Get The App

શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્ર છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્ર છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી 1 - image

Pune Shaniwarwada Namaz Sparks Uproar: પુણેના ઐતિહાસિક શનિવારવાડા પરિસરમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા નમાઝ અદા કરવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ધાર્મિક તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ભાજપના નેતાઓએ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.


નિતેશ રાણેનો આક્રોશ અને ચેતવણી

મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેએ આ મામલે સખ્ત ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે મુસ્લિમ સમુદાયના લોકોને ચેતવણી આપીને કહ્યું કે, 'શનિવારવાડા અમારો ઈતિહાસ અને બહાદુરીનું પ્રતીક છે. જો તમને ત્યાં નમાઝ પઢવાનો આટલો શોખ છે, તો કાલે આપણા હિન્દુત્વ સંગઠનો હાજી અલીની બહાર ઊભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરશે, શું તમને આમાં વાંધો નહીં આવે? શું તમારી લાગણીઓને ઠેસ નહીં પહોંચે?'

સવાલ ઉઠાતા નિતેશ રાણેએ કે, 'તમારે ત્યાં (શનિવારવાડા) નમાઝ કેમ પઢવી પડે છે? તો પછી તમે મસ્જિદમાં શું કરી રહ્યા છો? જેને નમાઝ પઢવા માટે જગ્યા આપવામાં આવી છે તેણે ત્યાં નમાઝ પઢવી જોઈએ. જો હવે હિન્દુત્વ કાર્યકરો હાજી અલી જેવી જગ્યાઓ બહાર મહા આરતી કે હનુમાન ચાલીસાનો મોટેથી પાઠ કરશે, તો કોઈને વાંધો ન થવો જોઈએ.'

આ પણ વાંચો: મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં!

શનિવારવાડાને 'શુદ્ધ' કરવાની કાર્યવાહી

આ વીડિયો વાઈરલ થયા બાદ રવિવારે (19મી ઑક્ટોબર)ના રોજ ભાજપના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણી, સકલ હિન્દુ સમાજ અને પતિત પાવન સંગઠનના કાર્યકરો સાથે શનિવારવાડા પહોંચ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શનકારીઓએ જે સ્થળે નમાઝ અદા કરવામાં આવી હોવાનો આક્ષેપ હતો, તે સ્થળને ગૌમૂત્ર છાંટીને 'શુદ્ધ' કર્યું હતું. આ દરમિયાન પરિસ્થિતિ વણસતા પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી, અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસને સમય લાગ્યો હતો. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઐતિહાસિક સ્થાનો પર ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની બાબત મહારાષ્ટ્રમાં ફરી એકવાર સંવેદનશીલ મુદ્દો બની ગઈ છે.