India

તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ

By GS Team
8 Jun 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને રાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે દિલ્હીમાં રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનના નિવાસસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. સુખેન્દુ રોયે સાંસદ પદની સાથે સાથે પાર્ટીના તમામ હોદ્દા અને સભ્યપદ પરથી પણ છેડો ફાડી નાખ્યો છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે, પાર્ટીની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યા બાદ તેમને પક્ષમાં એકલા પાડી દેવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ

Sukhendu Sekhar Roy Quits TMC: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે દિલ્હીમાં રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનના નિવાસસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. સુખેન્દુ રોયે સાંસદ પદની સાથે સાથે પાર્ટીના તમામ હોદ્દા અને સભ્યપદ પરથી પણ છેડો ફાડી નાખ્યો છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે, પાર્ટીની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યા બાદ તેમને પક્ષમાં એકલા પાડી દેવામાં આવ્યા હતા.

વિપક્ષી એકતા પર પ્રહાર: 'ઇન્ડિયા ગઠબંધન'નું કોઈ ભવિષ્ય નથી

રાજીનામું આપ્યા બાદ સુખેન્દુ શેખર રોયે વિપક્ષી પક્ષોના 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ગઠબંધનની બેઠકોનો ઉલ્લેખ કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ મોરચાનું કોઈ ભવિષ્ય નથી. તૃણમૂલ કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ જણાવતાં તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે તેઓ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા હતા.

બંગાળમાં TNCના પતન અને ભ્રષ્ટાચાર પર મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળના રાજકારણ અને ચૂંટણીમાં ટીએમસીને મળેલી હાર અંગે વાત કરતાં રોયે જણાવ્યું કે, રાજ્યમાં માત્ર 'આર. જી. કર મેડિકલ કૉલેજ'ની ઘટનાને લઈને જ જનતામાં નારાજગી નહોતી, પરંતુ તેના સિવાય પણ ઘણા એવા મુદ્દા હતા જેના કારણે લોકોમાં ભારે આક્રોશ હતો. આ ગુસ્સો આર. જી. કરની ઘટના બાદ વિસ્ફોટ સ્વરૂપે બહાર આવ્યો. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, છેલ્લા 5 વર્ષમાં પશ્ચિમ બંગાળના દરેક નાના-મોટા નગરો અને નગરપાલિકાઓમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે, તેનું કડક ફોરેન્સિક ઓડિટ કરાવવામાં આવે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી 'ઇશ્ક કરો પાર્ટી', CJPના અભિજિત દીપકેને બેવકૂફ ગણાવ્યા

કોયલ મલિકના રાજીનામાની અટકળો પણ તેજ

રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી હતી કે ટીએમસીના બે રાજ્યસભા સાંસદો રાજીનામું આપી શકે છે, જેમાં સુખેન્દુ શેખર ઉપરાંત પ્રખ્યાત અભિનેત્રી કોયલ મલિકનું નામ પણ મોખરે હતું. કોયલ મલિકને ટીએમસીએ ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ રાજ્યસભામાં મોકલ્યા હતા. જોકે, સુખેન્દુ રોયના રાજીનામા બાદ હજુ સુધી કોયલ મલિક તરફથી સત્તાવાર રીતે રાજીનામું આપવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા નથી.

મમતાના ખાસ ગણાતા રોય હવે ભાજપ તરફ?

સુખેન્દુ શેખર રોય વર્ષ 2011માં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. 15 વર્ષ લાંબી રાજકીય સફરમાં તેઓ મમતા બેનર્જીના અત્યંત વિશ્વાસુ અને પક્ષની નીતિઓ નક્કી કરનારા મુખ્ય નેતા ગણાતા હતા. ટીએમસીના દરેક સારા-નરસા સમયમાં તેઓ મમતાની પડખે ઊભા રહ્યા હતા. પરંતુ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની રાજકીય પકડ નબળી પડતાં જ અને પક્ષ મુશ્કેલીમાં મૂકાતા જ તેમણે સાથ છોડી દીધો છે. રાજીનામા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે, જેને જોતાં રાજકીય પંડિતો માની રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપનો કેસરીયો ધારણ કરી શકે છે.