમેરિકા બનાવી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

ખાર્ગ ટાપુ એટલે ઈરાનનું 'ક્રાઉન જ્વેલ’

ખાર્ગ ટાપુ ઈરાન માટે આર્થિક રીતે અત્યંત મહત્ત્વનો છે. તે ઈરાનનું 'ક્રાઉન જ્વેલ' ગણાય છે કારણ કે, દેશની 90 ટકા ક્રૂડ ઓઇલની નિકાસ આ ટાપુ દ્વારા જ થાય છે. તેથી ઈરાન કોઈપણ ભોગે ખાર્ગ પરનો હુમલો ચલાવી લેવા તૈયાર નથી. તેથી અમેરિકા ખાર્ગ પર હુમલો કરતાં પહેલાં દસ વાર વિચારે એ માટે ઈરાને બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાં નાકાબંધી કરવાની ધમકી આપી છે. 

1,900 કિ.મી. દૂરના જળ માર્ગને ઈરાન કેવી રીતે બંધ કરશે?

આ જળ માર્ગ ઈરાનથી લગભગ 1,900 કિલોમીટર દૂર છે. સવાલ એ છે કે, ઈરાન આટલે દૂરની ખાડીમાં નાકાબંધી કઈ રીતે કરી શકે? આ સવાલનો જવાબ છે ઈરાનના પ્રોક્સી જૂથો. ઈરાન સીધો નહીં, પરંતુ તેના સાથી હુથી વિદ્રોહીઓ દ્વારા આ વિસ્તારમાં ભાંગફોડ કરી શકે છે. મોટા ભાગના હુથી બળવાખોરો યમનમાં  છે. તેઓ ઈરાન સાથે સંકળાયેલા છે. ઈઝરાયલ-ગાઝા સંઘર્ષમાં પણ હુથીઓએ ઈરાને આપેલા ડ્રોન અને મિસાઇલો વડે બાબ અલ-મંડેબની ખાડીમાંથી પસાર થતાં ઈઝરાયલના જહાજો પર હુમલા કર્યા હતા. તેમણે વચન પણ આપ્યું છે કે જો જરૂર પડશે તો તેઓ ઈરાનને આ ખાડી જ કબજે કરી લેવામાં મદદ કરશે.

બાબ અલ-મંડેબ સ્ટ્રેટને 'ગેટ ઓફ ટિયર્સ' કેમ કહેવાય છે?

'બાબ અલ-મંડેબ' નામ અરબી ભાષાના શબ્દો પરથી આવ્યું છે. 'બાબ' એટલે દરવાજો અને 'મંડેબ' એટલે વિલાપ કે દુઃખ. એટલે ‘બાબ અલ-મંડેબ’નો અર્થ થાય છે 'આંસુનો દરવાજો' (Gate of Tears).

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે આવતીકાલે તમામ મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની મોટી બેઠક, કોઈ મોટો નિર્ણય લેવાશે?

આ દરિયાઈ માર્ગ ખૂબ જ સાંકડો છે. એનો સૌથી સાંકડો હિસ્સો તો માત્ર 26 કિલોમીટર (આશરે 16 માઈલ) પહોળો છે. આ સાંકડા માર્ગમાં રહેલા ખડકો અને ઉથલપાથલ ભરેલા પાણીને કારણે દરિયાઈ સફર ખૂબ જોખમી બને છે. ભૂતકાળમાં જહાજી વ્યવહારની ટેકનોલોજી આજના જેવી આધુનિક નહોતી, ત્યારે અહીંથી પસાર થતાં જહાજો ઘણીવાર અકસ્માતગ્રસ્ત થઈને ડૂબી જતાં. જહાજો ભેગા નાવિકો અને મુસાફરો પણ ડૂબી જતા જેના કારણે અનેક લોકો દુઃખી થતાં, આંસુ સારતા અને તેથી આ જળમાર્ગનું નામ 'આંસુનો દરવાજો' પડ્યું.

'બાબ અલ-મંડેબ'ને કારણે ઈરાન-અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધશે 

હાલ હોર્મુઝનો જળ માર્ગ બંધ હોવાથી ઓઈલ ઉત્પાદક દેશો તેમના જહાજો રાતા સમુદ્રના માર્ગે મોકલી રહ્યા છે. જો ઈરાન બાબ અલ-મંડેબ પણ બંધ કરાવી દેશે, તો પછી જહાજોને આફ્રિકાના દક્ષિણ છેડેથી પસાર થઈને લાંબો રસ્તો લેવાની ફરજ પડશે. તેનાથી મુસાફરીનો સમય અને ખર્ચ બંને વધશે, જેની સીધી અસર ઓઈલના ભાવ પર પડશે. અલબત્ત અમેરિકા હુથી બળવાખોરોને આસાનીથી આ જળ માર્ગમાં ફાવવા દે એમ નથી. જિબુટી તરફ અમેરિકાનું મોટું લશ્કરી થાણું આવેલું છે, જે કોઈ પણ પ્રકારના વિક્ષેપનો તાત્કાલિક સામનો કરી શકે એમ છે. તેથી ઈરાને જો આ વિસ્તારમાં નાકાબંધી કરવાની કોશિશ કરી તો સંઘર્ષનો નવો મોરચો અહીં ખુલી જાય અને યુદ્ધ ઔર વધુ વકરે એવું બનવાની સંભાવના છે.