| (IMAGE - IANS) |
Saayani Ghosh rebel row: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વિધાયક દળમાં ભંગાણ પડ્યા બાદ હવે સંસદીય દળમાં પણ મોટો બળવો કન્ફર્મ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના વિવાદાસ્પદ 'કાબા અને મદીના' વાળા ગીતથી ભારે ચર્ચામાં આવેલા જાદવપુરના ફાયર બ્રાન્ડ મહિલા સાંસદ સયાની ઘોષ સહિત તૃણમૂલના 20 સાંસદોએ બળવો પોકાર્યો છે.
આ તમામ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેમાં સયાની ઘોષે પણ હસ્તાક્ષર કર્યા છે. પક્ષના આ આંતરિક ભંગાણને મુખ્યમંત્રી મમતા બેનરજી અને અભિષેક બેનરજી માટે બહુ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
કોણ છે સયાની ઘોષ?
આ બળવાખોર સાંસદોની યાદીમાં જેમનું નામ ચર્ચામાં છે તે સયાની ઘોષ પશ્ચિમ બંગાળના એક જાણીતા બંગાળી અભિનેત્રી અને ગાયિકા છે, જેઓ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. તેઓ હાલમાં પશ્ચિમ બંગાળની હાઇ પ્રોફાઇલ ગણાતી જાદવપુર સંસદીય બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ પોતાના તેજાબી ભાષણો અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે બંગાળના રાજકારણમાં સતત ચર્ચાના કેન્દ્રમાં રહેતા આવ્યા છે.
જૂના વિવાદોને કારણે ફરી ચર્ચામાં આવ્યા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સયાની ઘોષે ગાયેલા એક ગીતને કારણે ભૂતકાળમાં ભારે વિવાદ સર્જાયો હતો. આ ગીત મુદ્દે ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતાઓએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના પર મુસ્લિમ તુષ્ટિકરણના ગંભીર આરોપો લગાવ્યા હતા.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
રાઘવ ચઢ્ઢા પર પણ વિવાદિત ટિપ્પણી કરી હતી
આ ઉપરાંત, આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા નેતા રાઘવ ચઢ્ઢા પર પણ સયાની ઘોષે એક ચૂંટણી સભા દરમિયાન વ્યક્તિગત કટાક્ષ કર્યો હતો. તેમણે જાહેર મંચ પરથી વિવાદાસ્પદ શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, 'મારા નામમાં ચઢ્ઢા નથી, ચઢ્ઢા ચડ્ડી થઈ જશે પણ ઘોષ તો ઘોષ જ રહેશે. હું પક્ષ પલટો કરીને ઓળખ બદલનારી નેતા નથી અને હંમેશા મારી વિચારધારા પર કાયમ રહીશ.'
આ આકરા નિવેદન સામે તે સમયે ભાજપ દ્વારા સખત નારાજગી વ્યક્ત કરાઈ હતી. હવે આ જ ફાયરબ્રાન્ડ મહિલા સાંસદે મમતા બેનરજી સામે બળવો પોકારતા બંગાળનું રાજકારણ ગરમાયું છે.


