Get The App

TCS ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
TCS ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી 1 - image

TCS Conversion Case : મહારાષ્ટ્રના નાસિકમાં કથિત ધર્મ પરિવર્તન કેસમાં ફરાર થયેલી નિદા ખાનની આખરે ધરપકડ કરવામાં આવી છે. લગભગ 25 દિવસ બાદ તેને છત્રપતિ સંભાજી નગર જિલ્લાના નારેગાંવ વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવી છે. ધરપકડ બાદ તેને મેડિકલ તપાસ માટે લઈ જવાઈ હતી અને હવે ટ્રાન્જિટ વોરંટની પ્રક્રિયા પુરી થયા બાદ નાસિક લઈ જવાઈ છે.

નિદા ખાને આગોતરા જામીન અરજી કરી હતી

27 એપ્રિલે નિદા ખાને આગોતરા જામીન અરજી કરી હતી, જેનાપર કોર્ટમાં બંને પક્ષો તરફથી જોરદાર દલીલો થઈ હતી. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ પુરાવા એકઠા કર્યા હતા, જેને સરકારી વકીલોએ કોર્ટમાં રજૂ કરાતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, નિદા ખાન પીડિત યુવતિઓને અન્ય ધર્મ શિખવાડીને ધર્મ બદલવાનું ષડયંત્ર રચવા માટે કેવા કાવાદાવા કરી રહી હતી. હવે જોવાનું એ રહ્યું કે, ધરપકડ બાદ નિદા ટીસીએસ કાંડના વધુ કયાં કયાં રાજ ખોલે છે.

નિદા ખાનનું ભયાનક ષડયંત્ર, કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો

ટીસીએસ કેસમાં મુખ્ય આરોપીઓમાંની એક નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવતાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે, પીડિતાને સંગઠિત પ્રયાસો દ્વારા બ્રેઈનવોશ કરવા અને તેને મલેશિયા મોકલવાની વ્યવસ્થિત યોજના હોવાનું જણાય છે, જ્યારે ગયા અઠવાડિયે કથિત જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ સંબંધિત કેસમાં ટીસીએસ કર્મચારી નિદા ખાનને ધરપકડ પૂર્વે જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. ગુનાની તીવ્રતા ખરેખર  બહુ-સ્તરીય છે અને કેસના મૂળ સુધી જવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હતી, એમ કોર્ટે ખાનની અરજીને  યોગ્યતા વિનાની ગણાવતા કહ્યું હતું.

નિદા 2022માં TCSમાં જોડાઈ, 2025માં ટ્રાન્સફર લીધી

પોલીસ તપાસ મુજબ, નિદા 2022માં ટીસીએસ નાસિક બીપીઓમાં કામ કરતી હતી. પછી તેણે 2025માં ટ્રાન્સફર લીધા બાદ પતિ સાથે ભિવંડીમાં અને પછી ઠાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં રહેવા લાગી. આ દરમિયાન તેણે મુંબઈના હિરાનંદાની પવઈ અને મલાડ સ્થિત ટીસીએસ બીપીઓ કેન્દ્રમાં પણ થોડા સમય સુધી કામ કર્યું હતું.

મામલો સામે આવ્યા બાદ પ્રથમ પીડિતાએ 26 માર્ચે નિદા ખાન, દાનિશ શેખ અને તૌસિફ અત્તાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ, ધાર્મિક લાગણીઓ દુભાવવી, બે સમુદાયો વચ્ચે વેરભાવ ફેલાવવો અને અત્યાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ?

SIT નિદાની ધરપકડ કરવા અનેક દરોડા પાડ્યા

FIRના બીજા દિવસે એટલે કે 27 માર્ચે દાનિશ શેખ અને તૌસિફ ઉત્તારની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે નિદા ખાન ફરાર થઈ ગઈ હતી. પોલીસે નાસિકમાં તેના ઘરે, ભિવંડીમાં સાસરામાં, મુંબઈના ભેંડી માર્કેટમાં સંબંધીઓને ત્યાં, મુંબ્રા સ્થિત પતિના ઘરે અને નાસિકમાં માસીના ઘર સહિત અનેક સ્થલે દરોડા પાડ્યા હતા. પછી નિદા માસી-સંબંધીની સાથે એક ફ્લેટમાં છુપાઈ હોવાની માહિતી મળતાં જ તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને પોલીસ અન્ય પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

નાસિક BPO યુનિટમાં કામ કરતાં કેટલાક કર્મચારીઓએ સાથી કર્મચારીઓના એક જૂથ પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે અત્યાર સુધી 9 FIR નોંધવામાં આવી છે. જેમાં જાતીય સતામણી, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન, બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ અને માંસાહારી ખોરાક ખાવા માટે દબાણ કરવું જેવા આરોપોનો સમાવેશ થાય છે. આ કેસમાં અત્યાર સુધી 1 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક આરોપીઓ સિનિયર પદો પર હતા અને પદનો દુરુપયોગ કરીને સહકર્મીઓને પરેશાન કરતા હતા.

આ પણ વાંચો : તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું